| Last Update : 08-Sept.-2010, Wensday |
|
|
|
|
|
|
|
 |
|
માતા એ સૌથી પહેલું તીર્થ છે ! |
ઝાકળ બન્યું મોતી- કુમારપાળ દેસાઇ |
|
ભગવાન મહાવીરના આજના જન્મ-વાચનના દિવસે એમના સૌ પ્રથમ સંદેશનો વિચાર કરીએ. તેઓ માતા ત્રિશલાના ગર્ભમાં હતા, ત્યારે એક ઘટના બની. માતા ત્રિશલાની કૂખમાં વર્ધમાનનો ગર્ભકાળ સાડા છ મહિનાનો થયો હતો, ત્યારે ઉદરમાં રહેલા વર્ધમાને વિચાર્યું કે મારાં વિકસતાં અંગોપાંગ અને મારું હલનચનલ માતાને કેટલી બધી પીડા આપે છે ! મારૂં આગમન જગતમાત્રના જીવોને સહેજ પણ દુઃખ આપે તો કેવું ગણાય ? મારે તો સર્વ જીવનું શ્રેય સાધવાનું છે. એમાંય આવા અત્યંત ઉપકારી માતાને મારાં હલનચલનથી પીડા થતી હોય, તો તે મારા માટે સહેજે યોગ્ય ન ગણાય.
આમ વિચારી ત્રિશલામાતાના ઉદરમાં રહેલો ગર્ભ શાંત થયો. ત્રિશલાના તનની અકળામણ ઓછી થઈ, કિંતુ મનની અકળામણ એકાએક વધી ગઈ. ત્રિશલાને શંકા જાગી કે શું કોઈ દેવે મારો ગર્ભ હરી લીધો કે પછી મારો ગર્ભ ગળી ગયો ?
આમ, જુદી જુદી શંકાઓ કરતાં રાણી ત્રિશલા આક્રંદ કરવા લાગ્યાં. રાજા સિદ્ધાર્થ ચિંતાતુર બન્યા. રાજમહેલમાં ચાલતાં નાટકો અટકી ગયાં અને વીણા અને મૃદંગ વાગતાં બંધ થઈ ગયાં. ત્રિશલા માતા મૂર્છિત બની ગયા.
આ સમયે ગર્ભસ્થ વર્ધમાન અવધિજ્ઞાનથી માતા, પિતા અને પરિવારજનોને શોકવિહ્વળ થયેલાં જોયાં. એમણે વિચાર્યુ કે જે કામ સુખને માટે કર્યું, તેનાથી તો ઊલટું દુઃખ નિષ્પન્ન થયું. પ્રેમને કારણે કર્યું, તે પીડારૂપ બન્યું. ધાર્યું હતું શું અને થયું શું ?
ભર્યા જળાશયમાં મત્સ્ય હાલેતેમ ગર્ભ ફરક્યો અને માતા હસી પડી. આખી દુનિયા હર્ષમાં ડૂબી ગઈ. આ ઘટનાએ વર્ધમાનના મહાન આત્માના ચિત્ત પર ગાઢ અસર કરી.
એમણે વિચાર્યું કે ‘માતાને પુત્ર તરફ કેવો અજોડ પ્રેમ હોય છે ! હજી હું ગર્ભમાં છું. માતાએ મારું મુખ પણ જોયું નથી છતાં કેટલો બધો પ્રેમ ! આવા માતાપિતા હોય અને હું સંયમ (દીક્ષા) ધારણ કરું તો એમને ઘણું દુઃખ થાય. આથી અભિગ્રહ (દ્રઢ નિશ્ચય) કરું છું કે માતાપિતાની જીવિત અવસ્થામાં હું સંસારનો ત્યાગ કરીને દીક્ષા નહીં લઊં.’
આમ, ભગવાન મહાવીરે પોતાના જન્મપૂર્વે આપેલો પહેલો ઉપદેશ એ માતૃભક્તિનો છે. તીર્થંકરોની તમામ માતાઓનો મહિમા પણ અવર્ણનીય છે અને એટલે જ કહેવાય કે માતા એ સૌથી પહેલું તીર્થ છે.
વૈરાગ્યનો વિશેષ મહિમા કરતાં જૈન ધર્મમાં માતા, વાત્સ્યભર્યા સંબંધો અને માનવતાનો પણ એટલો જ મહિમા છે, જેનું આજના શુભદિને સ્મરણ કરીએ.
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
| |
|
|
|
|
Gujarat Samachar © 2010, All Rights Reserved |
|
|