અમદાવાદ,
અમદાવાદને મેગાસિટી જાહેર કરાયા પછી રચાયેલા ૬૪ વોર્ડની ૧૯૨ બેઠકો માટે આગામી તા.૧૦ ઓક્ટોબરના રોજ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાશે. રાજ્ય ચૂંટણીપંચે જાહેરનામું બહાર પાડીને કોર્પોરેશનની ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર કરવા સાથે આચાર સંહિતા અમલી બની છે. કોર્પોરેશનની ચૂંટણી યોજાયાના બે દિવસ પછી એટલેકે તા.૧૨ ઓક્ટોબરના રોજ પરિણામ જાહેર કરાશે. હાલ મ્યુનિ. કોર્પોરેશનના વોર્ડની સંખ્યા ૪૫ છે અને નવા વિસ્તારો ભેળવાયા પછી વોર્ડની સંખ્યા વધીને ૬૪ થઈ છે તેમજ નવા વિસ્તારોમાં સૌપ્રથમવાર ચૂંટણી યોજાશે. અમદાવાદમાં મતદારોની સંખ્યામાં ૫,૯૬,૪૭૫ વધારો થયો છે.
રાજ્ય ચૂંટણી પંચે અમદાવાદ સહિત ૬ મહાનગર પાલિકાની ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર કર્યો છે. આગામી તા.૧૦ ઓક્ટોબરના રોજ મતદાન થશે અને કોઈ અનિચ્છિનીય કે અપવાદરૃપ પરિસ્થિતિ સર્જાય તો ફક્ત તે વોર્ડ કે વિસ્તારમાં તા.૧૧ ઓક્ટોબરના રોજ પુનઃ મતદાન યોજાશે. તા.૧૨ ઓક્ટોબરના રોજ મત ગણતરી કરીને ચૂંટણી પરિણામ જાહેર કરાશે. તા.૧૬ ઓક્ટોબરના રોજ ચૂંટણી પ્રક્રિયા પૂરી થશે અને તા.૨૨ ઓક્ટોબરની આસપાસ નવું બોર્ડ યોજાશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં વધારો કરાયા પછી મ્યુનિ.નો વિસ્તાર ૧૯૨ કિ.મી.થી અઢી ગણો વધીને ૪૬૬ કિ.મી. થયો છે. મ્યુનિસિપલ હદમાં નગર પાલિકા અને પંચાયતોનો સમાવેશ કરાયા પછી નવા વિસ્તારો પ્રજાના પ્રતિનિધિ વિનાના રહ્યા હતા. નવા વિસ્તારો કોર્પોરેશનમાં સમાવાયા પછી નવા પશ્ચિમ ઝોન તેમજ પૂર્વના ત્રણ વોર્ડમાં સૌપ્રથમવાર ચૂંટણી યોજાશે. ૨૦૦૫માં અમદાવાદમાં મતદારોની સંખ્યા ૨૯,૯૦,૫૭૮ હતી તે ૨૦૧૦ના વર્ષમાં વધીને ૩૫,૮૭,૦૫૩ થઈ છે. આમ, અમદાવાદમાં ૫,૯૬,૪૭૫ મતદારોનો ઉમેરો થયો છે. પાલિકા અને પંચાયતોના સમાવેશ કરાયા પછી અમદાવાદના તમામ વિસ્તારોનું નવેસરથી સીમાંકન કરાયું હતું અને નવા ૨૧ વોર્ડનો વધારો કરીને ૬૪ વોર્ડની રચના કરાઈ છે. અમદાવાદની કુલ ૪૫,૦૫,૫૩૭ની વસ્તીને ધ્યાનમાં લઈને સરેરાશ ૭૦,૩૯૯ની વસ્તીને આધારે મ્યુનિસિપલ વિસ્તારોનું સીમાંકન કરાયું છે. નદી, રેલવે, સહિતની બાબતોન ધ્યાનમાં લઈને વોર્ડની રચના માટે સરેરાશ વસ્તીમાં ૧૦ ટકાની વધ-ઘટ કરવાની છૂટ અપાઈ છે. આગામી ચૂંટણી માટે રચાયેલા ૬૪ વોર્ડમાં વોર્ડ દીઠ ૩ ઉમેદવારના માપદંડ મુજબ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં ૧૯૨ બેઠકો હશે તે પૈકી ૬૪ બેઠકો મહિલાઓ માટે અનામત રખાઈ છે. મ્યુનિ. કોર્પોરેશનમાં ૨૧ બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત રખાઈ છે તેમજ પછાત વર્ગ માટે ૨૦ બેઠકો અને ૧ બેઠક આદિજાતિ માટે અનામત રખાઈ છે. આમ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૯૨ બેઠકો અનામત રહેશે અને ૧૦૦ બેઠકો સામાન્ય કેટેગરી માટે રહેશે.
|