અમદાવાદ -
અમદાવાદમાં મંગળવારે રાત્રે માત્ર બે કલાકમાં જ અઢી ઇંચ વરસાદ પડતાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ભારે વરસાદને કારણે કેટલાય સ્થળોએ પાણી ભરાતાં વાહનોની લાંબી કતારો થઇ હતી. વરસાદને લીધે મણિનગરમા ઠેરઠેર પાણી ભરાયા હતા. પુષ્પકુંજ વિસ્તારમાં બળવંતરાય હોલની પાછળ એક મ્યુનિ. બસ ફસાતાં ભારે ટ્રાફિક જામ થયો હતો. શહેરનો ધોરી નસ સમાન એલિસબ્રિજથી કાલુપુરના રોડ પર વાહનોની લાંબી લાઇનો લાગી હતી. શહેરમાં મૂશળધાર વરસાદ છતાં મુખ્ય જંકશનો ઉપરથી ટ્રાફિક પોલીસ અદ્રશ્ય થઇ ગઇ હતી.
શહેરમાં મંગળવારે રાત્રે જોરાદાર વરસાદ શરુ થયો હતો. આ વરસાદની તીવ્રતા એટલી બધી હતી કે ગણતરીના સમયમાં જ કેટલાય વિસ્તારો પાણી થઇ ગયા હતા. શહેરમાં સૌથી વધુ કફોડી હાલત રખિયાલ, નરોડા, કૃષ્ણનગર, સરદારનગર, મેઘાણીનગર, મણિનગર, રાયપુર, સારંગપુર, ભુલાભાઇ પાર્ક, ઇસનપુર, દાણીલીમડા, વટવા વગેરે વિસ્તારોમાં લોકોને ભારે હાલાકી થઇ હતી. પશ્ચિમ વિસ્તારમાં પણ એક ઇંચ વરસાદથી કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. નારણપુરામાં પણ મેલડીમાતાના પલિયડનગર સુધીના વિસ્તારમાં પાણી ભરાતાં લોકોને ભારે હાલાકી થઇ હતી.
મંગળવારે પડેલા વરસાદમાં મણિનગરમાં સૌથી વધુ ટ્રાફિક જામ હતો. ફૂટબોલ ગ્રાઉન્ડ પાસ થોડા જ વરસાદમાં પાણી ભરાઇ જાય છે જેનો હલ મ્યુનિ. પાસે નથી. પુષ્પકુંજમાં બળવંતરાય હોલ પાસે મ્યુનિ. બસ પાણીમાં ફસાઇ જતાં ભારે ટ્રાફિક જામ થઇ ગયો હતો. આ સ્થળે ખૂબ પાણી ભરાય છે. અમદાવાદમા સૌથી વધુ વરસાદ ઉત્તર ઝોનમાં અઢી ઇંચ પડયો હતો. વરસાદને લીધે મ્યુનિ.ના કન્ટ્રોલ રુમમાં પાણી ભરાવાની ફરિયાદો આવી હતી. જશોદાનગર ગોકુલપાર્ક, રખિયાલ રાયપુર મિલ પાસે, મિલન સિનેમા વગરે સ્થળોએ પાણી ભરાયા હતા. તો ભુલાભાઇ કબાડી માર્કેટ પાસે પાણીમાં કેટલાય વાહનો ફસાઇ ગયા હતા.
આ વરસાદને લીધે શહેરમાં કેટલાય સ્થળો પર નવા ભૂવા પડયા હતા. બહેરામપુરા મેલડીમાતાના મંદિર પાસે મોટો ભૂવો પડયો હતો. આ ઉપરાંત, ગાંધીગ્રામથી વાડજ જતા રેલવેની બાજુના રસ્તાઓ પર કેટલીય જગ્યાએ ભૂવા પડયા હતા. શહેરમાં કેટલાય સ્થળે ભૂવા પડયા છતાં મ્યુનિ. હજુ પણ માત્ર પાટીયાથી જ કામ ચલાવે છે. વરસાદને લીધે કેટલાક કોમ્પ્લેક્ષના ભોંયરાઓ પાણીથી ભરાઇ જતાં પમ્પ મૂકવા પડયા હતા. ઉલ્લેખનીય છે કે, દિવસમાં શહેરના રસ્તાઓ પર ટ્રાફિક પોલીસના ધાડેધાડા ભ્રષ્ટાચાર માટે ઉતરી પડે છે, પરંતુ વરસાદમાં ફરજ વખતે આ પોલીસ ગુમ થઇ જાય છે.
|