મુંબઈ - વિપુલ શાહ દિગ્દર્શિત અક્ષય કુમાર અને ઐશ્વર્યા રાય બચ્ચન અભિનિત ફિલ્મ 'એકશન રિપ્લે'નો ફર્સ્ટ લુક આજે બહાર પાડવામાં આવ્યો હતો. આ ફિલ્મ દિવાળીમાં રિલિઝ થવાની છે. પરંતુ આજે અક્ષય કુમારની વર્ષગાંઠ હોવાથી વિપુલે આજનો દિવસ પસંદ કર્યો હતો. સામાન્ય રીતે વર્ષગાંઠને દિવસે કામ નહીં કરવાનો અક્ષયનો નિયમ છે, પરંતુ વિપુલને માટે તેણે પોતાનો આ નિયમ તોડયો હતો. ''આમ પણ હું પાર્ટીઓથી દૂર રહું છું. અને વર્ષગાંઠની ઉજવણીની કોઈ મોટી યોજના બનાવવામાં આવી નહોતી. હું આ દિવસ ઘરમાં મારી મમ્મી, પત્ની, પુત્ર અને બહેન સાથે જ પસાર કરું છું. પરંતુ વિપુલ મારો ખાસ મિત્ર છે અને મને આ ફિલ્મનો લુક ગમે છે,'' એમ અક્ષયે કહ્યું હતું.
આ ફિલ્મમાં અક્ષય અને ઐશ્વર્યા '૭૦ના દાયકાના દેખાવમાં જોવા મળશે. તે જમાનામાં પુરુષો લાંબા વાળ રાખતા હતા અને પ્રિન્ટેડ શર્ટ્સ તેમજ બેલ બોટમ તેમજ મોટા બક્કલ ધરાવતા પટ્ટા પહેરતા હતા. તેમજ સ્ત્રીઓમાં ટૂંકા, બાંધેલા ટોપ્સ તેમજ પોલકા ડોટ સ્કર્ટ પહેરવાની ફેશન હતી. આ ઉપરાંત લાંબા લટકણિયા અને પ્લેટફોર્મ શૂઝ તેઓ પહેરતા હતા.
વિપુલે જણાવ્યા પ્રમાણે, ''જુલી' રિલીઝ થઈ હતી એ જમાનાનો આ લુક છે. પરંતુ ફિલ્મ ૨૦૧૦માં શરૃ થાય છે અને એ જમાનામાં પાછી ફરે છે. એક યુવાન તેના વિજ્ઞાાનિક કાલના ટાઈમ મશીનમાં કૂદે છે અને તેના માતા-પિતાના પ્રેમ જીવનને નિહાળે છે. આ બન્ને અત્યારે સતત લડતા હોય છે. અને તેઓ યુવાન હતા ત્યારે શું થયું હોય છે એ પુત્રને જણાવ્યું હતું. અત્યારે તેમના સંબંધો બગડવા પાછળ કયું કારણ કામ કરે છે. શું એ જાદુ ૨૦૧૦ની તેમની લવ સ્ટોરીમાં પુનઃજિવિત થઈ શકે છે?''
''અક્ષય અને એશ આયુષ્યના છઠ્ઠા દાયકામાં સતત લડતા હોય છે અને એ પછી વિપુલ તેમને ભૂતકાળમાં એટલે કે ૧૯૭૦માં મોકલી આપે છે.
આ ફિલ્મમાં ૨૦૦૪ની ફિલ્મ 'ખાકી' બાદ અક્ષય અને ઐશ્વર્યા પહેલી વાર સાથે કામ કરી રહ્યા છે. ''ઐશ્વર્યા ખૂબસૂરત છે. તે સંપૂર્ણ પ્રોફેશનલ છે. આ ફિલ્મમાં તેણે ઘણો સરસ અભિનય આપ્યો છે. અમારી જોડી સારી લાગે છે,'' એમ અક્ષયે જણાવ્યું હતું.
અક્ષયે વધુમાં જણાવ્યા પ્રમાણે આ ફિલ્મ એક સરસ સંદેશો પણ આપે છેઃ ''તમારો ભૂતકાળ તાજો કરો. તમારી ભૂલો સુધારી પાછા ફરો.''