નવી દિલ્હી, તા.૭
બિહારમાં નક્સલવાદીઓએ બાન પકડેલા ત્રણ પોલીસકર્મીઓને છોડી મૂકવાની ઘટના અને વિધાનસભાની ચૂંટણીની જાહેરાત એક જ દિવસે થયાં. પરંતુ તેનાથી નીતિશકુમારને જરાય રાહત મળે એમ નથી. કારણ કે છૂટેલા પોલીસકર્મીઓનાં પરિવાર સરકારનો નહીં, પણ ભગવાન અને માઓવાદીઓનો આભાર માની રહ્યાં છે, જ્યારે મૃત પોલીસનાં કુટુંબીજનો સરકારને દોષી ઠેરવી રહ્યાં છે અને બાકીના ત્રણ પોલીસ બચી ગયા, તો એમના માણસના ભાગે કેમ મોત આવ્યું એવો સવાલ પૂછી રહ્યા છે.
વિધાનસભાની આગામી ચૂંટણીઓ પર માઓવાદના મુદ્દાની કેટલી અસર પડશે એ હજુ સ્પષ્ટ થયું નથી. પરંતુ બિહારના અભ્યાસીઓના મતે વહેંચાયેલા વિપક્ષને કારણે જનતાદળ (યુ)-ભાજપના સત્તાધારી ગઠબંધનને ફાયદો થશે. કાયદો-વ્યવસ્થા, રસ્તા, સમાજકલ્યાણની યોજનાઓ જેવી બાબતો નીતિશકુમારના પલ્લામાં વધારાનું વજન પુરવાર થશે.
રાષ્ટ્રિય જનતા દળ અને લોકજનશક્તિ પક્ષનું ગઠબંધન હજુ લાલુરાજની દુખદ યાદોમાં અટવાયેલું છે. આગામી ચૂંટણીમાં સમજૂતીના ભાગરૃપે રાજદ ૧૬૮ બેઠકો પરથી અને લોજપ ૭૪ બેઠકો પરથી ચૂંટણી લડશે. પરંતુ સમજૂતી છતાં તેમની વચ્ચે સમય જતાં ખેંચતાણ ઉભી થાય તો કહેવાય નહીં. ગત લોકસભાની ચૂંટણીમાં ભારે નિષ્ફળ સાબીત થયેલા લોકજનશક્તિ પક્ષનું હવે ઝાઝું ઉપજતું નથી. કેમ કે ચૂંટણીમાં તેના અધ્યક્ષ રામવિલાસ પાસવાન પોતે પણ જીતી શક્યા ન હતા. કોંગ્રેસ તમામ ૨૪૩ બેઠકો પર ચૂંટણી લડી રહી છે અને ત્રીજા પરિબળ તરીકે તે પગદંડો જમાવવા ઉત્સુક છે. ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને ફક્ત ૧૦ બેઠક મળી હતી. હજુ બિહારમાં તેની પાસે કાર્યકરો નથી અને આંતરિક વિખવાદ ઘણો છે. રાહુલ ગાંધી કોંગ્રેસને નવેસરથી ધબકતી બનાવવા માટે સક્રિય છે, પણ તેમના પ્રયાસથી રાજદ-લોજપની મતબેન્કમાં ગાબડું પાડી શકાશે કે નહીં એ કહી શકાતું નથી.
રાજદ-લોજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર લાલુ યાદવે કહ્યું છે કે તેમની યુતિ ચૂંટાશે તો રેલવેને તેમણે જેમ ખોટમાંથી નફામાં કરી દીધી હતી, એવું આખા રાજ્યનું ચક્કર ઉલટાવી નાખીશું. પરંતુ બિહારના અભ્યાસીઓને લાગે છે કે લાલુ યાદવને મુખ્યપ્રધાન તરીકે રજૂ કરવાથી ઉપલી જ્ઞાાતિઓના મત જનતાદળ(યુ)-ભાજપ યુતિ કે કોંગ્રેસ તરફ જઇ શકે છે.
- ઇન્દર સાહની