જમ્મુ- કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને યુપીએ સરકારના પ્રધાન તેમજ નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લા જ્યારે એમ કહે કે બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમારે નકસલવાદ સામે કડક પગલાં લેવા જોઈએ. ફારૂક ઉસ્તાદ રાજકારણીઓમાંના છે. તે જાણે છે કે તેમના નિવેદનનો વિરોધ થશે એટલે તરત જ તેમણે ઉમેર્યું કે, ભૂતકાળમાં આપણે ત્રાસવાદીઓને છોડીને ભૂલ કરી હતી હવે બિહારમાં આવું રીપીટ ના થવું જોઈએ. ડાહી સાસરે ના જાય અને ગાંડીને શિખામણ આપે એવો આ ઘાટ છે. જમ્મુ- કાશ્મીરમાં ત્રાસવાદીઓ છોડવા પાછળના કારણો જુદા હતા તે તો ઠીક પણ જમ્મુ- કાશ્મીરમાં કટ્ટરવાદીઓને થોઈ-થાબડા કરીને પોતાનું શાસન ટકાવી રાખનાર ફારૂક અબ્દુલ્લા આજે રાજ્યમાં પહેલાં જેવું સ્થાન નથી ધરાવતા. તેમનો પુત્ર ઓમાર ભલે તડજોડવાળા વાતાવરણમાં મુખ્યપ્રધાન બની જાય પણ કાશ્મીરની આજની સ્થિતિ તેમણે જે બનાવી છે એવી તો ભૂતકાળમાં ક્યારેય નહોતી. નિષ્ફળ મુખ્યપ્રધાનોની યાદીમાં તેમનું નામ મોખરે છે.
કાશ્મીરની હાલની દશાના મૂળમાં ફારૂક- ઓમારની આ પિતા-પુત્રની જોડીનો ફાળો નાનો સૂનો નથી. હવે આ જ ફારૂક નીતિશકુમારને સલાહ આપે છે કે બિહારમાં નકસલવાદીઓ સામે કડક હાથે કામ લો. જમ્મુ- કાશ્મીરમાં લશ્કરના જવાનોની ધોલાઈ કરતા લોકો સામે વડાપ્રધાન હળવે હાથે કામ લેવાની વાત કરે છે જ્યારે નકસલવાદીઓ સામે કે તેમના કેબિનેટના સાથી હળવે હાથે નહિ પણ કડક બનવાની વાત કરે છે. બીજાના રાજ્યમાં જઈને સલાહ આપવી સહેલી છે પરંતુ પોતાના રાજ્યની દારૂણ સ્થિતિ અંગે વિચારવાનો સમય નથી એવી સ્થિતિની આ વાત છે. બિહારમાં અપહરણ કરાયેલા પોલીસ કર્મચારીઓને છોડી દેવામાં આવ્યા હતા. હકીકતે તો બીજાના રાજ્યમાં ફારૂક જેવાઓએ ચંચુપાત પણ ના કરવી જોઈએ. જનતા દળ (યુ)ના નેતાઓએ તમારું સંભાળો એમ કહીને ટીકા પણ કરી હતી. જો કે ફારૂક જેવાઓને બહુ ફર્ક નથી પડતો. તેમનો પક્ષ એન.ડી.એ.નો સાથીદાર પણ હતો અને યુપીએનો પણ સાથીદાર છે. આ લોકોને રાજકીય દ્રષ્ટિ હોય છે પણ તે સત્તાલક્ષી હોય છે.
સત્તા ટકાવી રાખવાના પ્રયાસોના કારણે તો કાશ્મીરમાં ભાગલાવાદી તત્ત્વો અને ત્રાસવાદીઓ કાયમી સ્તરે ડેરા-તંબુ નાખીને બેસી ગયા છે. બિહારનો નકસલવાદ અને જમ્મુ- કાશ્મીરના ત્રાસવાદ વચ્ચે બહારથી આવેલા લોકોએ સ્થાનિક લોકોને ભડકાવ્યા છે જ્યારે નકસલવાદ એ સ્થાનિક લોકો વિકાસથી વંચિત રહ્યા બાદ ઉભો થયેલો છે. ત્રાસવાદ અને નકસલવાદ બંનેને એક સમાન ગણાવીને ફારૂક અબ્દુલ્લા પોતાની જાતને બચાવવા માગે છે અને કાશ્મીરના કિસ્સામાં પોતાનો પ્રયાસ સાચી દિશાનો હતો એમ ઠરાવવા માંગે છે. જ્યારે એમના હાથમાં જમ્મુ- કાશ્મીરની સત્તા હતી ત્યારે તેમણે ત્રાસવાદ સામે કડક પગલા લીધા નહોતા. જો તેમણે કડક પગલા લીધા હોત તો કાશ્મીરની દશા આજના જેવી કરૂણ ના હોત તે હકીકત પણ સ્વીકારવી જોઈએ. ફારૂકે, નીતિશને કડક પગલાં લેવાનું કહીને વિવાદનો મધપૂડો છંછેડ્યો છે.
તહેવારના દિવસો
શ્રાવણ માસ પછી તહેવારના દિવસો પૂરા થયા નથી પણ શરૂ થયા છે એમ કહી શકાય. ભાદરવાની પૂનમે અંબાજી ચાલતા જતા લાખો પદયાત્રીઓ એ એક વિશેષ આકર્ષણ બને છે, ત્યાર પછી લાગણીઓનું પર્વ શ્રાદ્ધ પક્ષ અને ત્યારબાદ નવરાત્રિ, દશેરા અને દિવાળીના તહેવારો આવશે આમ હવે શ્રાવણની વિદાય બાદના દિવસો લાગણી, શ્રદ્ધા અને આનંદ ઉલ્લાસ સાથે જોડાયેલા રહેશે. ભાદરવાની પૂનમે અંબાજી પદયાત્રાએ જનારાઓની સંખ્યામાં વધારો થશે કેમ કે આ વખતે વરસાદ સારો છે, શેરબજારમા તેજી છે અને આર્થિક સમૃદ્ધિનો દરેક વત્તે ઓછે અંશે અહેસાસ કરી રહ્યા છે.
પૂર્વજોને યાદ કરીને તેમના આશીર્વાદ મેળવવા કરાતું શ્રાદ્ધ પર્વ પણ દરેક લાગણીવશ થઈને ઉજવે છે. ત્યારબાદ નવરાત્રિના દિવસો નાના- મોટા સૌને ભક્તિમય બનાવશે. આ બધા પર્વોના મૂળમાં આશા, શ્રદ્ધા અને કરોડો રૂપિયાનો વેપાર સમાયેલો છે. આર્થિક તંત્ર અને ઉત્સવોને એકબીજા સાથે વણી લેવામાં આવ્યા છે. જન્માષ્ટમીનો મેળો પતે કે તરત જ ભાદરવી પૂનમનો મેળો આવે છે. આપણી ઉત્સવપ્રિય પ્રજા બઘું રંગેચંગે ઉજવે છે જેના કારણે પૈસો ફરતો રહે છે અને નાનો- મોટો દરેક વર્ગ આર્થિક સમૃદ્ધિ મેળવ્યા કરે છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા અકબંધ હોવા પાછળનું મૂળ કારણ આર્થિક સમૃદ્ધિ સાથે વણાયેલા ઉત્સવો છે.