(પીટીઆઈ) વોશિંગ્ટન, તા. ૯
નવેમ્બરની ચૂંટણીઓમાં આઉટ સોર્સિંગનો મુદ્દો ગરમાગરમ બની રહેશે તેવા સંકેતો વચ્ચે યુએસ પ્રમુખ બરાક ઓબામાએ આ બાબતે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું. ઓબામાએ જણાવ્યું હતું કે જે કંપનીઓ દરિયાપાર નહિં પરંતુ અમેરિકામાં જ નોકરીઓનું સર્જન કરે છે તેમજ જ કરરાહતો મળવી જોઈએ. તેમણે કહ્યું હતું કે જે કંપનીઓ અમેરિકામાં વધુ નોકરીઓ પેદા કરશે તેને તેઓ ઉદાર કરરાહતો આપશે.
ઓહાયો રાજ્યના ગવર્નર સ્ટ્રીકલેન્ડે ગઈકાલે એક આદેશ પસાર કરીને આઉટસોર્સિંગ પર પ્રતિબંધ લગાવ્યો હતો, તેના પગલે ઓબામાએ આવી ટીપ્પણી કરી હતી. આ ઘટનાચક્રથી વિશ્વની બેક ઓફિસ તરીકે ઓળખાતા ભારતમાં ચિંતાનું વાદળ છવાયું હતું.
નોંધપાત્ર બાબત એ છે કે ઓબામાનું અર્થતંત્ર વિષયક પ્રવચન પણ ઓહાયોમાં જ કરાયું હતું, જ્યાં તેમણે ઓવરસીઝ નોકરીઓમાં રોકાણો માટે પ્રોત્સાહનો આપતા કરવિષયક છીંડાનો અંત લાવવાનો પોતાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે અમેરિકામાં વધુ નોકરીઓ પેદા કરતી કંપનીઓને તેઓ ઉદાર ટેક્સ ક્રેડિટસ આપશે. નોકરીઓના સર્જનની એક મુખ્ય ચાવી યુએસમાં વધુ રોકાણ કરતી કંપનીઓને પ્રોત્સાહનો આપવાની છે. પરંતુ આપણા ટેક્સના નિયમોએ અન્ય દેશોમાં નોકરીઓ અને નફાઓ સર્જતી કંપનીઓને અબજો ડોલરની કરરાહતો વર્ષો સુધી આપી છે.
ઓબામાએ જણાવ્યું હતું કે તેઓ દરિયાપારની નોકરીઓમાં રોકાણોને પ્રોત્સાહન આપતા નિયમો બદલવા માંગે છે. અમેરિકામાં જ તમામ સંશોધનો અને શોધોને પ્રાધાન્ય આપતી કંપનીઓને કાયમી અને વધુ ઉદાર કરરાહતો આપવાની મારી દરખાસ્ત છે. આ વખતે ઓહાયોના ગવર્નર સ્ટ્રીકલેન્ડ તેમની પાસે જ ઉભા હતા.
યુનાઈટેડ સ્ટેટસની સેનેટની ૧૦૦ બેઠકોમાંથી ૩૭ બેઠકની ચૂંટણી નવેમ્બર મહિનામાં થવાની છે. મોટા ભાગના ઓપિનિયન પોલ્સમાં ડેમોક્રેટસ માટે ધૂંધળું ચિત્ર વર્તાઈ રહ્યું છે ત્યારે ઓબામાએ પોતાના ડેમોક્રેટિક પક્ષ અને રિપબ્લિકન પક્ષ વચ્ચે કરનીતિ બાબતે ચાવીરૃપ તફાવત હોવાનું સ્પષ્ટ કર્યું હતું.
ઓપિનિયન પોલ્સમાં પાછળ પડી ગયેલા ઓહાયોના ગવર્નર સ્ટ્રીકલેન્ડે આઉટ સોર્સિંગને પ્રતિબંધિત કરતો આદેશ પસાર કર્યો તે પહેલાં તેઓ ભારતીય કંપનીઓની પ્રશંસા કરતા થાકતા ન હતા. ભારતીય આઈટી સેક્ટરે આદેશ સામે પ્રત્યાઘાત આપતા તેને ભેદભાવપૂર્ણ અને વેપારમાં અવરોધક ગણાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ભારતીય આઈટી સેકટરની તેની કુલ નિકાસ આવકના ૬૦ ટકા માત્ર યુએસમાંથી મેળવે છે.