મુંબઈ - જ્યાં બોલીવૂડ થીમ પાર્ક ઉભો કરવાનો પ્રસ્તાવ છે, તે ખારઘરની અઢીસો એકર જમીનના સોદા માટે રિ-ટેન્ડરિંગ માટે રાજ્ય સરકાર સિટી ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (સિડકો)ને કહે એવી શકયતા છે.
હોલીવૂડ હિલ્સની રૃએ ખારઘરમાં સહ્યાદ્રિની પર્વતમાળાની નજીકની ટાઉનશીપમાં બોલીવૂડ હિલ્સ, અ ફન એન્ડ ફિલ્મ સિટી' ઉભી કરવાની યોજના છે. સિડકોને ૭,૮૦૯ કરોડ રૃપિયાની યોજનામાંથી ૨૬ ટકા ઈક્વિટી (હિસ્સો) મળશે જે લગભગ ૫.૩૮ કરોડ રૃપિયા જેટલો હશે તેથી સિડકોને આ સોદામાંથી કુલ ૨,૦૬૮ કરોડ રૃપિયાની આવક થશે. પાંડવ- કડાની તળેટીમાં ઈન્ટરનેશનલ ગોલ્ફ કોર્સ અને સેન્ટ્રલ પાર્કના પહેલાં તબક્કાનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. આ ગોલ્ફ કોર્સ અને સેન્ટ્રલ પાર્ક લંડનના હાઈડ પાર્કની રૃએ તૈયાર થશે.
રાજ્ય સરકારના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ, 'કેટલીક કંપનીઓએ ખારઘર હિલની ટેકરીઓ પરની સપાટ જમીન ખરીદવા બિડ ભર્યાં છે તે પ્રક્રિયા રદ્દ કરવાનો પ્રસ્તાવ અમે મૂક્યો છે. અમે આ યોજનાનું મોડેલ બદલવા માગીએ છીએ. જમીન વેચવાના બદલે અમે જમીન જાળવી રાખી અલગ પ્રકારે તેનો વિકાસ કરીશું. ગયા વર્ષ કરતા વધુ કિંમતે વધુ સારી યોજના કરી શકાશે.' આ યોજના માટે એકની એફ.એસ.આઈ. પણ મંજૂર થઈ ચૂકી છે.
૨૧ જાન્યુઆરી, ૨૦૧૦ના રોજ સિડકોએ આ યોજના માટે રસ ધરાવતી કંપનીઓના બિડ ખોલ્યાં હતાં. જેમાં ઈન્ડિયા બુલ્સ અને જી.વી.કે.- એચ.સી.સી.ને મહાત કરી ફયુચર સિટી પ્રોપર્ટીઝ પ્રાઈવેટ લિમિટેડ વિજેતા થઈ હતી. જોકે, આ સોદાને ક્યારેય પાક્કી મંજૂરી મળી નથી. આમાંથી કઈ કંપનીએ વધુ મજબૂત આર્થિક અને ટેકનિકલ યોજનાનો પ્રસ્તાવ મૂક્યો હતો તે નક્કી કરવા માટે એક સમિતિ પણ રચાઈ હતી. જોકે, બાદમાં યોગ્યતાના આધારે ડેવલપરની નિમણુક અને પૈસા સ્વીકારવાની પ્રક્રિયા અટકાવી દેવામાં આવી હતી.
આ પેટે ફયુચર સિટીએ સિડકોને એક મહિનામાં ૧,૫૩૦ કરોડ રૃપિયાની રોકડ રકમ ચૂકવવાની હતી, પરંતુ તેવું થયું નહોતું. આ સોદામાં ઈક્વિટી આગામી ૬૦ વર્ષમાં ડેવલપમેન્ટ અને પ્રોફિટમાંથી ડિવિડન્ડ રૃપે મળવાની હતી. બિડના વિજેતાઓને સિડકોને આખરી વિગતવાર અહેવાલ આપવાનું પણ કહેવાયું હતું. જોકે, આ અહેવાલ ક્યારેય જાહેર થયો જ નહોતો. આ યોજનામાં રહેવાસી અને વ્યવસાયી વિકાસની યોજના પણ હતી. ખારઘર ફિલ્મ સિટીનો પ્રથમ તબક્કો યોજના પ્રમાણે વર્ષ ૨૦૧૩ સુધીમાં પાર પાડવાનો હતો અને સમગ્ર યોજના વર્ષ ૨૦૧૭ સુધીમાં આકારિત કરવાની હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ, હવે પછી ટેન્ડર પ્રક્રિયા અને વિજેતાની પસંદગી માટે વધુ છ મહિના લાગશે અને આખી યોજના લગભગ એક વર્ષ આગળ ઠેલાશે.
આ યોજનાની બેઝ પ્રાઈસ ચોરસ મિટર દીઠ ૬૩૦ રૃપિયાની હતી અને બિડ વિજેતા કંપની ફયુચર સિટી ગુ્રપે આનાથી ૧૪૩ ટકા વધુ રકમનું બિડ ભર્યું હતું. આ રીતે જોતા અપફ્રન્ટ પેમેન્ટ અને ૨૬ ટકા ઈક્વિટીની ગણતરી મંડાય તો આ કંપનીએ ચોરસ મિટર દીઠ ૩૮,૮૫૦ રૃપિયાનું બિડ ભર્યું હતું.
અન્ય બિડર કંપનીઓ ઈન્ડિયા બુલ્સ અને જી.વી.કે.- એચ.સી.સી.એ બેઝ પ્રાઈસ કરતાં અનુક્રમે વધુ ૬૮ ટકા અને ૨૮ ટકા રકમનું જ બિડ ભર્યું હતું, તેથી આ બંને મુખ્ય સ્પર્ધક કંપની ફયુચર સિટી સામે બિડનો જંગ હારી ગઈ હતી. ઈન્ડિયા બુલ્સે હિલ્સ પર 'નોલેજ સિટી'નો પ્રસ્તાવ રાખ્યો હતો જ્યારે જી.વી.કે.- એચ.સી.સી.એ 'લે'સર એન્ડ એન્ટરટેનમેન્ટ સિટી'નો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે, આ યોજના પર કામ કરી રહેલાં સિડકોના ઈજનેરોએ આ વિશે કોઈપણ પ્રતિક્રિયા આપવાનો ઈન્કાર કર્યો હતો.