(પીટીઆઇ) નવી દિલ્હી, તા.૯
મોટાભાગના તમામ રાજકીય પક્ષોની માગણી સ્વીકારતા આખરે કેન્દ્ર સરકારે જ્ઞાાતિ આધારિત વસતિ ગણતરી કરવાનો નિર્ણય કર્યો છે. સરકારે જણાવ્યું છે કે આવતા વર્ષે જ્ઞાાતિના આધારે વસતી ગણતરી કરવામાં આવશે, અને આ કવાયત હાલમાં ચાલી રહેલી વસતી ગણતરી કરતા અલગ હશે. છેલ્લે વર્ષ ૧૯૩૧માં જ્ઞાાતિના આધારે વસતી ગણતરી થઇ હતી. આરજેડી, સપા અને જેડીયુ સહિતના વિવિધ પક્ષો લાંબા સમયથી આ માગણી કરી રહ્યા હતા, શરૃઆતમાં વિરોધ કરનાર ભાજપે બાદમાં તેને સમર્થન આપ્યું હતું.
હાલની વસતી ગણતરી પૂરી થયા પછી કઇ જ્ઞાાતિના કેટલા લોકો છે તેની ગણતરી આગામી વર્ષે હાથ ધરવામાં આવશે
રાજકીય દ્રષ્ટિએ સંવેદનશીલ એવા જ્ઞાાતિ આધારીત વસતી ગણતરીના મુદ્દે અનેક પાસાઓ પર ચર્ચા વિચારણા કર્યા બાદ આખરે કેન્દ્રીય કેબિનેટે દેશમાં કઇ જ્ઞાાતિના લોકોની સંખ્યા કેટલી છે તેની ગણતરી કરવાનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાન મનમોહનસિંહના વડપણ હેઠળ મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો, બેઠક બાદ ગૃહ પ્રધાન પી.ચિદમ્બરમે પત્રકારો ને જણાવ્યું હતું કે 'આ મુદ્દે વિવિધ વિકલ્પો પર વિચારણા કર્યા બાદ અમે જુદા-જુદા રાજકીય પક્ષો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રતિભાવો પર આધારિત વિકલ્પ પસંદ કર્યો છે.' જ્ઞાાતિ આધારીત વસતી ગણતરી કરવા માટે રજીસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનર દ્વારા પ્રારંભીક અભ્યાસ કરવામાં આવશે.
ચિદમ્બરમે જણાવ્યું હતું કે હાલમાં ચાલી રહેલી વસતી ગણતરી સંપન્ન થયા બાદ તબક્કાવાર ધોરણે જ્ઞાાતિના આધારે વસતી ગણતરી કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે આગામી માર્ચ સુધીમાં વસતી ગણતરીની કવાયત પૂર્ણ કરી દેવામાં આવશે. જો કે હાલમાં ચાલી રહેલી વસતી ગણતરીમાં જ્ઞાાતિના આધારે કરાયેલી ગણતરીના આંકડા ઉમેરવામાં આવશે કે નહિ એ અંગેનો સવાલનો જવાબ આપવાનું ગૃહ પ્રધાને ટાળ્યું હતું. આ મુદ્દે રચાયેલા પ્રધાનોના જૂથે સૂચવેલા વિકલ્પો પર વિચારણા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. નાણાં પ્રધાન પ્રણવ મુખરજીએ પણ આ મુદ્દે વિવિધ રાજકીય પક્ષો સાથે ચર્ચા કરી હતી.
ઉલ્લેખનીય છે કે અગાઉ જ્ઞાાતિ આધારીત વસતી ગણતરીની માગ કરતા આરજેડી, સપા અને જેડીયુ જેવા પક્ષોએ અનેક વખત સંસદની કામગીરી અટકાવી દીધી હતી. અગાઉ જ્ઞાાતિ આધારીત વસતી ગણતરીનો વિરોધ કરનાર ભાજપે બાદમાં તેના સમર્થનમાં ટેકો આપ્યો હતો. એટલું જ નહિ આ મુદ્દે કોંગ્રેસ અને સરકારમાં પણ મતભેદો હતા. ચિદમ્બરમે જણાવ્યું હતું કે જ્ઞાાતિ આધારીત વસતી ગણતરી માટે વધારાના ભંડોળની જરૃર પડશે એ અંગે બાદમાં ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવશે. છેલ્લે ૧૯૩૧માં જ્ઞાાતિ આધારીત વસતી ગણતરી કરવામાં આવી હતી, જો કે સ્વતંત્રતા બાદ નીતિના મુદ્દે આ વિચાર પડતો મૂકવામાં આવ્યો હતો.