| Last Update : 08-Sept.-2010, Wensday |
|
|
|
|
|
|
સ્વાઈન ફ્લ્યૂ |
| |
ફરી સ્વાઈન ફ્લ્યૂએ માથું ઉંચુ કર્યું છે. અગમચેતીના પગલાં વરસાદી વાતાવરણ અને ભરાયેલા પાણી વચ્ચે અસરકારક બની શકતાં નથી. શ્વસનતંત્ર પર તરાપ મારીને જોત-જોતામાં દર્દીનો જીવ આંચકી લેતો આ રોગ હજુ આગળ વધશે એમ મનાય છે. આરોગ્યતંત્ર અને તે બાબતની જાગૃતિ માટે આપણે બહુ કડક નથી. ખુલ્લો ખોરાક લેવા પર પ્રતિબંધ અને જાહેર આરોગ્ય જેવી બાબતો પર પ્રજા નિષ્ક્રીય છે તે હકીકતને ભૂલવી ના જોઈએ. છૂપા શત્રુ સમાન આ રોગ ડીટેક્ટ થાય - ના થાય ત્યાં સુધીમાં તો દર્દીને ઊંચકી લે છે. વિમાન મથકો પર શરૂઆતમાં અગમચેતીના જે પગલાં લેવાતા હતા તેને ફરી શરૂ કરવા પડશે. શ્રાવણ મહિનો આખો તહેવારોથી ભરેલો હતો. શ્રાવણ મહિનાના છેલ્લા દિવસો છે, હવેના બંને મહિના પણ ઉત્સવોથી ભરેલા આવશે. જેમાં ગણપતિ સ્થાપન અને ત્યારબાદ નવરાત્રિનો સમાવેશ થાય છે. જ્યાં ભીડ છે ત્યાં સ્વાઈનફ્લ્યૂની શક્યતા છે. ભીડ-ભાડને આપણે ઓછી કરી શકતા નથી, આપણે ઉત્સવોને પણ બાજુ પર રાખી શકતા નથી. આ સંજોગોમાં સ્વાઈનફ્લ્યૂને જોઈતું અને ફેવરેબલ વાતાવરણ મળી જાય છે. આરોગ્યની સલામતી માટે ખાસ કરીને સ્વાઈન ફ્લ્યૂ અંગે સરકારે પ્રતિબંધોની મોટી હારમાળા ઊભી કરીને લોકોને ચેતવવાની જરૂર છે. શ્વસનતંત્ર સાથે સંકળાયેલો આ રોગ હવા મારફતે ફેલાય છે અને જેનામાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે તે ઝપટમાં આવી શકે છે. સરકાર જાગૃતિના પગલા ભરે છે પરંતુ પ્રજાએ પોતે પણ જાગૃત થવાની જરૂર છે. પોતાના આરોગ્ય તરફની બેદરકારી ઘણીવાર મુસીબત બની જતી હોય છે. સવારે ખાલી પેટે બહાર ના નીકળવું કે સામાન્ય તાવને ગંભીરતાથી ના લેવો વગેરે મુદ્દા પ્રથમ દ્રષ્ટિએ કોમન લાગે છે પણ આ મહત્ત્વના મુદ્દા છે.
સત્તાવાળાઓએ ફરી જાગૃતિ અભિયાન શરૂ કરવાની જરૂર છે. રોજ અડધો ડઝનથી વઘુ લોકોને સ્વાઈન ફ્લ્યુ ભરખી જાય તો તે કોઈ રીતે નાની સૂની વાત નથી. સ્વાઈનફ્લ્યૂ-પોઝીટીવ સાથેનો દર્દી એ વાયરસ બોંબ સમાન ગણી શકાય. આ દર્દી જ્યાં પણ જાય છે ત્યાં ઓછી ઈમ્યુનીટી ધરાવતા દર્દીને સકંજામાં લઈ લે છે. આ આખી સિસ્ટમને પ્રજા સમજે છે પણ તે તેનું પાલન કરતી નથી. શહેરમાં વાયરલ ઈન્ફેકશનના ખાટલા ઘેર-ઘેર છે. આ સંજોગોમાં સ્વાઈનફ્લ્યૂ પોઝીટીવ હોવાની સંભાનવા વધે એમ છે પરંતુ આવા કેસમાં તે ક્યોર થવાની પુરેપુરી સંભાવના હોય છે. જો કે આવા દર્દીઓ જ્યારે બહાર ફરતા હોય છે. ત્યારે તે અનેક લોકોને ચેપ લગાડી શકે છે. સ્વાઈનફ્લ્યૂ જ્યારે આગળ પ્રસરી રહ્યો છે ત્યારે પ્રજામાં જાગૃતિનું પ્રમાણ પણ વધે તે જરૂરી છે. સ્વાઈનફ્લ્યૂ માટે સત્તાવાળાઓએ નવેસરથી જાગૃતિનો ડોઝ આપવાની જરૂર છે.
બિહારમાં ચૂંટણી
શનિવારે બિહારમાં રાહુલ ગાંધી જ્યારે ચૂંટણી સભા સંબોધતા હતા ત્યારે બીજી તરફ નકસલવાદ સામે લડવા નીતિશકુમારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. બિહારમાં કોંગ્રેસ સેટઅપ ગોઠવવા પ્રયાસ કરે છે પરંતુ નીતિશકુમારે એક પછી એક કામ હાથમાં લઈને પ્રજાનો વિશ્વાસ જીતી લીધો છે. દિલ્હી યુનિવર્સિટીની ચૂંટણીઓમાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખની હારની અસર બિહારની ચૂંટણીઓ પર પડશે એ નક્કી છે. બિહારમાં ચૂંટણી કરતાં પણ વઘુ નકસલવાદી સમસ્યા છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે સાથે મળીને નકસલવાદના નામે ચાલતી ગુંડાગીરીને ડામવી પડશે. નકસલવાદીઓ ગામડાના લોકો પર ધાક જમાવવામાં સફળ થયા છે. સ્થાનિક સિક્યુરીટીને ડરાવા અપહરણ જેવી ઘટનાઓ બનતી હોય છે. ગામડાની પ્રજાને નકસલવાદીઓ પર વઘુ ભરોસો છે. ગઈ ૧૫ ઓગસ્ટે નકસલગ્રસ્ત ગામોની શાળાઓ પર ત્રિરંગો લહેરાવવાના બદલે કાળા ઘ્વજ લહેરાવાયા હતા. આ શરમજનક ઘટનાને સત્તાવાળાઓએ કોઈપણ રીતે દબાવી દીધી હતી. આ ઈસ્યુ મોટો હતો. તેને બર્નીંગ ઈસ્યુની યાદીમાં સમાવવો જોઈતો હતો. પોતાના જ દેશમાં રાષ્ટ્રઘ્વજ ના ફરકાવાય એનાથી મોટી બીજી કમનસીબી કઈ હોઈ શકે ?? સરકાર ચૂંટણીઓ દ્વારા સત્તા મેળવવા કમર કસે તે જરૂરી છે. પરંતુ આ માટે પ્રજાને સાથે રાખવી જરૂરી છે. પ્રજા જાગૃત નહીં થાય ત્યાં સુધી નકસલવાદ હટવાનો નથી.
|
|
|
|
|
| |
|
|
|
| |
|
|
|
|
Gujarat Samachar © 2010, All Rights Reserved |
|
|