Last Update : 08-Sept.-2010, Wensday

ક્રિકેટ ચાહકો હવે હાર-જીત બાદની સંવેદના ગુમાવતા જાય છે ઃ મેચ ફિકિસિંગ ક્રિકેટની રમતને ગળુ દબાવીને પતાવી દેશે ? ક્રિકેટ તેરી યહી કહાની

વિવિધા - ભવેન કચ્છી

ભવિષ્યમાં ક્રિકેટ બોર્ડ કે ફ્રેન્ચાઈઝીઓ જ અંદરોઅંદર ફિકિસિંગ કરીને કરોડોની હેરાફેરી કરતી થઈ જાય તો નવાઈ નહીં ક્રિકેટ માટેનો ક્રેઝ ભયજનક રીતે ઘટી રહ્યો છે તેના કારણો જાણી લો

 

 

વિશ્વની સૌથી નબળી મનાતી ક્રિકેટ ટીમ ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ કેપ્ટન કેમ્પબેલને એક વખત પુછવામાં આવ્યું હતું કે ‘‘મેચ ફિક્સિંગ અંગે તમારૂ શું માનવુ છે ?’’ તેણે રસપ્રદ ઉત્તર આપતા કહ્યું હતું કે ‘‘એ તો હું કેમ કહી શકું પણ, જે રીતે અમુક વખતે અમે મજબુત ટીમો સામે જીતી જતા હતા ત્યારે માની નહોતું શકાતું કે અમે જીત્યા.’’
આવું જ કંઈક ઓસ્ટ્રેલિયાના પોન્ટીંગ અને હસીએ કહ્યું છે. પાકિસ્તાનના ખેલાડીઓએ વઘુ એક વખત મેચ ફિક્સિંગના વિવાદને જન્મ આપ્યો તે પછી આ ઓસ્ટ્રેલિયનોએ સમાન સૂર સાથે વેદના વ્યક્ત કરી કે ‘‘અમે ભૂતકાળમાં પાકિસ્તાન સામે જે મેચોમાં નાટકિય લડત આપીને જીત્યા હતા તેને આજદિન સુધી ગૌરવ સાથે વાગોળતા રહ્યા છીએ. અમારી જાતને હીરો ગણાવીએ છીએ. રેકોર્ડ બુક પણ એમ જ કહે છે. હવે એવું બહાર આવે છે કે તે મેચો ફિક્સ થઈ હતી. અમે મુર્ખ બન્યા હોય તેવું લાગે છે.’’
પોન્ટીંગે વાજબી હતાશા ઠાલવતા કહ્યું કે આવી રીતે કોઈ મેચ કે ખેલાડીના દેખાવને ફિકસર તરીકે જાહેર કરીને તે મેચમાં યાદગાર દેખાવ કરનારા ખેલાડીઓના પ્રદાન પર પાણી ફેરવી દેવું જે તે ટીમ કે ખેલાડી માટે ભારે અન્યાય સર્જતી બાબત છે.
સૌથી કરારા જવાબ તો ઓસ્ટ્રેલિયાના હેડને આપ્યો. તેણે પાકિસ્તાનની સમગ્ર પ્રજાના ચારિત્ર્યને જ આ માટે દોષિત ઠેરવીને કહ્યું કે પાકિસ્તાનના ડીએનએ (વંશ-વારસાગત જીન)માં જ આ પ્રકારની પ્રકૃતિ હોય તેમ લાગે છે. શા માટે આવા તમામ કિસ્સાઓના કેન્દ્રમાં મહદ્અંશે પાકિસ્તાન જ હોય છે ? વેસ્ટ ઈંડિઝમાં રમાયેલી વર્લ્ડકપમાં પાક. કોચ વુલ્મર કે તે અગાઉ ક્રોનીએના રહસ્યમય મૃત્યુનો કેસ આબાદ રીતે ભીનો સંકેલાઈ ગયો છે.
પાકિસ્તાનમાં સલામતીના કારણોસર વિશ્વની અન્ય ટીમો રમવા નથી જતી. પાકિસ્તાન લાંબા અરસા સુધી ક્રિકેટથી વંચિત રહ્યું હતું. ત્યારે ક્રિકેટ વિશ્વમાં મેચ ફિક્સિંગનો કોઈ વિવાદ બહાર નહોતો આવ્યો. પાકિસ્તાને વિદેશની ભૂમિ પરની તેમની અનુક્રમે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સામેની શ્રેણી રમી તે સાથે જ પાકિસ્તાનના ક્રિકેટરોએ પોત પ્રકાશ્યું.
માની લો કે મેચ ફિક્સિંગ સર્વવ્યાપક હશે તો પણ ભારત કોઈ પ્રવાસ ખેડે કે ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા રમે ત્યારે તે બહાર નથી આવતું તે પણ હકીકત છે. બાકી એશિઝમાં તો કેવી સ્પર્ધા હોય છે. પણ જેવું પાકિસ્તાન કોઈ શ્રેણી કે ટુર્નામેન્ટ રમશે એટલે બોલ જોડે ચેડા, અમ્પાયરો પરની ખોટી રીતના દબાણ સર્જતી અપીલ અને મેચ ફિક્સિંગ જેવી ઘટનાઓ ક્રિકેટ વિશ્વમાં હલચલ મચાવવા માંડશે.
પાકિસ્તાન, લલીત મોદી અને તેના પડદા પાછળના ગોડ ફાધર મનાતા પવારે ક્રિકેટને એ હદે ભ્રષ્ટ બનાવી દીઘું છે કે બીજા ૧૫-૨૦ વર્ષ પછી ક્રિકેટ કદાચ તેનો આગવો દબદબો, લોકપ્રિયતા જ ગુમાવી બેઠું હશે. અત્યારે તેને પ્રસારણ માઘ્યમો જ જીવાડે છે બાકી વર્ષો પહેલાની પેઢીને ક્રિકેટ પ્રત્યે જે ક્રેઝ અને સમગ્ર મેચના સમયગાળા માટે દેશને માનવ કલાકો વેડફાઈ જાય છે તેવી ચિંતા હતી તેવું હવે જોવા નથી મળતું. અગાઉ તો ઓફિસોમાં, રસ્તા, બજારોમાં પાંખી હાજરી જોવા મળતી હતી. હવે પ્રત્યેક બોલ ટેસ્ટ મેચ કે વન-ડે નિહાળતા હોય તેવા ચાહકોની જુજ ટકાવારી છે. રજા કે સાંજ પછી પણ ચાહકો ઘરની બહારના તેમના કાર્યક્રમો યથાવત રાખે છે. બહુ તો અમુક આખરી ઓવરો જોઈ લે મોબાઈલ અને નેટ પર પણ સ્કોર જાણી લેવાય છે. અગાઉની જેમ ક્રિકેટ રમાતું હોય ત્યારે બઘુ જાણે થંભી જતું હતું.
ટ્વેન્ટી-૨૦ ક્રિકેટ પણ બહુ ઝડપથી તેનો જાદુ ગુમાવી દેશે. તમે જ વિચારો ટેસ્ટ ક્રિકેટરની જેમ ટ્વેન્ટી-૨૦ કે કોઈપણ ફોરમેટ બીજા ૧૦૦ વર્ષ તો શું ૧૫-૨૦ વર્ષ પણ જીવી શકશે? અતિરેક સાથે રમાતુ ક્રિકેટ અને મેચ ફિક્સિંગ તો તેના પતન માટે જવાબદાર છે જ. ભારતની ટીન એજરો અને યુવા પેઢીને શિક્ષણ ઉચ્ચ અભ્યાસ અને કારકિર્દીના ઘ્યેય હવે પહેલેથી જ હોય છે. અગાઉના જમાનામાં બાળકો અને યુવાનોને કારકિર્દી, ઘડતર, શિક્ષણ, અવનવી તકો કે વૈશ્વિક પાંખો નહોતી. ગ્રેજ્યુએટ થવાનું અને ગામમાં જ નોકરી લઈ લેવાની રહેતી. મનોરંજનના કે વર્તમાન ઉપકરણો જેવા વિકલ્પો પણ નહોતા. ટેસ્ટ ક્રિકેટ પછી વખત જતા વન-ડે ક્રિકેટના સાત કલાક પણ પોસાય તેમ નથી. વાલીઓ પણ નોકરી, ધંધામાં ગળાડૂબ હોઈ ઘેર ક્રિકેટની વાતો, સામાયિકો કે સતત રેડિયો-ટીવી દ્વારા સહકુટુંબ ગળાડુબ નથી રહી શકતું. અગાઉ ઘરમાં પણ અને સામાજિક મેળાવડામાં ક્રિકેટ કલ્ચર જોવા મળતું હતું.
ફૂટબોલ, ટેનિસ, કાર રેસિંગ, ગોલ્ફ, બાસ્કેટબોલ જેવી રમતો મેટ્રોમાં વઘુ આકર્ષણ જમાવતી રહી છે. બાકી હતું તે વીડિયો ગેમ્સ પ્લે સ્ટેશનની વર્ચ્યુલ અને સ્ક્રીન દુનિયાએ પૂરૂ કર્યું. સવા અબજની વસ્તી અને વિશ્વમાં સૌથી વઘુ મઘ્યમ વર્ગના ગ્રાહકો ધરાવતા ભારત દેશને કારણે જ વિશ્વમાં ક્રિકેટની રમત જીવતી રહી છે તેમ જરા પણ અતિશ્યોકિત વગર કહી શકાય.
ક્રિકેટ આમ જોવા જઈએ તો સત્તાવાર રીતે સૌથી ઓછા દેશો રમતા હોય તેવી રમત છે. ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ એમ ચાર દેશો તો એશિયાના છે. ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઇન્ડિઝ, સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ બીજા પાંચ દેશોની ટીમ છે. ઝિમ્બાબ્વે અને બાંગ્લાદેશનું વજન તો નગણ્ય છે. આમ છતાં કહેવાય વર્લ્ડકપ કે કોઈ ટીમ વર્લ્ડ ચેમ્પિયન કે વર્લ્ડ નંબર વન !
છેલ્લાં ૧૦૦થી વઘુ વર્ષોના પ્રયત્ન બાદ આઇસીસી માત્ર બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વેના ક્રિકેટને સત્તાવાર દરજ્જા સુધી પ્રચાર-પ્રસાર કરવામાં સફળ થયું છે અને તેઓની તાકાત અને પ્રતિભા કેવી છે તે આપણે જાણીએ છીએ.
અમેરિકા, કેનેડા, ફ્રાંસ, જર્મની, હોલેન્ડ, ચીન, બંને કોરિયા, અખાતી દેશો ઇઝરાયેલ, સ્વીત્ઝર્લેન્ડ, ઈટાલી, રશિયા, અન્ય આફ્રિકી દેશો સહિતના ૧૫૦૦થી વઘુ દેશોને ક્રિકેટનો એકડો ધૂંટવામાં પણ દિલચશ્પી નથી છતાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ જેવા તગડા નામ ધરાવતી સંસ્થા ક્રિકેટનું સંચાલન કરે છે.
ક્રિકેટ જે આઠેક દેશોમાં લોકપ્રિય રહ્યું છે તેનું કારણ છેલ્લા દાયકાઓમાં જે તે દેશોએ આપેલા મહાન, અને ‘કલાસ’ અને જોવાલાયક રમત રમતા ખેલાડીઓને આભારી છે. ક્રિકેટ વિશ્વમાં આગામી વર્ષોમાં તેંડુલકર, દ્રવિડ, લક્ષ્મણ, પોન્ટીંગ, કાલિસ કે બીજા ચાર-છ ખેલાડીઓ નહીં રમતા હોય ત્યારે જે હદે નવી પેઢીમાં સ્ટાર ખેલાડીઓની અછત જોવા મળે છે તે જોતા આપણે કોની રમતથી આકર્ષાઈશું ? ઓસ્ટ્રેલિયાના ક્રિકેટમાં હેડન, વો બંઘુ, વોર્ન, મેકગ્રા, ગિલકિસ્ટ પછી પ્રેક્ષકો અને દર્શકોમાં ૨૫ ટકાનો ઘટાડો થયો છે. તેવું જ અન્ય દેશો તેમના ખેલાડીઓ નિવૃત્ત થતા જશે તેમ અનુભવશે. યુવરાજ, રૈના, રોહિત શર્મા કે કોહલી કે પછી ઉદાહરણ તરીકે ઓસ્ટ્રેલિયાના નોર્થ, હ્યુજીસ, કલાર્ક ભલે રનના ઢગલા ખડકે પણ તેઓનું સ્તર પ્રેક્ષકોને ખેંચી લાવનારૂ કે ક્રિકેટની લોકપ્રિયતા વધારે તેવું તો નથી જ. આવું જ બોલરો અને તમામ ટીમોના સંદર્ભમાં સ્તર છે.
ક્રિકેટ રમતા વર્તમાન દેશોની નવી પેઢીને ક્રિકેટ રમવામાં રસ નથી. જેઓને છે તેઓ આઇપીએલ જેવા ફોરમેટ થકી કમાણી થાય તે જ રીતે તેમની રમતનું ઘડતર કરવા માંડ્યા છે. પાકિસ્તાનનું ક્રિકેટ અંદરોઅંદરના ઝઘડા, મેચ ફિક્સિંગ અને આતંકવાદના પ્રભાવ હેઠળ જ ખતમ થઈ ગયું છે. વેસ્ટ ઈંડિઝની નવી પેઢી અમેરિકામાં સ્થાયી થવાનું પસંદ કરે છે. તેઓ બાસ્કેટ બોલ, એથ્લેટિ્કસ અને મ્યુઝિક ક્ષેત્રે રૂચિ લે છે. ભારતની જેમ શ્રીલંકામાં પણ હવે પછીના ખેલાડીઓનું ઘડતર ઘણું જ સામાન્ય છે.
ક્રિકેટની આવી કટોકટીભરી સ્થિતિને મરણતોલ ફટકો મેચ ફિક્સિંગે લગાવ્યો છે.
કોઈ ખેલાડી આઉટ થાય કે આઉટ ના થાય આ બંને સ્થિતિ મેચ ફિક્સિંગના શંકાના દાયરા હેઠળ જોવાશે. અગાઉ મેચના પરિણામ પર જ શક જતો હતો હવે ટોસ, નો બોલ, કે મિસફિલ્ડને પણ ફિક્સિંગની જેમ જોવાશે. ચાહકોને છેતરાયાની લાગણી થશે. પ્રત્યેક ખેલાડીને રાજદ્રોહી તરીકે જોવામાં આવશે.
ઈંગ્લેન્ડના એન્ટી કરપ્શન કમિટિના વડા પેરીની આગાહી સાચી ઠરી છે. પાકિસ્તાનના બટ, આમીર, આશિફ, સ્પોટ ફિક્સિંગના આરોપ હેઠળ પકડાયા ત્યારે જ તેણે કહ્યું હતું કે ‘‘ખેલાડીઓ તો ઠીક, કેમેરામાં પાઉન્ડની થપ્પીઓ સાથે પકડાયેલા બુકી મઝહર માજીદ સામે પણ ચાર્જ ફ્રેમ થઈ શકે તેમ નથી. ઊલટુ, તેઓ મુક્ત થઈ જશે પછી બુકીઓ અને ખેલાડીઓના હાથ કાયદાની સામે વઘુ મજબૂત બનશે.’’
હવે તો મેચ ફિક્સિંગને સાબીત કરવું ઘણું જ કઠીન બનતું જશે. કેમકે નામીચા બુકીઓની જગાએ આ કામ ખેલાડીઓને જાહેર ખબર માટે કે બ્રાન્ડ એમ્બેસેડરના કરાર મેળવી આપતા તેના અંગત એજન્ટ કરી આપે છે. તેવી જ રીતે દેશ તરફથી ક્રિકેટ રમતા હોય ત્યારે આઇપીએલની તેમની ફ્રેન્ચાઈઝી કે તેના બોસ અમુક રીતે રમવાનું કહી શકે.
ખેલાડીને તેના કરાર ટકાવી રાખવાનું ‘‘ઓબ્લીગેશન’’ અને પ્રલોભન પણ હોય છે. ફ્રેન્ચાઈઝીઓએ કરોડો રૂપિયા આ જ રીતે સરભર કરવા પડશે.
પાકિસ્તાનના શંકાસ્પદ આસિફની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ વીણા મલિકે ચોંકાવનારો આક્ષેપ કરતા એમ જણાવ્યું છે કે પાકિસ્તાનના ક્રિકેટરો જ નહીં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ઓફિસિયલો ફિક્સિંગમાં સંડોવાયા છે. વીણા મલીકના આરોપ સત્યથી ઘણા નજીક હોઈ શકે છે. અતિરેકભર્યા ક્રિકેટમાં હવે ચાહકો પણ હાર કે જીતને બહુ ગંભીરતાથી લેતા નથી. ઉપરાછાપરી રમાતા ક્રિકેટ હેઠળ કલંકિત પરાજ્ય બે-ચાર દિવસના હોબાળા બાદ ભુલાઈ જવાય છે. તે પછી વિજય મળતા જ ફરી ઉજવણીનો માહોલ ફરી વળે છે. આવા સંજોગોમાં બંને દેશોના બોર્ડે જ ભવિષ્યમાં અંદરોઅંદર ક્રિકેટરો સાથે મળીને નક્કી કરી શકે કે કઇ મેચ જીતવી કે હારવી. આઇપીએલમાં તો આવી પુરી શક્યતા છે કેમકે ફ્રેન્ચાઈઝીઓને તેમનું રોકાણ અને ખેલાડીઓ પાછળના કરારની જંગી રકમની રીકવરી કરવાની હોય છે. લલીત મોદી પર આ જ પ્રકારના આરોપ છે. તેણે ખરીદેલા રૂા. ૮૦ કરોડના પ્રાઈવેટ જેટની રકમ ક્યાંથી આવી તેની ઇન્કમટેક્ષ વિભાગ તપાસ કરી રહી છે. આઇસીસીએ લોર્ડઝ, લંડનથી ખસેડીને તેનું હેડકર્વાટર પણ દુબઈ જેવા હવાલા અને અંધારી આલમના ફેવરીટ મનાતા સ્થળે શિફટ કર્યું છે. દુબઈ તો ઠીક એક પણ આરબ દેશ સત્તાવાર ક્રિકેટ નથી રમતો.
માની લો કે, ક્રિકેટ પ્રમાણિકતાથી રમાય તો પણ હવે ચાહકોને ક્રિકેટરો કે આયોજકોમાં વિશ્વાસ નથી. જેવી રીતે ડબલ્યુ ડબલ્યુ એફના પહેલવાનોની કુસ્તી ફિલ્મની ફાઈટિંગની જેમ કેમેરા સામે લડાતુ નાટક છે તેમ ખબર હોવા છતાં પણ દર્શકોનો એક નિશ્ચિત વર્ગ તેને જુએ જ છે. ક્રિકેટમાં પણ તેવું જ થતું જશે. કરોડો રૂપિયાનું ટર્નઓવર અને ધંધો તેનું ચાલકબળ છે. મીડિયા, કોર્પોરેટજગત, સેલિબ્રિટીઓ, રાજકારણીઓ, ક્રિકેટ બોર્ડસ, રમત અને મનોરંજન સાથે સીધી કે આડકતરી રીતે સંકળાયેલી તમામ પાર્ટીઓ, સ્પોર્ટ્સ ગૂગ્ઝ કિટ્સ, ગ્રાહકલક્ષી પ્રોડક્ટસ બધાને ક્રિકેટ અને ક્રિકેટરના રોલ મોડેલની જરૂર રહેવાની. આમ છતાં આ રીતે કૃત્રિમ હવાથી ભરેલો ફુગ્ગો ક્યાં સુધી સંગીનના સાથે ઉડતો રહેશે તે એક પ્રશ્નાર્થ છે.
ફૂટબોલ, બાસ્કેટ બોલ, ટેનિસ, ગોલ્ફ વગેરે રમતોની તુલનામાં ક્રિકેટની રમત એવી છે કે તેમાં તમે સૌથી વઘુ આસાનીથી ફિક્સિંગ કરી શકો. ખેલાડીઓને સામેલ કર્યા વગર પણ શરતો લગાવવાની અસંખ્ય તકો તેમાં મળે છે. બુકીઓ, અંધારીઆલમના સુત્રધારો એશિયામાં કે એશિયાઈ મૂળના છે. એશિયામાં સૌથી વઘુ જોવાતી રમત ક્રિકેટ છે. તેના ચાહકોનો આંક અમેરિકા, યુરોપની કોઈ પણ રમતોના આંક કરતા વઘુ છે.
છેલ્લે.. કંઈ નહીં તો ક્રિકેટ ચાહકોની જગાએ બુકીઓ અને સટોડિયાઓને ધંધો કરવા દેવા માટે પણ આયોજકો જારી રાખશે. અંદરોઅંદર લેતી દેતી કરશે.
આગામી દાયકામાં ક્રિકેટનું અસ્તિત્ત્વ કયા સ્વરૂપે હશે તે જોવું રસપ્રદ નીવડશે.

 

Share |
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય સુપર-મ્યુટન્ટ જેવાં સૈનિકો સર્જવામાં સફળ થશે ?''
હિરોશીમા- નાગાસાકીની પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઘટના ૬૪ વર્ષે પણ ભૂલાતી નથી
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
 
 

Gujarat Samachar Plus

૬૦ લાખની વસ્તી વચ્ચે માત્ર ૧૬ પ્લે ગ્રાઉન્ડ
અસ્સલ ટ્રેડિશનલ ડ્રેસ કોને કહેવાય?
બે કિલોમિટરે બોલી બદલતું શહેર
ઓલટાઇમ ફેવરિટ શેક્સપિઅર અને ટાગોર
   
 
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved