આજકાલ ફ્રી સેક્સમાં માનતા યુવક યુવતીઓમાં ઇમર્જન્સી કોન્ટ્રાસેપ્ટિવ પીલ્સનો ઉપયોગ બહુ વધી રહ્યો છે. થોડા સમય અગાઉ એક મલ્ટીનેશનલ કંપનીએ આઈ-પિલ નામની ઇમર્જન્સી કોન્ટ્રાસેપ્ટિવ ગોળી બજારમાં મૂકી હતી. આ દવાના ઉત્પાદકનો એવો દાવો છે કે અસુરક્ષિત યૌન સંબંધના ૭૨ કલાકમાં જો આ ગોળી લેવામાં આવે છે તો તેનાથી વણજોઈતા ગર્ભથી છૂટકારો મેળવી શકાય છે. આજની સ્ત્રીઓ સગર્ભા ન બનાવ માટે જાતજાતનાં સાધનોનો અને ગોળીઓનો ઉપયોગ કરતી હોય છે. બજારમાં આ પ્રકારની જેટલી પણ ગોળીઓ કે સાધનો મળે છે, તેનો ઉપયોગ યૌન સંબંધ બાંધતા અગાઉ કરવાનો હોય છે. ઇમર્જન્સી કોન્ટ્રાસેપ્ટિવ ગોળીઓ યૌન સંબંધ પછી લેવાની હોય છે અને એક જ વખત લેવાની હોય છે. આ કારણે તેની લોકપ્રિયતા વધી રહી છે. આઈ-પિલની વધતી લોકપ્રિયતાને કારણે બીજી અડધો ડઝન કંપનીઓએ આ પ્રકારની ગોળીઓ બજારમાં મુકી છે. આ ગોળી વાપરનારને તેનાં ભયસ્થાનોની ભાગ્યે જ ખબર હોય છે. તાજેતરમાં એવું બહાર આવ્યું છે કે આ ગોળીઓનો નિયમિત ઉપયોગ કરતી સ્ત્રીઓ જ્યારે આ ગોળી લેવાનું બંધ કરે ત્યારે તેમની ગર્ભધારણ કરવાની ક્ષમતા ખતમ થઈ ગઈ હોવાથી તેઓ બાળકને જન્મ આપી શકતી નથી.

ભારતનાં મુખ્ય શહેરોમાં દુકાનો ધરાવતાં કેમિસ્ટો કહે છે કે, મુંબઈમાં નોર્લેવો, અનવોન્ટેડ-૭૨ અને આઈ-પિલ જેવી મોર્નિંગ આફ્ટર પિલ્સનું વેચાણ ઝડપથી વધી રહ્યું છે. ફ્રી સેક્સમાં માનતાં કોલેજીયન યુવક યુવતીઓથી માંડી પરીણિત યુગલો પણ મોટી સંખ્યામાં આ ગોળીઓ વાપરવા લાગ્યા છે. આ ગોળી વાપરનારને એ વાતની ભાગ્યે જ જાણ હોય છે કે તેનાથી ગર્ભ નહીં રહે તેવી સંપૂર્ણ સંખ્યામાં આ ગોળીઓ વાપરવા લાગ્યા છે. આ ગોળી વાપરનારને એ વાતની ભાગ્યે જ જાણ હોય છે કે તેનાથી ગર્ભ નહીં રહે તેવી સંપૂર્ણ ગેરન્ટી કદી મળી શકતી નથી. આ ગોળી લેવા છતાં ગર્ભ રહી જાય તેવા અનેક બનાવો બને છે. આ ગર્ભથી છૂટકારો મેળવવા ગર્ભપાતનું પાપ આચરવું પડે છે. આ ગોળીને કારણએ જો ગર્ભ રહે અને બાળકને જન્મ આપવામાં આવે તો આ બાળક ખોડખાંપણયુક્ત જન્મવાની પણ સંભાવના રહે છે. વળી આ ગોળીઓ એઈડ્સ, સિફિલસ અને ગોનોરિયા જેવા યૌન રોગો સામે પણ રક્ષણ આપી શકતી નથી.
ભારતમાં જ્યારે મોર્નિંગ આફ્ટર પિલ્સના વેચાણને સરકારી મંજૂરી આપવામાં આવી ત્યારે આ દવા ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ન મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. દવાઓ બનાવતી કંપનીઓના દબાણને કારણે ત્રણ વર્ષ અગાઉ સરકારે કાયદામાં ફેરફાર કરીને તેને ઓવર ધ કાઉન્ટર (ઓટીસી) ડ્રગ બનાવી હતી. તેને કારણે હવે કોઈપણ વ્યક્તિ કેમિસ્ટની દુકાનમાં જઈને આ દવા ખરીદી શકે છે અને ડોક્ટરની સલાહ વગર તેનો ઉપયોગ કરી શકે છે. મોર્નિંગ આફ્ટર પિલ્સને ઓટીસી ડ્રગ બનાવ્યા પછી તેના વેચાણમાં અભૂતપૂર્વ ઉછાળો આવ્યો છે. શહેરની સામાન્ય કેમિસ્ટની દુકાનમાં પણ આ ગોળીના ૨૦ જેટલા પેકેટ પ્રતિદિન વેચાઈ જાય છે. હવે તો નિયમિત ગર્ભનિરોધક ગોળીઓ જેટલું જ વેચાણ ઈમર્જન્સી કોન્ટ્રાસેપ્ટિવ પિલનું પણ થવા લાગ્યું છે. નવરાત્રિ અને વેલેન્ટાઈન્સ ડે જેવા તહેવારોના દિવસોમાં તો આ ગોળીઓનું વેચાણ ખૂબ વધી જાય છે. તેને કારણે દવા કંપનીઓના નફામાં પણ ઉછાળો આવ્યો છે.
સિપ્લા કંપનીએ ગયાં વર્ષના ઓગસ્ટ મહિનામાં આઈ-પિલ નામની ગોળી બજારમાં મૂકી ત્યારે તેની માહિતી આપવા માટે હેલ્પલાઈન શરૃ કરી હતી. આ હેલ્પલાઈનમાં કોલેજીયન યુવતીઓથી માંડીને મોટી ઉંમરની સ્ત્રીઓના આશરે ૩૦૦ કોલ નિયમિત આવતા હતા. આજે પણ આ બાબતમાં વધુ માહિતી મેળવવા રોજના આશરે ૧૦૦ કોલ આવવાનું ચાલુ છે. ઈમર્જન્સી કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ લેવાને કારણે ઘણાને ચક્કર આવે છે, ઊલટી થાય છે અને માથાનો દુખાવો પણ થાય છે. આ ગોળીનો વધુ ઉપયોગ કરવાને કારણે વંધ્યત્વ પણ આવે છે, જેની કેટલીક સ્ત્રીઓને જાણ નથી હોતી. રબ્બરનાં ગર્ભનિરોધકને કારણે એચઆઈવી અને ગુપ્ત રોગો સામે અમુક અંશે સંરક્ષણ મળે છે. મોર્નિંગ આફ્ટર પિલ્સથી આવું કોઈ સંરક્ષણ મળતું નથી. આ વાતની જાણ તેનો ઉપયોગ કરનારાને હોતી નથી.
મોર્નિંગ આફ્ટર પિલ એક પ્રકારની ગર્ભપાતની જ ગોળી છે. એ ત્રણ પ્રકારે કામ કરે છે. જો આ ગોળી લેવાના સમયે ગર્ભાધાન ન થયું હોય તો તે ગર્ભાધાન થતું અટકાવે છે. આ ગોળી લેતી વખતે જો ગર્ભાધાન થયું હોય તો પણ ગર્ભ હજી ફેલોપિન ટયૂબમાં જ હોય તો ગર્ભપાત થઈ જાય છે. અને આ ગોળી લેતી વખતે ગર્ભાધાન થયું હોય અને ગર્ભ ગર્ભાશયની દિવાલ સાથે જોડાયો ન હોય તો આ ગોળીની કોઈ જરૃર જ નથી હોતી, તો પણ તેનું જે રિએક્શન આવવાનું હોય છે તે આવે જ છે. આ ગોળી લેવાને કારણે જો ગર્ભાધાન થયું હોય તો ૧૦૦ ટકા ગર્ભપાત થશે જ, એવી પણ કોઈ ગેરન્ટી નથી. ગોળી લીધા પછી પણ ગર્ભાધાનના કિસ્સાઓ બને છે. આ ગોળી લેવાને કારણે જો ગર્ભપાત થાય તો ગર્ભપાતને કારણે સ્ત્રીના દેહને જેટલું નુકસાન થવાયું હોય છે તે થઈને જ રહે છે.
સ્ત્રી-પુરૃષના સંબંધ પછી વધુમાં વધુ ૭૨ કલાકમાં આ ગોળી લેવાની હોય છે, તેનું પણ એક કારણ છે. સ્ત્રી-પુરૃષના સંબંધ પછી સ્ત્રીબીજ અને શુક્રાણનું ફલીકરણ જો થવાનું હોય તો તાત્કાલિક થઈ જાય છે અને એક નવા જીવનો જન્મ તો ગણતરીના કલાકોમાં જ થઈ જાય છે, પણ આ નૂતન ગર્ભને ગર્ભાશયની દિવાલો સાથે જોડવામાં ઓછામાં ઓછા ૭૨ કલાક જેટલો સમય લાગતો હોય છે. આ દરમિયાન જો મોર્નિંગ આફ્ટર પિલ લેવામાં આવે તો કુમળો ગર્ભ દિવાલ સાથે જોડાઈ નથી શકતો, જેને કારણે તેને પોષણ નથી મળતું અને તે મરી જાય છે. આ પણ એક પ્રકારનો ગર્ભપાત જ છે. સ્ત્રીને ગર્ભપાત થયો છે કે નહીં તેની જાણ નથી થતી પણ હાનિ તો થાય જ છે.
આજના યુવાનો વણજોઈતી ગર્ભાવસ્થાના ભયથી પણ વ્યભિચારથી દૂર રહેતા હતા. હવે તેમને સેક્સ કરતી વખતે ગર્ભાવસ્તાનો કોઈ ભય જ નથી રહ્યો, કારણ કે મોર્નિંગ આફ્ટર પિલ્સ લઈને ગર્ભથી મુક્તિ મેળવી શકાય છે. આ ગોળીની જાહેરખબરોમાં હંમેશા પરીણિત મહિલાને જ દર્શાવવામાં આવે છે; પણ પરીણિત મહિલાઓ કરતાં કુંવારી કન્યાઓ આ ગોળીઓ વધુ ઉપયોગ કરવા લાગી છે. આ ગોળીની જાહેરખબરોમાં સ્પષ્ટ લખવામાં આવે છે કે, આ ગોળી નિયમિત ગર્ભનિરોધકનો વિકલ્પ નથી અને તેનો ઉપયોગ કટોકટીની પરિસ્થિતિમાં જ કરવાનો છે. આ વાત ખૂબ જ ઝીણા અક્ષરે લખેલી હોવાથી મોટા ભાગની સ્ત્રીઓ તે વાંચતી જ નથી અને મોર્નિંગ આફ્ટર પિલ્સનો ઉપયોગ નિયમિત ગર્ભનિરોધક તરીકે કરી પોતાના આરોગ્યને ભરપાઈ ન કરી શકાય તેવું નુકસાન પહોંચાડે છે.
મોર્નિંગ આફ્ટર પિલ્સ ખરા અર્થમાં ગર્ભપાતની જ ગોળી છે પણ તેના ઉત્પાદકો ટેકનિકલ ભૂમિકાએ આ હકીકતનો પ્રતિકાર કરે છે. આ માટે તબીબી પરિભાષામાં ગર્ભાધાનની અને ગર્ભપાતની વ્યાખ્યા પણ બદલી કાઢવામાં આવી છે. પહેલા સ્ત્રીબીજ અને શુક્રાણુનું સંયોજન થાય તેને ગર્ભાધાન કહેવામાં આવતું હતું અને આ નૂતન બીજના નાશને ગર્ભપાત ગણવામાં આવતો હતો. હવે તબીબી વિજ્ઞાાને ગર્ભાધાનની વ્યાખ્યા બદલી કાઢી છે. હવે તેઓ કહે છે કે નૂતન બીજ ગર્ભાશયની દિવાલ સાથે ચોંટી જાય ત્યારે જ ગર્ભાધાન કહેવાય છે. આ પહેલા જો નૂતન બીજનો નાશ કરવામાં આવે તો તબીબી વિજ્ઞાાનની પરિભાષામાં તેને ગર્ભપાત ગણવામાં આવતો નથી. આ નવી વ્યાખ્યાને આધારે મોર્નિંગ આફ્ટર પિલ્સના ઉત્પાદકો એવો દાવો કરે છે કે તેમની ગોળી ગર્ભપાતની ગોળી નથી; પણ નૈતિક અને વાસ્તવિક દ્રષ્ટિએ આ ગોળી ગર્ભપાતની ગોળી જ છે, જેમાં કોઈ શંકાને સ્થાન નથી.
વિદેશમાં તો મોર્નિંગ આફ્ટર પિલ્સ પ્રિસ્ક્રીપ્શન ડ્રગ છે, માટે ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર તે ખરીદી શકાતી નથી. વળી પ્રત્યેક પેકિંગની સાથે એક બુકલેટ પણ આપવામાં આવે છે, જેમાં તેનાં બધાં જ ભયસ્થાનોની વિગતવાર માહિતી આપવામાં આવી હોય છે. ભારતમાં આ પ્રકારની કોઈ પુસ્તિકા ગોળીની સાથે આપવામાં આવતી નથી. તેને કારણે આ દવા લેનારી સ્ત્રીઓ તેનાં ભયસ્થાનોથી અજાણ રહી જાય છે. ઘણી સ્ત્રીઓ અસુરક્ષિત યૌન સંબંધના ૭૨ કલાક પછી આ ગોળી લે છે અને આફત વહોરી લે છે. વિદેશમાં તો આ ગોળીઓ લેવા છતાં સ્ત્રીઓને ગર્ભ રહી ગયો હોય પણ ગોળીને કારણે બાલક જન્મથી જ ખોડખાંડણવાળું જન્મે એવા કિસ્સા પણ બને છે. આ બાળકનાં માબાપો તરફથી દવા બનાવતી કંપનીઓ સામે નુકસાનીના દાવાઓ પણ થાય છે.
આજનો જમાનો જાહેરખબરોનો છે. દવા બનાવતી કંપનીઓ ટીવી અને પ્રિન્ટ મિડિયામાં કરોડો રૃપિયાના ખર્ચે મોર્નિંગ આફ્ટર પિલ્સની જાહેરખબરો કરીને યુવા પેઢીને ગુમરાહ કરી રહી છે. આ જાહેરખબરોમાં મોર્નિંગ આફ્ટર પિલ્સની સારી બાજુઓ જ રજૂ કરવામાં આવે છે, પણ તેની હાનિકારક અસરોની વાત છૂપાવી રાખવામાં આવે છે. જો મોર્નિંગ આફ્ટર પિલ્સ લેનારી સ્ત્રીઓને આ ગોળીની તમામ હાનિકારક અસરોની જાણ થાય તો તેમાંની મોટાભાગની સ્ત્રીઓ આ ગોળી લેવાનું બંધ કરી દે તેમ છે. પ્રજા સુધી આ સાચી હકીકતો પહોંચાડવાની ફરજ પ્રસાર માધ્યમોની છે. શું તેઓ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે ખરાં?
- સુપાશ્વૅ મહેતા