મુંબઇ - સ્ટુડિયો ૧૮ નિર્મિત અબ્બાસ-મસ્તાનની 'ધ ઇટાલિયન જોબ'નું નવેમ્બર મહિનાથી શૂટિંગ શરૃ થવાનું હતું પરંતુ અભિષેક બચ્ચન સામે મુખ્ય અભિનેત્રીની તલાશ હજુ સુધી ચાલુ હતી. આ ફિલ્મ કરવાની કેટલીક અભિનેત્રીઓએ ના પાડવાને કારણે દિગ્દર્શકની મુસીબત વધી ગઈ હતી.
કેટરીના કૈફે આ ફિલ્મ છોડી દીધા પછી અબ્બાસ-મસ્તાને તેને બિન વ્યવસાયિક કહી હતી. એ પછી દીપિકા પદુકોણ અને પ્રિયંકા ચોપરાએ પણ એ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. અને છેવટે સોનમ કપૂર આ ફિલ્મ કરવા તૈયાર થઇ હતી. પરંતુ પોતાની 'મૌસમ' પૂરી કરે નહીં ત્યાં સુધી બીજી કોઇ ફિલ્મમાં કામ કરવાની દિગ્દર્શક પંકજ કપૂરે તેને મનાઈ કરી દીધી હતી.
'મૌસમ'ના નિર્માતા શિતલ તલવારે તે સમયે જણાવ્યા પ્રમાણે, 'આ વાત સાચી છે. પંકજ કપૂરે સોમને 'મૌસમ' પૂરી થાય નહીં ત્યાં સુધી એક પણ નવી ફિલ્મ કરવાની ના પાડી હતી. નવેમ્બર મહિનાની સોનમની તારીખો અમારી પાસે છે. તેમ જ તારીખોની ગોઠવણ કરવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. મને ખાતરી છેકે સોનમ પરિસ્થિતિ સમજશે. અમને તે ગમે છે કેમેરા સામે તે જાદુઈ છડી સમાન છે.' આમ તે સમયે સોનમ 'ધ ઇટાલિયન જોબ' કરવા અસમર્થ હતી.
પરંતુ તાજા સમાચાર મુજબ સોનમ આ ફિલ્મમાં પાછી આવી ગઈ છે. સૂત્રે જણાવ્યા પ્રમાણે, 'સોનમને અભિષેક સામે લેવામાં આવી છે અને તે આ ફિલ્મ કરી રહી છે. પડદા પાછળ શું થયું એ કોઇ જાણતું નથી. પરંતુ સોનમ આ ફિલ્મમાં પાછી આવી ગઈ છે.' ફિલ્મ ઉદ્યોગમાં થતા એક ગણગણાટ પ્રમાણે અનિલ કપૂરે પંકજ કપૂરને ફોન કરી સોનમને 'ધ ઇટાલિયન જોબ' સાઈન કરવા દેવાની વિનંતી કરી હોય એ શક્યતા છે. પરંતુ સોનમ કે તેના પિતા તરફથી આ સમાચારને સમર્થન મળ્યું નથી. |