મુંબઇ - ''પહેલી વાર હું કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ગઇ હતી ત્યારે જેકી ચાન સાથે તેની ફિલ્મ 'ધ મિથ'ની મુખ્ય અભિનેત્રી તરીકે ગઇ હતી આથી મારા પર વધુ ધ્યાન કેન્દ્રીત થાય એ શક્ય નહોતું. પરંતુ આ વખતે મારી સાથે માત્ર એક સાપ જ હતો આમ છતાં લોકોનું મારા તરફ ધ્યાન ખેંચાયું હતું. ગળામાં સાપ સાથેનો મારો ફોટો લાઇફ મેગેઝિનના મુખ પૃષ્ઠ પર ચમક્યો હતો. કાન્સમાં ખેંચેલા ૬૦ શ્રેષ્ઠ ફોટાઓમાંનો આ એક ફોટો હતો. એમ મલિલ્કા શેરાવતે કહ્યું હતું.
ઇંદ્ર કુમારની ફિલ્મ 'ડબલ ધમાલ'ના શૂટિંગ માટે ભારત આવેલી આ અભિનેત્રીએ વધુમાં જણાવ્યું હતું કે 'હિસ્સ'ના પ્રિમિયરમાં પણ આ સાપ તેની સાથે હશે.
શેરાવતની આ પ્રથમ હોમ પ્રોડક્શન ફિલ્મ ઑક્ટોબર મહિનામાં રિલિઝ કરવાની યોજના છે. ''અમે હજુ સુધી તારીખ નક્કી કરી નથી પરંતુ ઑક્ટોબર મહિનાની મધ્યમાં ફિલ્મ રિલિઝ કરવાની અમારી યોજના છે, એમ મલ્લિકાએ જણાવ્યું હતું.
મલ્લિકાએ વધુમાં જણાવ્યા પ્રમાણે 'ટાઇટેનિક'ના ડિરેક્ટર ઑફ ફોટોગ્રાફી કાન્સમાં તેની ફિલ્મ જોઇને ખુશ થઇ ગયા હતા. મલ્લિકાએ એવો પણ દાવો વ્યક્ત કર્યો હતો કે તેની આ ફિલ્મ ભારતમાં નાગ પર બનેલી ફિલ્મો કરતા ઘણી અલગ છે. ''એક તો આ નાગણ ગીત ગાતી નથી કે નૃત્ય કરતી નથી તે તેના શિકારને આખો ગળી જાય છે.''
કાન્સમાં ઐશ્વર્યા રાય બચ્ચન અને દીપિકા પદુકોણે મલ્લિકા સાથે અપમાનજનક વર્તન કર્યું હતું. તેમણે તેની સાથે ફોટા પડાવવાની ઘસીને ના પાડી દીધી હતી. પરંતુ રોબર્ટ ડાઉની જુનિયર, પિઅર્સ બ્રોસન, સલમા હાપેક અને જ્હોની ડીપ જેવા હોલીવૂડના ટોચના કલાકારો સાથે ભળવાની મલ્લિકાને તક મળી હતી.
એક ફ્રેન્ચ સર્વેક્ષણમાં મલ્લિકાને કાન્સની 'બેસ્ટ ડ્રેસ્ક વુમન' તરીકે ચૂંટવામાં આવી હતી. જ્યારે ઘર આંગણે તેણે ટીકાઓનો સામનો કરવો પડયો હતો. ''બંને દેશોની પસંદગી અલગ છે આથી હું આને મારી અંગત ટીકા તરીકે ગણતી નથી. મારે માટે કાન્સ ભારતનું અને બોલીવુડનું વિદેશી તખ્તા પર પ્રતિનિધિત્વ કરવાનું સ્થળ છે. સ્ટાઇલિસ્ટ ફ્રેન્ચની આંખોમાં હું વસી એનો મને ગર્વ છે. મલ્લિકાને ધિક્કારનારા ઘણા લોકો છે પંતુ મને એની પરવા નથી તેમને પૈસા મળતા નથી કે તેઓ કાન્સમાં લાલ જાજમ પર ચાલતા નથી.'' મલ્લિકાએ કહ્યું હતું.
|