ન્યૂયોર્ક, તા. ૯
ફેડરર યુએસ ઓપનમાં નડાલ જોડે તેના ડ્રીમ મુકાબલાની શક્યતા સર્જતા સ્વીન્ડના પાંચમાં ક્રમાંકિત સોડર લીંગને ૬-૪, ૬-૪,૭-૫થી સાવ આસાનીથી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ફેડરર હવે સેમિફાઈનલમાં યોકોવિચ સામે રમશે. યોકોવીચે પણ મોન્ફીલ્સને ૭-૬, ૬-૧, ૬-૨થી હરાવીને આગેકૂચ કરી હતી. યોકોવિચ સતત ચોથી વખત યુએસ ઓપનની સેમિફાઈનલમાં પ્રવેશ્યો છે.
હવે સેમિ ફાઈનલમાં ફેડરર-યોકોવિચ અને વીમેન્સમાં વોઝનીઆકી- ઝવોનારેવા ટકરાશે
ફેડરરને ફ્રેન્ચ ઓપનમાં સોડરલીંગને હરાવીને અપસેટ સર્જ્યો હોઈ મેચ પૂર્વે કુતૂહલતા જન્માવતી ઇંતેજારી જોવા મળતી હતી.ફેડરરે જોકે આવા કોઈ ભૂતકાળના પ્રભાવમાં આવ્યા વગર સોડરલીંગને કચડી નાંખતી હાર આપી હતી. ફેડરર આ સાથે સતત સાતમી વખત યુએસ ઓપનની સેમિ ફાઇનલમાં પ્રવેશ્યો હતો. ૧૬ વખત વર્લ્ડ તરીકે ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બની ચુકેલ ૨૯ વર્ષીય ફેડરરે સતત પાંચ વખત યુએસઓપનમાં ચેમ્પિયન બન્યા પછી ગયા વર્ષે ફાઈનલમાં હાર્યો હતો.કોર્ટ પર અતિ ઠંડો અને ભારે તીવ્ર ગતિનો સુસવાટાભર્યો પવન હતો છતાં ફેડરર માટે આવી પરિસ્થિતિને વધુ અનુકળ હોય તેમ તેણે સોડરલીંગના બે સામે ૧૮ 'એસ' ફટકાર્યા હતા.
ફેડરરે યોકોવિચને ૨૦૦૭ની ફાઈનલમાં અને છેલ્લા બે વર્ષની સેમિફાઈનલમાં વિશેષ પરાક્રમ બતાવતું પડશે. યોકોવિચ-મોન્ફીલ્સ વચ્ચેની મેચ વખતે પણ પવન એ હદે હતો કેે યોકોવિચે કહ્યું હતું કે, ટુર્નામેન્ટની આ સૌથી વિકટ પળો હતી. હું સીધા સેટોમાં આવા સંજોગોમાં જીતી શક્યો તેની ખુશી અનુભવું છું. ફ્રાન્સના મોફિલ્સને પ્રોત્સાહન આપવા ન્યુયોર્કની રેડ બુલ ટીમ તરફથી રમતા ફ્રાંસના ફૂટબોલર થીયરી હેનરીએ ખાસ મેચ જોવા માટે હાજરી આપી હતી.
પ્રથમ સેટમાં મોન્ફીલ્સ ૪-૨થી આગળ હતો. પણ તે પછી મેચ પરની પકડ તેણે ગુમાવી હતી. અગાઉના બંને વચ્ચેના ચારેય મુકાબલા યોકોવિચ જીત્યો હોઈ તેનો આત્મવિશ્વાસમાં વધુ બુલંદ હતો.
વીમેન્સ વિભાગમાં રશિયાની ઝવોનારેવા, ઇસ્ટોનિયાની કાનેપીને ૬-૩, ૭-૫થી હરાવીને સેમિફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. હવે આઠમો ક્રમાંકિત ઝવોનારેવા સેમિ ફાઈનલમાં ડેન્માર્કની વોઝનિઆકી સામે રમશે. વોઝનિઆકીએ ક્વાર્ટર ફાઈનલમાં સ્લોવેકિયાની સિબુલ્કેવાને ૬-૨, ૭-૫થી પરાજય આપ્યો હતો.