Last Update : 10-Sept.-2010, Friday

કોમનવેલ્થ ગેમ્સ આપણી બ્રિટનની ગુલામીનું પ્રતિક છે

બ્રિટનની રાણી જો આપણો કોહિનૂર હીરો અને આપણું મયૂરાસન માનભેર પાછું આપવા તૈયાર ન હોય તો આપણે આ રમતોનો બહિષ્કાર કરવો જોઈએ

આપણે કોમનવેલ્થ ગેમ્સમાં પ્રવર્તી રહેલા ભ્રષ્ટાચારની બહુ ચર્ચા કરી લીધી. હવે કોમનવેલ્થ બાબતમાં પાયાની ચર્ચા કરવાની જરૃર છે. જેમનો જન્મ ઈ.સ. ૧૯૪૭ પછી થયો છે, તેમને કદાચ કોમનવેલ્થના ઈતિહાસની ખબર નહીં હોય. કોમનવેલ્થ કઈ બલાનું નામ છે અને ભારતને કેવી રીતે કોમનવેલ્થમાં જોડવામાં આવ્યું તેની પણ તેમને ખબર નહીં હોય. કોમનવેલ્થ એ બ્રિટીશ સામ્રાજ્યના ગુલામ રહી ચૂકેલા દેશોનું મંડળ છે. બ્રિટનની મહારાણી તેની કાયમી અધ્યક્ષ છે. હકીકતમાં કોમનવેલ્થ આપણી ગુલામીનું પ્રતિક છે. ઈ.સ. ૧૯૪૭માં ભારતને અંગ્રેજોએ આઝાદી આપી તે પહેલાં જ ભારત ઉપર પોતાની સર્વોપરીતા ટકાવી રાખવા ભારતને કોમનવેલ્થનું સભ્ય બનાવી દેવામાં આવ્યું હતું. ઈ.સ. ૧૯૪૫માં પંડિત જવાહરલાલ નેહરુ ભારતના વડા પ્રધાન પણ નહોતા બન્યા ત્યારે તેમણે ભારતને કોમનવેલ્થના સભ્ય બનાવવાનું વચન માઉન્ટબેટનને આપી દીધું હતું. આ કારણે આજે પણ આપણે રાણીના 'બેટન'નું સ્વાગત કરવું પડે છે.
news-viewsકોમનવેલ્થ શું છે તે સમજવા માટે આપણે પહેલા આ શબ્દની વ્યુત્પતિમાં જવું પડશે. બ્રિટનના કેટલાંક સંસ્થાનો જ્યારે સ્વતંત્ર થઈ ગયાં ત્યારે કેનેડાના લોર્ડ રોઝબેરીએ ઈ.સ. ૧૮૮૪ની સાલમાં પહેલી વખત 'કોમનવેલ્થ' શબ્દનો ઉપયોગ કર્યો હતો. તેમણે આ સંસ્થાનોને બ્રિટનની સહિયારી મૂડી (કોમનવેલ્થ) તરીકે ઓળખ્યાં હતાં. ઈ.સ. ૧૯૩૧માં બ્રિટનની સંસદે એક કાયદો ઘડીને કોમનવેલ્થની રચના કરી હતી. એ સમયે આ સંસ્થા બ્રિટીશ કોમનવેલ્થ તરીકે ઓળખાતી હતી, જેના ઉપરથી અત્યંત સ્પષ્ટ થઈ જતું હતું કે આ 'કોમનવેલ્થ'ની માલિકી કોની છે. આ કોમનવેલ્થની માલિક બ્રિટનની રાણી છે અને આ સંસ્થામાં જોડાયેલા તમામ દેશોના નાગરિકો આ મહારાણીના પ્રજાજનો છે. તેમાં આપણો પણ સમાવેશ થઈ જાય છે. કોમનવેલ્થમાં સમાનતાના સિદ્ધાંતનો ભંગ કરવામાં આવ્યો છે. કોમનવેલ્થમાં બધા ભૂતપૂર્વ કે વર્તમાન ગુલામ દેશો સરખા ગણાય છે, પણ બ્રિટનની ભૂમિકા બધાના માલિકની છે. કોમનવેલ્થના પ્રમુખની લોકશાહી ઢબે ચૂંટણી નથી થતી, પણ બ્રિટનની રાણી તેની આજીવન પ્રમુખ છે. ભારતના રાષ્ટ્રપતિ કદી કોમનવેલ્થના અધ્યક્ષ બની શકે નહીં. ભારતમાંથી જ્યારે રાજાશાહી નાબુદ કરવામાં આવી છે ત્યારે આપણે બ્રિટનની રાણીની આણ શા માટે માનવી જોઈએ ?
બીજાં વિશ્વયુદ્ધ પછી જ્યારે બ્રિટનનાં સસ્થાનો સ્વતંત્ર બનવા લાગ્યાં ત્યારે તેમને કોઈ રીતે પોતાના પ્રભાવમાં રાખવા માટે તેમના વડાઓ ઉપર સામદામદંડભેદનો ઉપયોગ કરીને તેમને કોમનવેલ્થમાં જોડી દેવામાં આવ્યા. ભારતને કોમનવેલ્થમાં જોડવાની સિદ્ધિ ભારતના અંતિમ વાઈસરોય અને પ્રથમ ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટબેટને મેળવી હતી. ભારતના વડા પ્રધાનપદના દાવેદાર પંડિત જવાહરલાલ નેહરુ માઉન્ટબેટનની પત્ની એડવિનાના ગળાડૂબ પ્રેમમાં હતા. એડવિનાએ કોઈ નબળી ક્ષણે તેમને ભારતને કોમનવેલ્થમાં જોડવા બાબતમાં સમજાવી લીધા હતા. સરદાર પટેલે ભારતને કોમનવેલ્થમાં જોડવાના પ્રસ્તાવનો સખત વિરોધ કર્યો હતો, પણ જવાહરલાલ નેહરુની જિદ સામે તેનું કાંઈ ચાલ્યું નહોતું. કોમનવેલ્થની ગુલામી કોંગ્રેસના 'પૂર્ણ સ્વરાજય'ના ઠરાવથી પણ વિરુદ્ધમાં હતી.
ઈ.સ. ૧૯૪૯ના એપ્રિલ મહિનામાં લંડનમાં કોમનવેલ્થના દેશોના વડાઓની પરિષદ મળી હતી. આ પરિષદમાં ભાગ લેનારા તમામ રાજદ્વારીઓએ પોતાના સમ્રાટ તરીકે બ્રિટનના રાજાને સ્વીકારવાના હતા. જો ભારતના વડાપ્રધાન જવાહરલાલ નેહરુ કોમનવેલ્થના અન્ય સભ્ય દેશોની જેમ બ્રિટનના રાજાને પોતાના સમ્રાટ તરીકે સ્વીકારે તો ભારતની સ્વતંત્રતા નિરર્થક પુરવાર થતી હતી. આ કારણે લંડનની પરિષદતમાં એવું થાગડથીગડ સમાધાન કરવામાં આવ્યું હતું કે સ્વતત્ર ગણરાજ્યો પણ કોમનવેલ્થના સભ્યો બની શકે છે. આ રીતે જવાહરલાલ નેહરુને મનાવી લેવામાં આવ્યા હતા, પણ ભારતને કોમનવેલ્થમાં આપવામાં આવેલું ઉતરતી કક્ષાનું સભ્યપદ તેમણે સ્વીકારી જ લેવું પડયું હતું. કોમનવેલ્થના વડાઓની પરિષદ મળે ત્યારે તેમાં કાયમ બ્રિટનનું રાષ્ટ્રગીત 'ગોડ સેવ ધ કિંગ' વગાડવામાં આવે છે. આ રાષ્ટ્રગીત પણ જવાહરલાલ નેહરુએ નતમસ્તકે સાંભળી લેવું પડયું હતું. ઈ.સ. ૧૯૯૬માં અટલબિહારી વાજપેયી ભારતના વડા પ્રધાન બન્યા તે પછી તેમને પણ કોમનવેલ્થની ઘૂંસરી ફગાવી દેવાનો વિચાર નહોતો આવ્યો.
કોમનવેલ્થ ગેમ્સનો ઉદ્દેશ માનવતા, સમાનતા અને સમૃદ્ધિનો ફેલાવો કરવાનો છે, પણ કોમનવેલ્થના પાયામાં જ અસમાનતા છે. બ્રિટનની રાણી કોમનવેલ્થની સામ્રાજ્ઞાી છે અને આપણએ તેમના પામર પ્રજાજનો છીએ. આજની તારીખમાં કોમનવેલ્થના સભ્ય દેશોની સંખ્યા ૫૩ની છે. તો પછી કોમનવેલ્થ ગેમ્સમાં ૭૧ ટીમો ભાગ લેવાની છે, તેનું રહસ્ય શું છે ? શા માટે કોમનવેલ્થના સભ્ય દેશોની સંખ્યા અને તેની ટીમોની સંખ્યા સરખી નથી ? બ્રિટનની રાણી ભારત જેવા દેશોને અને તેના ખંડિયા દેશોને એક લાકડીએ હાંકે છે. ગ્રેટ બ્રિટનમાં સ્કોટલેન્ડ, આયર્લેન્ડ, વેલ્સ અને ઈંગ્લેન્ડ જેવા દેશોને ભેળવી દેવામાં આવ્યા છે. આ બધા દેશોની પણ અલગ ટીમો છે. આ ટીમો સાથે ભારતની ટીમે સ્પર્ધામાં ઉતરવાનું છે. બ્રિટન માટે કોમનવેલ્થના ખંડિયા દેશોની કિંમત સાર્વભૌમ દેશો જેટલી જ છે. વર્લ્ડ કપના ક્રિકેટમાં ભારતની ટીમની સાથે બિહારની, બંગાળની અને ગુજરાતની ટીમ પણ સ્પર્ધામાં ઉતરે તો કેવું લાગે ?
ભારત કોમનવેલ્થનું સભ્ય બન્યું તેને કારણે તેને ઘણી બાબતમાં બ્રિટનની ગુલામી સ્વીકારવી પડી હતી, જે આજે પણ ચાલુ છે. તમે કદી વિચાર કર્યો છે કે અમેરિકામાં આપણા રાજદૂત 'એમ્બેસેડર' તરીકે ઓળખાય છે, પણ બ્રિટનમાં આપણા રાજદૂત 'હાઈ કમિશનર' તરીકે શા માટે ઓળખાય છે? એક સાર્વભૌમ દેશ બીજા સાર્વભૌમ દેશમાં પોતાના રાજદૂત મેળવે તેઓ 'એમ્બેસેડર' તરીકે જ ઓળખાવા જોઈએ. બ્રિટન ભારતને સાર્વભૌમ દેશ નથી ગણતું પણ તેનું એક સંસ્થાન જ માને છે. આ સંસ્થાનનો જે પ્રતિનિધિ રાજાના દરબારમાં જાય તેને 'હાઈ કમિશનર' તરીકે ઓળખવામાં આવે છે. જે રીતે પોલીસ કમિશનર કે મ્યુનિસિપલ કમિશનર હોય છે તેમ બ્રિટનમાં ભારતના જે હાઈ કમિશનર હોય છે તેઓ એક જ સરકારનાં બે ખાતાંઓ વચ્ચેના સંપર્ક અધિકારી હોય છે. કોમનવેલ્થના બધા સભ્યો બ્રિટનની રાણીના દરબારમાં પોતાના જે પ્રતિનિધિ મોકલે તેને 'હાઈ કમિશનર' તરીકે જ ઓળખવામાં આવે છે. હાઈ કમિશનરનો હોદ્દો આપણને એ વાતની કાયમ યાદ અપાવે છે કે બ્રિટન આપણને ગઈ કાલે ગુલામ માનતું હતું અને આજે પણ માને છે. કોમનવેલ્થની રચના પાછળનો મૂળ ઉદ્દેશ જ બ્રિટનના ભૂતપૂર્વ ગુલામ દેશોને તેમની ગુલામીની યાદ અપાવતા રહેવાનો છે.
કોમનવેલ્થમાં જે ૫૩ દેશો છે, તેમની વચ્ચે કોઈ સામ્ય નથી. આ સંગઠનમાં એક બાજુ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝિલેન્ડ જેવા દેશો છે, જેને બ્રિટનના પ્રજાજનોએ જ કબજે કરીને વસાવ્યા છે. તો તેમાં બીજી બાજુ દક્ષિણ આફ્રિકા, કેન્યા અને યુગાન્ડા જેવા પછાત દેશો છે, જેઓ એક સમયે બ્રિટનના ગુલામ હતા. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝિલેન્ડ જેવા દેશોની પ્રજા બ્રિટનની પ્રજા સાથે સાંસ્કૃતિક રીતે સંકળાયેલી છે. પણ ભારત અને આફ્રિકાના દેશો વચ્ચે કોઈ સમાનતા નથી. ભારત એક ભવ્ય સાંસ્કૃતિક વારસો ધરાવે છે, જ્યારે આફ્રિકાના દેશો આજે પણ દારૃણ ગરીબી અને ભૂખમરામાં સબડી રહ્યા છે. આ બધાને જોડતી એક જ કડી છે કે તેઓ એક સમયે બ્રિટનના ગુલામ હતા. આ કડીને યાદ રાખીને દર ચાર વર્ષે તેની ઉજવણી કરવાની હોય કે તેને ભૂલી જવાની હોય? ભૂતકાળમાં બ્રિટનના આધિપત્ય હેઠળ રહેવા છતાં કોમનવેલ્થની ધૂંસરીમાં ન જોડાવાની હિમ્મત અત્યાર સુધી માત્ર ઈઝરાયલે જ કરી છે. ભારત શા માટે આવી હિમ્મત ન કરી શકે ?
એમ કહેવામાં આવે છે કે બ્રિટનની રાણીનો કોમનવેલ્થનાં અધ્યક્ષનો હોદ્દો માત્ર શોભાના ગાંઠિયા જેવો છે. તેમ છતાં કોમનવેલ્થના દરેક મહત્ત્વના કાર્યક્રમોમાં રાણી હાજર રહે છે અને તેનું આસન હંમેશા આપણા વડા પ્રધાનના આસન કરતાં ઊંચું જ હોય છે. તેઓ કહે છે કે રાણીની હાજરી કોમનવેલ્થના દેશોમાં એક પરિવારના સભ્ય હોવાની લાગણી પેદા કરે છે. જો બ્રિટનની રાણી ભારતને તેના પરિવારનું સભ્ય માનતી હોય તો સૌથી પહેલા તેના તાજમાં શોભી રહેલો ભારતમાંથી લૂંટીને લઈ જવામાં આવેલો કોહિનૂર હીરો ભારતને પાછો આપવો જોઈએ. ભારતના મોગલ બાદશાહો જે મયૂરાસન ઉપર બેસીને દેશનું શાસન ચલાવતા હતા તે મયૂરાસન આપણને પાછું આપવું જોઈએ. શિવાજી મહારાજે જે ભવાની તલવારથી હિન્દવી સ્વરાજ્યની રક્ષા કરી તે ભવાની તલવાર આપણને પાછી મળવી જોઈએ. યુરોપના સ્કોલરો ભારતની જે લાખો પ્રાચીન હસ્તપ્રતો ચોરીને બ્રિટનમાં લઈ ગયા તે આપણને પાછી મળવી જોઈએ. જો બ્રિટનની રાણી આપણને આપણી મૂલ્યવાન ચીજો પાછી આપવા તૈયાર ન થાય તો આપણે કોમનવેલ્થ ગેમ્સનો બહિષ્કાર કરવો જોઈએ.
ભ્રષ્ટાચારના મુદ્દે કોમનવેલ્થ ગેમ્સનો વિરોધ કરનારા બહુ ઓછા રાજકારણીઓએ રાષ્ટ્રીય સ્વાભિમાનના મુદ્દે કોમનવેલ્થ ગેમ્સનો જાહેરમાં વિરોધ કર્યો છે. મધ્ય પ્રદેશના ભાજપી મુખ્ય પ્રધાન શિવરાજ ચૌહાણ તેમાંના એક છે, પણ તેમના પક્ષના અન્ય સભ્યો અથવા દિલ્હીમાં બેઠેલા નેતાઓ આ બાબતમાં તેમનો સાથ આપી શકે તેમ નથી. ઈ.સ. ૨૦૦૩માં અટલબિહારી વાજપેયી જ્યારે ભારતના વડાપ્રધાન હતા ત્યારે તેઓ કોમનવેલ્થની શિખર પરિષદમાં જઈને બ્રિટનની રાણીને સલામ મારી આવ્યા હતા. આ વખતે બ્રિટનની રાણીને બદલે પાટવી કુંવર પ્રિન્સ ચાર્લ્સ રાણીના પ્રતિનિધિ તરીકે કોમનવેલ્થ ગેમ્સના ઉદઘાટનમાં પધરામણી કરવાના છે ત્યારે ભારત સહિતના ભૂતપૂર્વ ગુલામ દેશોના વડાઓ પ્રજાજનો તરીકે તેમનો કેવો આદરસત્કાર કરે છે તે આપણને ટૂંક સમયમાં જોવા મળશે.
Share |
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

પ્લાસ્ટીક ઃ ગ્રોથ કે ગારબેજ ?
તેજોમય સૂર્યનુ હ્યદય કાળું ડિબાંગ છે....
ઈચ્છીત માનવો પેદા કરવાની ખતરનાક હ્યુમન ક્લોનીંગ ટેકનીક...!?
 
 

Gujarat Samachar Plus

સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ સાથે યુઝ્ડ ટુ બનતી મહિલાઓ
કઠોર ઉપવાસ છતાં વર્કોહોલિક એટિટ્યુડ
ટેક્વેન્ચરમા જામ્યો રોબોટોત્સવ .....
ઓલટાઇમ ફેવરિટ શેક્સપિઅર અને ટાગોર
   
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved