ગાંધીનગર -
ગાંધીનગરના સેક્ટર-૩૦માં આવેલી આરટીઓ કચેરીમાં ફરજ બજાવતા ક્લાર્કે એજન્ટને પૂછ્યા વગર કચેરીના રેકર્ડ બહાર નહીં લઈ જવાનું કહેતા એજન્ટ ઉશ્કેરાયો હતો અને ક્લાર્કને જાતિ વિરૃદ્ધ શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી ગયો હતો. આ ઘટના અંગે સેક્ટર-૨૧ પોલીસ મથકમાં એજન્ટ વિરૃદ્ધ ક્લાર્કે એટ્રોસિટી અને જાનથી મારી નાખવાની ધમકી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૃ કરી છે.
ગાંધીનગર શહેરના સેક્ટર-૩૦માં આવેલી આરટીઓ કચેરીમાં વર્ષોથી ચાલી આવતી એજન્ટ પ્રથામાં આરટીઓ અધિકારીની દયાથી ચાલી આવે છે. ત્યારે આ આરટીઓ એજન્ટો એટલી હદે છાકટા બનતા હોય છે કે, કચેરીના કર્મચારીઓને પણ ગાંઠતા હોતા નથી અને જેમ ફાવે તેમ શબ્દો બોલતા હોય છે. થોડા દિવસો અગાઉ આવી જ એક ઘટના સેક્ટર-૩૦ની આરટીઓ કચેરીમાંથી બની હતી. પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યા મુળ સાબરકાંઠા જિલ્લાના મોડાસાના વરયુ ગામમાં રહેતા અને આરટીઓ કચેરીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હરજીભાઈ પમાભાઈ વણકર ગઈ ૩૦મી તારીખે આરટીઓ કચેરીમાં બેઠા હતા તે દરમિયાન આરટીઓ એજન્ટ કનુ પટેલ ત્યાં આવ્યો હતો અને હરજીભાઈને પૂછ્યા વગર કચેરીનું રેકર્ડ લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો.
જેથી હરજીભાઈએ એજન્ટ કનુ પટેલને પૂછ્યા વગર રેકર્ડ નહીં લઈ જવા કહ્યું હતું. જેથી ઉશ્કેરાયેલા એજન્ટે હરજીભાઈને જાતિ વિરૃદ્ધ શબ્દોબોલ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યાર બાદ અવારનવાર ફોન ઉપર પણ ક્લાર્કને એજન્ટ દ્વારા ધમકી આપવામાં આવતી હતી. છેવટે હરજીભાઈએ આ અંગે સેક્ટર-૨૧ પોલીસ મથકમાં એજન્ટ કનુ પટેલ સામે એટ્રોસિટી અને જાનથી મારી નાખવાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૃ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર આરટીઓમાં ગેરકાયદે એજન્ટ પ્રથાને કારણે વાહનચાલકોને પણ વધારે રૃપિયા ચૂકવવા પડે છે. જ્યારે એજન્ટોને છાવરવામાં પણ આરટીઓના અધિકારીઓ જ અગ્રેસર છે.
|