(પીટીઆઇ) વોશિંગ્ટન, તા.૯
પવિત્ર કુરાનની નકલો બાળવાની અમેરિકન પાદરીની ધમકીના ઇસ્લામિક જગતમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. મુસ્લિમ બહુમતી ધરાવતા ઇન્ડોનેશિયા, મલેશિયા, બહેરીન, યુએઇ અને પાકિસ્તાન સહિતના વિવિધ દેશોના પ્રમુખો અને રાજાઓએ પાદરીએ કરેલી જાહેરાતની સખત ટીકા કરી હતી અને આ મુદ્દે હસ્તક્ષેપ કરવા અમેરિકાના પ્રમુખને અપીલ કરી હતી. પાકિસ્તાને પાદરીને કુરાન બાળતા રોકવા માટે ઇન્ટરપોલની મદદ માગી છે. દુનિયાભરમાંથી ટીકા થઇ રહી હોવા છતાં પાદરી ટેરી જોન્સે પોતાના અભિયાનમાં મક્કમ હોવાની જાહેરાત કરી છે. અમેરિકાના બંધારણમાં નાગરિકને અપાયેલા અભિવ્યક્તિના સ્વાતંત્ર્યના અધિકારને કારણે સત્તાધીશો કાનૂની રીતે પાદરીને અટકાવી શકે એમ નથી.
દુનિયાભરના મુસ્લિમો-ખ્રિસ્તીઓનો વિરોધ ઃ ઓબામાએ પાદરી જોન્સની જાહેરાતને સ્ટન્ટ ગણાવી ઃ પાકે.ઇન્ટરપોલની મદદ માગી
અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ પાદરીની જાહેરાતને 'સ્ટંટ' તરીકે ઓળખાવવાની સાથે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ કૃત્યને કારણે અલ-કાયદાને વધુ યુવાનોની ભરતી કરવાનું બળ મળશે. કુરાન બાળવાની જાહેરાત કરનાર પાદરી ટેરી જોન્સ વિશ્વના દેશોની અપીલ સાંભળશે એવી આશા વ્યક્ત કરતા ઓબામાએ જણાવ્યું હતું કે આ ઘટનાને કારણે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન જેવા દેશોમાં મોટાપાયે હિંસા ફાટી નીકળવાની આશંકા છે. મલેશિયા, બહેરીન અને સંયુક્ત આરબ અમિરાતે પાદરીની ઘોષણાને બર્બર ગણાવી છે.
અમેરિકી પ્રમુખે જણાવ્યું હતું કે કુરાન બાળવાની ઘટનાને કારણે અમેરિકા અને યુરોપના શહેરોમાં આત્મઘાતી હુમલો કરવાની ઇચ્છા ધરાવનારાઓમાં વધારો થશે. પાકિસ્તાનના પ્રમુખ ઝરદારીએ આ કૃત્યને કારણે દુનિયાભરના મુસ્લિમોની લાગણી ભડકી ઉઠશે એવી ચેતવણી આપી હતી. પાકિસ્તાનના ગૃહ પ્રધાન રહેમાન મલિકે પાદરીને અટકાવવા માટે ઇન્ટરપોલના સેક્રેટરી જનરલ રોનાલ્ડ નોબેલને સત્તાવાર પત્ર પાઠવ્યો હતો. સૌથી મોટા મુસ્લિમ રાષ્ટ્ર ઇન્ડોનેશિયાએ પણ પાદરીની જાહેરાતને લઇને ચિંતા વ્યક્ત કરી છે. ઇન્ડોનેશિયાના પ્રમુખ યુધોયોનોએ ઓબામાને પત્ર લખીને જણાવ્યું હતું કે આ કૃત્યને કારણે ધર્મો વચ્ચે ઘર્ષણ સર્જાશે.
ફ્લોરિડાના ડોવ વર્લ્ડ આઉટરેચ સેન્ટરે ૯/૧૧ના હુમલાની નવમી વરસી નિમિત્તે કુરાનની નકલો બાળવાની જાહેરાત કરી છે. દુનિયાભરમાંથી ટીકાઓનો વરસાદ વરસ્યો હોવા છતાં આ જાહેરાત કરનાર પાદરી જોન્સ મક્કમ છે. આ તરફ અફઘાનિસ્તાનમાં ઉપસ્થિત નાટો દળોને સાવચેત રહેવાની સુચના આપવામાં આવી છે.