મુંબઇ,તા.૮
આઇપીએલના સસ્પેન્ડ થયેલા ચેરમેન લલિત મોદીની ભારતમાં ક્રિકેટના વહિવટમાંથી જ હકાલપટ્ટી કરવાનો તખ્તો બીસીસીઆઇએ ઘડી કાઢ્યો છે. ક્રિકેટના વહિવટ સાથે લલિત મોદીના તમામ સંબંધો પર પુર્ણવિરામ મુકવાની સાથે તે ભવિષ્યમાં બીસીસીઆઇમાં કોઇ મહત્વનું પદ ન મેળવી શકે તેવું આયોજન પણ થઇ રહ્યું છે. આ અંગેની સત્તાવાર જાહેરાત ૨૯મી સપ્ટેમ્બરે મળનારી બીસીસીઆઇની એજીએમ બાદ કરવામાં આવશે તેમ મનાય છે.
લલિત મોદી હાલ પોતાને જેના સસ્પેન્ડેડ ચેરમેન ગણાવે છે તે આઇપીએલની ગવર્નિંગ કાઉન્સીલને જ ભારતીય ક્રિકેટ બોર્ડ વિખેરી નાંખવાના મુડમાં છે. વર્ષ ૨૦૦૮માં જ્યારે આઇપીએલની ગવર્નિંગ કાઉન્સીલની રચના કરવામાં આવી હતી ત્યારે તેની ટર્મ પાંચ વર્ષની નક્કી થઇ હતી અને તેના ચેરમેન તરીકે લલિત મોદીની નિમણૂંક કરવામાં આવી હતી પણ બોર્ડે હવે નક્કી કર્યું છે કે ગવર્નિંગ કાઉન્સીલનો કાર્યકાળ પાંચને બદલે એક વર્ષનો કરી નાંખવામાં આવે, જેથી લલિત મોદી આપોઆપ દૂર થઇ જાય.
બીસીસીઆઇને આ નિર્ણયને અમલી બનાવવા માટે તેને એજીએમમાં રજુ કરવો પડે અને તેનો નિર્ણય વર્કિંગ કમિટિના સભ્યો લેશે. જે લલિત મોદીને દૂર કરવાની તરફેણમાં જ વોટિંગ કરશે કે પોતાનો મત રજુ કરશે તેમ મનાય છે. લલિત મોદી સામે આઇપીએલમાં મોટાપાયે ગેરરીતિ અને નાણાંકિય અનિયમિતતાનો આરોપ મુકાયો હતો અને ત્રીજી સિઝનના અંત સાથે જ તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
હાલની આઇપીએલ ગવર્નિંગ કાઉન્સીલમાં મોદી સહીત કુલ ૧૩ સભ્યો છે, જેમાં બોર્ડના પ્રમુખ શશાંક મનોહર, આઇપીએલના વચગાળાના ચીફ ચિરાયુ અમીન, બોર્ડના સચિવ શ્રીનિવાસન, નિરંજન શાહ, આઇએસ બિન્દ્રા, એમપી પાંડોવ, અરૃણ જેટલી, સંજય જગદાલે, રાજીવ શુક્લા, ફારૃક અબ્દુલ્લા, રવિ શાસ્ત્રી, સુનિલ ગાવસ્કર અને મંસૂર અલી ખાન પટૌડીનો સમાવેશ થાય છે. સુત્રો જણાવે છે કે જ્યારે નવી સમિતિ રચાશે ત્યારે તેમાં બે જ ભૂતપૂર્વ કેપ્ટનોને સમાવવામાં આવશે.
|
|