મુંબઈ - નોકરાણી પર કથિત બળાત્કાર કરવાના આરોપનો કેસ હજુ શાઈની આહુજા લડી રહ્યો છે. એ દરમિયાન પ્રોફેશનલ જીવનમાં તેને બીજો એક આંચકો સહન કરવાનો વારો આવ્યો છે. જાણવા મળવા પ્રમાણે પ્રિટી ઝિન્ટા સાથેની તેની ફિલ્મ 'હર પલ'ની રિલીઝ કોર્ટ તેના કેસનો નિર્ણય આવે ત્યાં સુધી લંબાવી છે. આ કેસનો ચુકાદો ક્યારે આવશે એ હજુ સુધી જાણવા મળ્યું નથી. પરંતુ શાઈની માટે આ સમાચાર આશાજનક નથી 'હર પલ' એ સોહા અલી ખાન સાથેની 'એક્સિડન્ટ' ફિલ્મથી આ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ગુમાયેલી પ્રતિષ્ઠા પાછી મેળવવાની શાઈનીને આશા હતી.
''હજુ સુધી શાઈની વિશે નેગેટિવ પબ્લિસિટી જ થાય છે આથી 'હર પલ'ના સર્જકોને તેમની ફિલ્મ રિલીઝ કરતા ડર લાગે છે. તેમને શંકા છે કે આ કારણે તેમની ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું પરિણામ આપી શકશે નહીં. ઘણા ટ્રેડ પંડિતોને પણ શંકા છે કે શાઈની હજુ સુધી આરોપોમાંથી મુક્ત થયો ન હોવાને કારણે દર્શકો તેની ફિલ્મનો અસ્વીકાર કરશે.'' નામ નહીં જણાવવાની શરતે ટોચના એક ટ્રેડ પંડિતે કહ્યું હતું.
''આ કેસમાં શાઈનીની તરફેણમાં ચુકાદો આવે એ વાત ફિલ્મ સર્જકો માટે મહત્ત્વની છે. ચુકાદો આવતાં જ પોઝિટિવ પબ્લિસિટીમાં તેઓ તરત જ આ ફિલ્મ રિલીઝ કરશે. આમ નહીં થાય તો તેઓ આ ફિલ્મ કેવી રીતે રિલીઝ કરવી એની પૂરેપૂરી યોજના બનાવીને એને રિલીઝ કરશે કારણ કે, આ ફિલ્મ પર મોટી રકમનો જુગાર ખેલાયો છે. તેમણે શાઈની સાથે કે શાઈની વગર આ ફિલ્મને પ્રમોટ કરી રિલીઝ કરવી જ પડશે. આ ફિલ્મો તૈયાર છે અને નિર્માતાઓના નાણા અટવાયા છે.'' સૂત્રે વધુમાં જણાવ્યું હતું. 'હર પલ'ના દિગ્દર્શક જહાનુ બરૃઆએ જણાવ્યા પ્રમાણે, ''આજે પરિસ્થિતિ એવી છે કે અમારે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવી પડે તેમ છે.''
|