મુંબઇ - મ્હાડા વિક્રોલી સ્થિત તેની બે કોલોની રિ-ડેવલપ કરી ૩૧,૩૭૦ નવા ટેનામેન્ટ બાંધશે અને પરવડી શકે એવા ઘરની તલાશ કરી રહેલાં મુંબઇગરાઓને લોટરી સિસ્ટમ દ્વારા આ ટેનામેન્ટ ફાળવશે.
કન્નમવાર નગર અને ટાગોરનગર નામની એકબીજાને અડીને આવેલી મ્હાડાની આ બે કોલોનીમાં લગભગ ૧૫ હજાર જેટલાં ઘર (ટેનામેન્ટ) આવેલાં છે. આ બંને કોલોની નવેસરથી વિકસિત થયાં બાદ નવા ૩૧,૩૭૦ ટેનામેન્ટ બંધાશે.
આ યોજના મંજૂર કરવા માટે બુધવારે મ્હાડા બોર્ડની બેઠક મળી હતી. મ્હાડાના રાજ્યના બોર્ડ ચેરમેન અમરજીત સિંહ મન્હાસે કહ્યું હતું કે, જો જરૃરી તમામ મંજૂરી તત્કાળ મળી જશે તો તેઓ ત્રણ વર્ષમાં આ નવા ટેનામેન્ટ પરવડી શકે એવા ઘરની યોજનામાં સામેલ કરશે, જે બાદમાં લોકોને ફાળવી શકાશે. તેના જણાવ્યા મુજબ, પ્રશાસન ટૂંક સમયમાં જ આ સંબંધી મંજૂરી આપશે.
જૂની કોલોનીઓ રિ-ડેવલપમેન્ટ માટે આગળ આવે તેવા પ્રોત્સાહક પગલાં મ્હાડા લઇ રહ્યું છે, પરંતુ હજુ સુધી આ યોજનાને સારો પ્રતિસાદ મળ્યો નથી. મ્હાડાએ નિર્ણય લીધો હતો કે, જે જૂની (જર્જરિત) કોલોનીઓને રિ-ડેવલપમેન્ટની જરૃરિયાત હોય, તેવી કોલોનીઓને પોતાની યોજના સાથે આગળ આવવા માટે એક વર્ષનો સમય આપવામાં આવશે. જો આવું નહિ થાય તો મ્હાડા પોતે જ પોતાની મેેળે રિ-ડેવલપમેન્ટ સંબંધી નિર્ણય લઇ લેશે.
બિલ્ડરોનું માનવું છે કે, મ્હાડાની નવી યોજનાથી પરવડી શકે એવા ઘરની મ્હાડાની યોજનાને ઉત્તેજન મળશે. જે ટેનામેન્ટ બંધાશે તે ઘરો આર્થિક રીતે નબળા તેમજ મધ્યમ અને ઓછી આવક ધરાવતા વર્ગના લોકો માટે હશે. વિક્રોલીમાં મ્હાડાની આ યોજના અનુસાર કન્નમવાર નગરમાં ૮,૪૨૦ અને ટાગોર નગરમાં ૨૨,૯૪૫ ઘર બંધાશે. મન્હાએ કહ્યું હતું કે, 'આ યોજના શ્રેષ્ઠ બિલ્ડર દ્વારા પાર પાડવામાં આવે તે હેતુથી અમે વૈશ્વિક ટેન્ડર બહાર પાડીશું.' હાલમાં આ બે કોલોનીઓ કન્નમવાર નગરમાં, ૧૦,૩૧૬ અને ટાગોરનગરમાં ૫,૪૭૦ ટેનામેન્ટ (ઘર) આવેલાં છે.
|