ગુજરાતીમાં કહેવત છે કે ‘પારકે ભાણે મોટો લાડુ’ પણ, નવી પેઢીને લાડુ સાથે ખાસ કંઈ લેવા-દેવા નથી એટલે આ કહેવતને બીજી રીતે કહેવી પડે ‘ટી.વી અને પત્ની બીજાના વઘુ સારા’ (આમાં મેં બીજાનો પતિ એમ કેમ નથી કહ્યું ?! પતિઓ વત્તે-ઓછે બધા જ સરખા હોય છે એટલે ?!!!) આ કહેવતના મૂળમાં હંમેશાં પોતાના કરતાં અન્યની વસ્તુ વધારે સારી લાગવાની માનવ સ્વભાવની નબળાઈ રહેલી છે. આ કહેવત આજે યાદ આવવાનું એક કારણ છે. હમણાં એક ગુ્રપમાં સ્ત્રી-પુરૂષો વચ્ચે ચકમક ઝરી, ભાઈઓ એમ કહેતા હતાં કે બહેનોને ‘જલસા’ છે અને બહેનો ઉગ્ર વિરોધ કરતી હતી કે પુરૂષો ને ‘મઝા’ છે. હું આ ચર્ચા સાંભળતા સાંભળતા વિચારે ચઢી ગયો કે વાત રસપ્રદ છે. વ્યવહારમાં મોટા ભાગના પુરૂષો એમ માને છે કે સ્ત્રીઓને ‘જલસા’ છે અને મોટા ભાગની સ્ત્રીઓને એમ થાય છે કે પુરૂષો જેવી મઝા પોતાને નથી. અને મને આ કહેવત યાદ આવી. સાથે સાથે જે વિચારોની હારમાળા રચાઈ તે અહીં ટપકાવી છે.
પુરૂષ પ્રધાન સમાજમાં સ્ત્રીઓને એમ લાગે કે પુરૂષો જેવા ‘જલસા’ સ્ત્રીઓને નસીબ નથી તો એ સ્વાભાવિક વાત છે, પરંતુ જે પુરૂષોને એમ થાય છે કે સ્ત્રીઓને ‘જલસા’ છે તેમના માટે મારી પાસે એક રમૂજ કરાવે તેવી વાત છે. એક પુરૂષને એકવાર થયું કે મારા ભાગે આખો દિવસ કામ કરવાનું અને કમાવાનું આવ્યું છે અને મારી પત્નીને કેવા જલસા છે. આખો દિવસ ઘરમાં રહેવાનું, ના નોકરીની ફિકર, ના કમાવાની ચિંતા. એણે ભગવાનને પ્રાર્થના કરી કે હે, ભગવાન થોડા દિવસ માટે મને સ્ત્રી (પત્ની) બનાવી દે અને મારી પત્નીને પુરૂષ (પતિ), જેથી એને પણ ખબર પડે કે નોકરી કોને કહેવાય ? કમાવાની ચિંતા કોને કહેવાય ?! ભગવાને ‘તથાસ્તુ’ કહી દીઘું અને પતિ પત્નીમાં પલટાઈ ગયો. રોજ સવારે પોતાની પત્ની ચા મુકીને ઉઠાડતી એની જગ્યાએ પત્નીમાં પલટાતા જ એની સવાર સૌથી વહેલી પડી. સવાર પડતા જ રસોડામાં એણે દોટ મુકી પોતાના પતિ માટે ચા બનાવી અને પછી એને ઉઠાડ્યો. પોતે એની સાથે ચા પીધી ના પીધી ત્યાં તો પતિ અને બાળકો માટે નાસ્તો બનાવવા મંડી પડ્યો. સાથે સાથે છોકરાઓને ઉઠાડ્યા, નહાવા ધકેલ્યા, તૈયાર કર્યા બ્રેકફાસ્ટ કરાવ્યો, લંચ બોક્સ ભર્યા અને તેમને લઈને શાળાએ મૂકવા... પાછા આવીને હજી હાશ બોલે તેની સાથે જ લોન્ડ્રી, રસોઈ, સાફસૂફી અને ઝાપટ ઝુપટ ! આટલું પત્યુ, ના પત્યું ત્યાં ઠીકઠાક થઈ બેંક, નાની - મોટી રોજીંદી ચીજવસ્તુઓની ખરીદીએ નીકળવું પડ્યું. લો, એટલામાં તો બાળકોને શાળાએથી પાછા ફરવાનો સમય થઈ ગયો. એને શાળાએથી લઈ આવીને પછી એની પાછળ લાગી ગયો બાળકનું ‘હોમવર્ક’ પતાવડાવીને એને રમવા મોકલી તે ઈસ્ત્રી કરવા બેઠો. સાંજ પડતાની સાથે જ ડીનરની તૈયારી શરૂ કરી. સવારના પહેરવાના કપડા વાળતા વાળતા ડોરબેલ વાગી અને પતિદેવ હાજર. એમની નાની મોટી સરભરા પતાવી ડીનર પતાવ્યું, રસોડું ચોખ્ખું કરીને, બાળકને સૂવડાવવાની મથામણ....દિવસ ક્યાં પતી ગયો તે વિચારવાની ફુરસદ મળે તે પહેલા તો બેડરૂમમાં !! પેલો તો એક જ દિવસમાં ત્રાહિમામ થઈ ગયો. બીજા દિવસે સવારના પહોરમાં જ ભગવાન સામે હાથ જોડીને ઉભો રહી ગયો કે પ્રભુ પત્ની બનીને જોઈ લીઘું. આ બઘુ મારાથી નહિં થાય મને તો પાછો પુરૂષ જ બનાવી દે. ભગવાન થોડા ગંભીર બની ગયા ‘‘વત્સ, તારી ઈચ્છા પ્રમાણે હું તને પાછો પુરૂષ બનાવી દેવા તૈયાર છું પરંતુ તારે નવ મહિનાની રાહ જોવી પડશે કારણ કે ગઈકાલે રાત્રે જ તારા પેટમાં ગર્ભ રહી ગયો છે અને તું ‘‘પ્રેગ્નન્ટ’ છું !!’’ સ્ત્રીઓનું મન આ વાંચીને ‘‘યસ, યસ, યસ....’’ કહીને રોમાંચિત થઈ જશે કે હવે નવ મહિનામાં ખબર પડી જશે કે સ્ત્રીઓને કેવા જલસા છે.
તો માત્ર રમૂજ પૂરતી વાત છે બાકી ભગવાન આવી ને બધાને પૂછી જાય કે બોલો આવતા જન્મે શું બનવું છે પુરૂષ કે સ્ત્રી ?!! મોટાભાગના વિચારવાની એક પણ પળ ગુમાવ્યા વગર કહી દે પુરૂષ ! વિજ્ઞાનના વિવિધ પરિમાણની દ્રષ્ટિએ સ્ત્રી એ કુદરતની વઘુ સંપૂર્ણ રચના હોવા છતાં પુરૂષ બનવા માટેનું ગાંડપણ, પુરૂષપ્રધાન સમાજની આપણા માનસ ઉપરની જબરદસ્ત પકડની ચાડી ખાય છે. આજકાલ તો ઘણી સ્ત્રીઓ ભગવાન આવી પસંદગી આપે કે ન આપે, આપણે પુરૂષ જેવા બનવાનું શરૂ કરી દો એ વિચારે તેમના હાવ-ભાવ, વાણી-વર્તનમાં ફેરફાર લાવી ચૂકી છે. બાહ્ય જીવન માટે ઠીક છે પરંતુ પોતાના કુદરતી સ્ત્રૈણ વલણ સાથે સતત સંઘર્ષ અને સમાધાન કરતા રહીને અંદરથી તે કેટલી ખુશ છે એ તો તે જાણે ! બીજી બાજુ આવી સ્ત્રીઓથી તદ્દન વિરૂદ્ધ પ્રકારની સ્ત્રીઓ પણ છે. તેમને પુરૂષ સમોવડી તો શું, કશું જ નથી બનવું ! જે છે એ બઘું બરાબર જ છે, રોજીંદા કામ પરવારીને ટી.વી. સામે ગોઠવાઈ જાવ. ટીવી શીખવાડે તે પ્રકારની ખરીદી, જીવનશૈલી વગેરે જીવનમાં ઉતારતા જાવ અને એ પાત્રોની જેમ જીવવાની કલ્પનામાં રાચતા રહો !
સ્ત્રી કે પુરૂષ બન્ને પોતપોતાની રીતે કુદરતની શ્રેષ્ઠ રચનાઓ છે. તમે પુરૂષ છો કે સ્ત્રી એ મહત્ત્વનું નથી, મહત્ત્વનું એ છે કે તમે તમારી લાક્ષણિકતાઓનો કેવો વિકાસ કરી શકો છો, એને કેટલી અસરકારક અભિવ્યક્તિ આપી શકો છો. પુરૂષ છો તો પુરૂષને છાજે તેવું વર્તન કરો નહિં કે પુરૂષપ્રધાન સમાજ અને શારીરિક તાકાતનો લાભ લઈ સ્ત્રીઓનું શોષણ કરો. સ્ત્રી છો તો સ્ત્રીને શોભાવે તેવું વર્તન કરો નહિં કે શરીર અને લાગણીઓની મોહક જાળ ફેલાવીને પુરૂષોને ગુમરાહ કરો. જે સંબંધમાં સ્ત્રી અને પુરૂષ પોતપોતાની નૈસર્ગિક અભિવ્યક્તિને વાચા આપી શકે તે કદાચ ઉત્તમ વિજાતીય સંબંધ ગણાશે. બાકી, આવા સંબંધોમાં આકર્ષણ, પ્રેમ, જાતીયતા વગેરે તો માત્ર આડપેદાશ જ છે !!
પૂર્ણવિરામઃ
સ્ત્રી જેટલા પગલા ઘરમાં ચાલે છે તેટલા પગલા પુરૂષ એની સાથે ચાલે અને પુરૂષ જેટલા દબાણ હેઠળ પૈસા કમાવા સંઘર્ષ કરે છે તેટલા દબાણ હેઠળ સ્ત્રી સંઘર્ષ કરે તો બંન્નેને ખબર પડી જાય કે એકબીજાને કેટલા ‘‘જલસા’’ છે.
|