કોમનવેલ્થ ગેમ્સમાં આચરવામાં આવેલા ભ્રષ્ટાચાર માટે ભારત સરકારનાં માથે માછલાં ધોવામાં આવે છે, પણ તેને કારણે દેશમાં વ્યભિચાર કેટલો વધવાનો છે, તેની બહુ ઓછા લોકોને કલ્પના છે. ભારતના ભૂતપૂર્વ ખેલકૂદ મંત્રી અને રાજ્યસભાના સભ્ય મણિશંકર ઐયરે આક્ષેપ કર્યો છે કે સરકાર ખેલકૂદને પ્રોત્સાહન આપવાના બહાને હકીકતમાં પર્યટનને અને વેશ્યાવ્યવસાયને પ્રોત્સાહન આપી રહી છે. કેન્દ્રમાં પર્યટન ખાતાંનાં પ્રધાન કુમારી શૈલજાને લખેલા પત્રમાં ઐયરે જણાવ્યું છે કે દિલ્હીની એસ્કોર્ટ એજન્સીઓ કોમનવેલ્થ ગેમ્સ માટે તડામાર તૈયારીઓ કરી રહી છે. કેટલીક એજન્સીઓએ રશિયાની અને ઉઝબેકિસ્તાનની ગોરી યુવતીઓની ભરતી પણ કરવા માંડી છે. દિલ્હીના રેડ લાઈટ એરિયામાં આવેલાં કોઠાંઓમાં પણ અત્યારે જોરશોરમાં રિનોવેશન ચાલી રહ્યું છે.

નેશનલ એઈડ્સ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશન (નાકો)એ તાજેતરમાં જાહેર કર્યું છે કે તેઓ કોમનવેલ્થ ગેમ્સના સ્ટેડિયમની બહાર રબ્બરનાં ગર્ભનિરોધકો મફતમાં આવતાં ૧૫૦ મશીનો ગોઠવવાના છે. આ દરેક મશીનમાં રોજના આશરે ૨૦૦ ગર્ભનિરોધકો ભરવામાં આવશે. આ રીતે રોજના આશરે ત્રણ હજાર ગર્ભનિરોધકો તેઓ મફતમાં આપશે. સમગ્ર કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન આશરે એક લાખ રબ્બરનાં ગર્ભનિરોધકોનું મફતમાં વિતરણ કરવાની તેમની ધારણા છે. કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન જે ખેલાડીઓ, મેનેજરો અને તેમના વિદેશી મિત્રો ભારતની મુલાકાતે આવવાના છે, તેમની સગવડતા માટે આ મશીનો ગોઠવવામાં આવશે. આ સમાચાર વાંચીને મણિશંકર ઐયરે સવાલ કર્યો છે કે, ''આ ખેલાડીઓ ભારતમાં કઈ જાતની રમત રમવા આવવાના છે ?''
કોમનવેલ્થ ગેમ્સ પાછળ ભારતની સરકાર જેટલો ખર્ચો કરવાની છે તેના કરતાં પણ વધુ કમાણી દિલ્હીમાં એસ્કોર્ટ એજન્સીના માલિકો કરવાના છે. તેમણે ઇન્ટરનેટ ઉપર ધૂમ જાહેરખબરો આપવાનું શરૃ કરી દીધું છે. આ જાહેરખબરોમાં યુવતીઓની અર્ધનગ્ન તસવીરો ઉપરાંત તેમના કલાકના ભાવો પણ આપવામાં આવે છે. કોમનવેલ્થ ગેમ્સ માટે યુરોપ અને એશિયાના દેશોની ગોરી અથવા પીળી ચામડી ધરાવતી યુવતીઓની વધુ ડિમાન્ડ છે. આ યુવતીઓની મોટી સંખ્યામાં ભારતમાં આયાત કરવામાં આવી રહી છે. મોટા ભાગની યુવતીઓ ત્રણ મહિનાના ટુરિસ્ટ વીસા ઉપર ભારતની મુલાકાતે આવી રહી છે. દિલ્હીમાં આશરે ૪૦૦થી ૪૫૦ એસ્કોર્ટ એજન્ટો કામ કરી રહ્યા છે. દરેક પાસે ૨૦ થી ૨૫ યુવતીઓ છે. તેઓ કોમનવેલ્થની ગેમ્સ રમવા આવનારા વિદેશી ખેલાડીઓ માટે રશિયા, સ્પેન, પોલેન્ડ, જર્મની, અફઘાનિસ્તાન, તુર્કી વગેરે દેશોમાંથી કોલ ગર્લ્સની આયાત કરવામાં પડયા છે.
દિલ્હીમાં રહેતી અન્ના નામની ૨૬ વર્ષની રશિયન યુવતી ભારતમાં વિદેશી યુવતીઓ સપ્લાય કરતી સૌથી મોટી એજન્ટ ગણાય છે. તાજેતરમાં ટીવી ચેનલના પત્રકારોએ તેનો સ્ટીંગ ઈન્ટરવ્યૂ કર્યો ત્યારે અન્નાએ જણાવ્યું હતું કે તે ૫૦થી ૧૦૦ યુવતીઓની ગોઠવણ કરી શકે તેમ છે. રશિયાની યુવતીની આયાત કરવી હોય તો તેનો ભાવ એકથી બે લાખ રૃપિયા છે, પણ બ્રિટન અથવા સ્પેનથી કોલ ગર્લની આયાત કરવી હોય તો તેનો ભાવ પાંચથી સાત લાખ રૃપિયા છે. એક યુવતી પાછળ આટલું મોટું રોકાણ કરનારા દિલ્હીની એસ્કોર્ટ એજન્સીઓના માલિકો તેમાંથી તગડી કમાણી કરવાના છે. હકીકતમાં તેમનો લક્ષ્યાંક માત્ર કોમનવેલ્થના ખેલાડીઓ નથી. દિલ્હીમાં રહેતા શ્રીમંતોના નબીરાઓ અને સરકારી બાબુઓ પણ તેમને ભારે ઘરાકી કરાવશે, એમ તેમનું માનવું છે.
વિદેશથી જે યુવતીઓ આવે છે તેમને ૧૫ દિવસના કોન્ટ્રેક્ટ ઉપર લાવવામાં આવે છે. તેમના આવવાજવાનો ખર્ચો ઉપરાંત ફાઈવ સ્ટાર હોટેલોમાં રહેવાનો ખર્ચ પણ એસ્કોર્ટ એજન્સી ઉપાડે છે. આ ઉપરાંત ગ્રાહકદીઠ જે કમાણી થાય તેમાંથી પણ તેમને ૫૦થી ૬૦ ટકા હિસ્સો આપવામાં આવે છે. આ યુવતીઓમાં સૌથી વધુ સંખ્યા ભૂતપૂર્વ સોવિયેત યુનિયનના દેશોમાંથી આવતી યુવતીઓની છે. વિદેશી યુવતીઓ ઉપરાંત ભારતનાં અન્ય રાજ્યોમાંથી પણ સુંદર અને યુવાન કોલ ગર્લ્સને મોટી સંખ્યામાં દિલ્હી મોકલવાની તૈયારીઓ આરંભાઈ ચૂકી છે. ભારતની કોલ ગર્લ્સ વિદેશી યુવતીઓની સરખામણીએ સસ્તી ગણવામાં આવે છે.
ઈન્ટરનેટની વેબ્સાઈટો ઉપર છેલ્લા બે મહિનાથી કોમનવેલ્થ ગેમ્સમાં આવનારા ''અતિથિઓ'' માટે યુવતીઓ પૂરી પાડનારી એસ્કોર્ટ એજન્સીઓની જાહેરાતો વધી રહી છે. કેટલીક એજન્સીઓ તો જાહેરાતમાં કોમનવેલ્થ ગેમ્સના સત્તાવાર લોગોનો પણ ઉપયોગ કરતી જોવા મળે છે. આ જાહેરાતોમાં બોલિવૂડમાં કામ કરતી 'સી' ગ્રેડની અભિનેત્રીઓ, એરહોસ્ટેસો, ટીવી સિરિયલોની અભિનેત્રીઓ, મોડેલો અને ગૃહિણીઓની સેક્સી તસવીરો પણ પ્રદર્શિત કરવામાં આવે છે. સાથે સાથે કોન્ટેક્ટ નંબર પણ આપવામાં આવે છે. આ જાહેરખબરોમાં રેટ કાર્ડ પણ હોય છે. ટીવી સિરિયલમાં કામ કરતી અભિનેત્રીનો એક રાતનો ભાવ ૪૦થી ૫૦ હજાર રૃપિયા રાખવામાં આવે છે તો બોલિવૂડની અભિનેત્રીનો રાતનો ભાવ એકથી સવા લાખ રૃપિયા હોય છે. કલાકના હિસાબે પણ યુવતીઓ મળે છે.
દિલ્હીમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ ૩થી ૧૪ ઓક્ટોબર દરમિયાન ચાલવાની છે. આ રમતો માટે આશરે ૯૦,૦૦૦ વિદેશીઓ ભારતની મુલાકાતે આવવાના છે. તેમાંના બહુમતી પુરૃષો હશે. તેમને લોભાવવા માટે દિલ્હીના રેડ લાઈટ એરિયા જી.બી.રોડના ૧૬૫ કોઠાઓમાં રહેતી આશરે ૬,૦૦૦ વેશ્યાઓને પણ અંગ્રેજી સંભાષણની તાલીમ આપવામાં આવી રહી છે. આ ધંધાના જાણકારો કહે છે કે કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન દિલ્હીમાં જેટલી વેશ્યાઓની જરૃર પડશે, તેના કરતાં અડધી વેશ્યાઓ જ ભારતની રાજધાનીમાં છે. આ કારણે મુંબઈ, કોલકાતા, ચેન્નઈ, હૈદરાબાદ જેવાં શહેરોમાંથી વેશ્યાઓની આયાત કરવામાં આવશે. દિલ્હીની સરકારે તો સ્વીકારી લીધું છે કે તેઓ કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન લોહીના વેપારને અટકાવી નહીં શકે. આ કારણે તેમણે તમામ જાહેર સ્થળોએ રબ્બરનાં ગર્ભનિરોધકોનું મફતમાં વિતરણ કરતાં મશીનો લગાડવાની યોજના બનાવી છે. આ મશીનો જોઈને ખેલાડીઓને ગલત સંકેત મળવાની સંભાવના છે.
લંડનથી પ્રસિદ્ધ થતાં ડેઈલી મેઈલ નામના અખબારના પત્રકારોએ જ્યારે દિલ્હીમાં એસ્કોર્ટ સર્વિસ ચલાવતા ઓપરેટરોનો સંપર્ક કર્યો ત્યારે તેમને ચોંકાવનારી વાતો જાણવા મળી હતી. એક એજન્ટે તેમને કહ્યું હતું કે દિલ્હીમાં આશરે ત્રણથી પાંચ હજાર યુવતીઓ એસ્કોર્ટ એજન્સીઓમાં કામ કરે છે, પણ કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન તેમની અછત પડશે. આ અછત ટાળવા તેઓ ભારતનાં બીજાં શહેરોની એજન્સીઓમાંથી યુવતીઓની આયાત કરી રહ્યા છે. આ એજન્ટ કહે છે કે અમને ભારતના ખેલાડીઓમાં નહીં પણ વિદેશી ખેલાડીઓમાં વધુ રસ છે, કારણ કે તેઓ સારા પૈસા ચૂકવે છે. કોમનવેલ્થ ગેમ્સ માટે દિલ્હી આવતી યુવતીઓ ફાંકડું અંગ્રેજી બોલતી હોય તેને જરૃરી માનવામાં આવે છે અને તેને ૨૪/૭ કામ કરવા માટે માનસિક રીતે તૈયાર કરવામાં આવે છે. એસ્કોર્ટ એજન્સીઓના સંચાલકો કહે છે કે કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન તેમના ભાવો સામાન્ય ભાવો કરતાં લગભગ બમણા થઈ જશે.
દિલ્હીના પોલીસ અધિકારીઓ એવો દાવો કરે છે કે તેમણે છેલ્લા મહિનામાં કોમનવેલ્થ ગેમ્સના નામે એસ્કોર્ટની સર્વિસ આપતી છ વેબ્સાઈટો બંધ કરાવી છે. જોકે બીજી ડઝન વેબ્સાઈટો અલગ અલગ નામે ફરીથી શરૃ થઈ ગઈ છે. હવે તેમણે કોમનવેલ્થ ગેમ્સનો લોગો વાપરવાનું બંધ કર્યું છે, પણ તેમનું ટાર્ગેટ કોમનવેલ્થમાં આવનારા વિદેશી ખેલાડીઓ જ છે. પોલીસ એવું બહાનું કાઢે છે કે તેઓ કોમનવેલ્થ ગેમ્સ રમવા આવનારા વિદેશી ખેલાડીઓની સુરક્ષામાં એટલા વ્યસ્ત છે કે તેમને એસ્કોર્ટ એજન્સીઓ બાબતમાં વિચારવાનો સમય જ નથી. જોકે એસ્કોર્ટ એજન્સીઓના સંચાલકો છાતી ઠોકીને કહે છે કે તેમણે પોલીસતંત્રને 'મેનેજ' કરી લીધું છે. દિલ્હીના જી.બી. રોડની વેશ્યાઓની માંગણી છે કે સરકાર આખા દિલ્હીને સજાવવામાં કરોડો રૃપિયાનો ખર્ચ કરી રહી છે તો જી.બી. રોડના રસ્તાઓ પણ તેણે રિપેર કરાવી આપવા જોઈએ. સરકારે હજી સુધી તો તેમની માંગણીઓ ઉપર લક્ષ્ય આપ્યું નથી.
દુનિયાના કોઈ પણ શહેરમાં ઓલિમ્પિક્સ કે કોમનવેલ્થ ગેમ્સ યોજવામાં આવે ત્યારે ખેલાડીઓ મનોરંજન મેળવવા માટે સ્થાનિક વેશ્યાગૃહોમાં પહોંચી જાય તે સામાન્ય ઘટના ગણાય છે. તાજેતરમાં દક્ષિણ આફ્રિકામાં ફિફા વર્લ્ડ કપનું આયોજન થયું ત્યારે પણ એવું જ બન્યું હતું. બીજિંગ ઓલિમ્પિક્સ વખતે પણ રબ્બરનાં ગર્ભનિરોધકોનું વિતરણ કરતાં મશીનો બેસાડવામાં આવ્યાં હતાં. યુરોપ અને આફ્રિકાના દેશો માટે આ વાત સહજ ગણાતી હશે, કારણ કે અમુક દેશોમાં વેશ્યાવૃત્તિને કાયદેસર ગણવામાં આવે છે. ભારત જેવા દેશમાં જે સંસ્કૃતિમાં સદાચારનું ભારે મહત્ત્વ આંકવામાં આવે છે ત્યાં વિદેશી મહેમાનો આવીને આપણા દેશની સ્ત્રીઓ સાથે વ્યભિચારનું સેવન કરે, અથવા તેમના વ્યભિચાર માટે વિદેશી યુવતીઓ લાવવામાં આવે તે કેમ ચલાવી લેવામાં આવે છે ? આ વ્યભિચાર કોમનવેલ્થ ગેમ્સના ભ્રષ્ટાચાર કરતાં પણ વધુ ગંભીર મુદ્દો છે, પણ રાજકારણીઓ તેને ગંભીર મુદ્દો ગણતા જ નથી.