| અમદાવાદ, શનિવાર
અમદાવાદમાં કોટ વિસ્તારમાં આવેલા ખાડિયામાં કમળાનો રોગચાળો વકરી રહ્યો છે. આજે ખાડિયા-રાયપુરમાં કમળાના વધુ ૧૦ કેસ નોંધાયા છે. આ સાથે તાજેતરમાં વકરેલા કમળાના ૫૦ કેસ નોંધાયા હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે. જોકે, બિન-સત્તાવાર સૂત્રોના કહેવા મુજબ કમળાના ભરડામાં ૮૦થી વધુ લોકો આવી ગયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ પાણીજન્ય રોગચાળાને કાબૂમાં લેવા પગલાં લેવામાં આવી રહ્યા છે. કમળાને કારણે અસર પામેલા વિસ્તારોમાં મેડિકલ ટીમ મૂકવામાં આવી છે.
બે સ્થળે પાણીના લીકેજ મળ્યાઃ મ્યુનિ હેલ્થ-મેડિકલ ટીમો દ્વારા ૪,૫૦૦ મકાનોનો સર્વે કરવા સહિત પગલાં લેવાયાં
અમદાવાદમાં મધ્ય ઝોનમાં પાણી અને ડ્રેનેજની લાઈનો વર્ષો પહેલાં નાંખવામાં આવી છે. કોટ વિસ્તારમાં આવેલી પાણી અને ગટરની લાઈનો ખવાઈ ગઈ છે. વર્ષો જૂની આ પાઈપલાઈનમાં લીકેજ હોવાને કારણે ગટરનું પાણી અને પીવાના પાણીમાં ભળી જવાને કારણે પીવાનું પાણી પ્રદૂષિત થવાને કારણે આ પાણીજન્ય રોગચાળો ફેલાયો હોય તેમ લાગે છે. ખાડિયા-રાયપુરમાં આવેલી પોળોમાં છેલ્લાં પાંચ દિવસથી પ્રદૂષિત અને વાસ મારતું પાણી આવે છે. પખાલીની પોળ, આત્મારામનું ડહેલુ, લાલજી મહારાજનું ડહેલું, વિઠ્ઠલ શેરી, નાઈવાડો, વગેરે વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળાએ ભરડો લીધો છે. આ કમળાના વધુ ૧૦ કેસ નોંધાયા છે અને આ સાથે છેલ્લાં પાંચ દિવસમાં કમળાના કેસ વધીને ૫૦ થયા હોવાનું સત્તાવાર સૂત્રોએ કહ્યું છે. જોકે, બિન-સત્તાવાર સૂત્રોએ કહ્યું છે કે, ખાડિયા-રાયપુરમાં કમળાના વાવરમાં ૮૦ જેટલા લોકો સપડાયા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાડિયા-રાયપુર વિસ્તારમાં કમળાના રોગચાળાને કાબૂમાં લેવા માટે પગલાં લેવાઈ રહ્યા છે. આમ છતાં કમળાનો રોગચાળો કાબૂમાં આવતો નથી. આ વિસ્તારોમાં એન્જિનીયરિંગ વિભાગ અને મેડિકલ વિભાગને કામે લગાડવામાં આવ્યો છે. ગટરના પાણીનું લીકેજ શોધવા માટે ખોદકામ કરાયું છે અને બે સ્થળે પાણીના લીકેજ મળી આવ્યા હતા જે બંધ કરાયા છે. હેલ્થ વિભાગના વડા ડો.કુલકર્ણી અને ડે. હેલ્થ ઓફિસર ભાવિન જોશીએ કહ્યું કે, મ્યુનિ. દ્વારા મેડિકલ ટીમ મોકલવામાં આવી છે અને ૩ મોબાઈલ ડીસ્પેન્સરી વાન તથા એમ્બ્યુલન્સ પણ મૂકાઈ છે. આજે સવારે અને બપોરે ૧૯ મેડિકલ અને હેલ્થ ટીમ દ્વારા ૪,૫૦૦ મકાનનો સર્વે કરાયો છે. પ્રદૂષિત પાણીથી અસર પામેલા વિસ્તારોમાં ક્લોરિનની ગોળીનું વિતરણ કરાયું છે. ઈજનેર વિભાગ દ્વારા ડીશિલ્ટિંગ માટે ૨ ટીમ મૂકીને સફાઈ કામગીરી હાથ ધરાઈ છે. |