|
નવા જમાનામાં ખાટા, તીખા, તળેલા અને વાસી ખોરાકની વપરાશ વધી, વાઈનની વપરાશ ફેશન બની. આપણાથી વધારે સુખી માણસોનો વાદ કરવાનું વઘ્યું, ચિંતા અને ગુસ્સો વઘ્યો વિ. માનસિક વેગો વધવાથી પિત્ત વધે છે અને અલ્સર જેવા રોગો ઉત્પન્ન કરે છે. અલ્સર એટલે ચાંદુ. શરીરના ઘણાં અંગોમાં આ રોગ થાય છે. સ્ટમક અલ્સર, કોલનનું અલ્સર, ડ્યુઓડીનલ અલ્સરના દર્દીઓનું પ્રમાણ વધારે હોવાથી, આ નામો જાણીતાં છે. આપણે આજે ડ્યુઓડીનલ અલ્સર વિશે વિચારશું.
હોજરી ઉપર અન્નનળી સાથે અને નીચે નાના આંતરડા સાથે જોડાયેલી હોય છે. આંતરડાના શરૂઆતના આઠ આંગળ ભાગને ગ્રહણી (ડ્યુઓડીનલ) કહે છે. હોજરી સાથે જોડાયેલા નાના આંતરડાની શરૂઆતનાં ભાગમાં થતાં ચાંદાને ડ્યુઓડીનલ અલ્સર કહે છે. આયુર્વેદનાં પરિણામ શૂલ સાથે સરખાવી શકાય. આ શૂલ ખોરાક લીધા પછી બેથી ત્રણ કલાકે ઉપડે છે. હોજરી ખોરાક વિનાની ખાલી પડી હોય તો હોજરીની જમણી બાજુમાં શૂલ ઉપડે છે. પિત્તશામક ખાવાથી શૂલ સમે છે. આને હંગર પેઈન કહે છે. એક સર્વે મુજબ કુલ દર્દીઓના ચાર ટકા દર્દીઓ અલ્સરનાં હોય છે. હોજરી કરતાં ગ્રહણીના દર્દીઓ વિશેષ હોય છે. પિત્તવર્ધક આહાર અને ક્રોધાદિ માનસિક વેગોથી હોજરીમાં એસિડ, પેપ્સીન અને વાયુ વધે છે. હોજરીના આ પાચકરસોની તીવ્રતાથી હોજરી અને ગ્રહણીમાં અસ્લર ઉત્પન્ન થાય છે એટલે આ અલ્સરને પેપ્ટીક અલ્સર પણ કહે છે. તીવ્ર એસિડીટીની યોગ્ય ચિકિત્સા નહીં કરાવથી અને ખાટા તીખા, પિત્તવર્ધક પદાર્થો ખાવાનું ચાલુ રાખવાથી આ અલ્સરનું પેઈન તીવ્ર બને છે. દાંતના જૂના રોગોથી, ગળાનાં જુના સોજાથી અને નાકની જૂની શરદીનો ચેપ પેટમાં જાય તો અલ્સર થઈ શકે છે. એસ્પીરીન, કેફેન, આઈબુ્રફેન સોમલ, એન્ટીબાયોટિક વગેરે તીવ્ર ઔષધો મોટા ડોઝમાં કે લાંબો સમય લેવાથી આ વ્યાધિ થઈ શકે છે. આ શૂલ રાત્રે બાર વાગ્યાની આસપાસ તીવ્ર બને છે. એક અભિપ્રાય એવો છે કેર્ ં (ઓ) બ્લડગૃપવાળી વ્યક્તિને અલ્સર થવાની શક્યતા રહે છે.
આ શૂલમાં શરીરની મઘ્યરેખાથી જમણી તરફ પેટમાં દુઃખે છે. મોઢામાં પ્રવાહી આવ્યા કરે છે, પરેજી નહીં પાળવાથી, ચિકિત્સામાં ઘ્યાન નહીં આપવાથી અલ્સરમાંથી રક્તસ્ત્રાવ થાય છે. આ રક્ત મળ મારફત બહાર આવે છે. અલ્સર ઔષધ ઔષધ સાઘ્ય હોય તો આયુર્વેદનાં ઔષધો સારૂ કામ કરે છે.
આ વ્યાધિની ચિકિત્સામાં પથ્યનું ખૂબ જ મહત્ત્વ છે. ઉષ્ણ, તીક્ષ્ણ, તીખો, ખાટો આહાર બંધ કરવો. ઉગ્ર સ્વભાવવાળી વ્યક્તિને આ રોગ થવાની સંભાવના વિશેષ રહે છે એટલે ગુસ્સા પર કાબુ મેળવવો. આરામ કરવો. આંતરડા તરફ આવેલ આમાશય દ્વારમાં સોજો આવવાથી કે સ્પાજમ થવાથી તીવ્ર શૂલ ઉપડે છે. આ શૂલ ઉલટી થવાથી શાંત થાય છે. શતાવરીમંડૂર, સુવર્ણસુતશેખર, પ્રવાલપંચામૃત યોગ્ય માત્રામાં મેળવી શતાવરીઘૃત સાથે લેવું. સવાર સાંજ નિયમિત લેવું. ભૂનિમ્બાદિ કવાથ સવાર સાંજ લેવો. શૂલવજ્રિણીવટી જમ્યા પછી લેવી. દર બે કલાકે ૨ ઔંસ દૂધ લેવું. આ ઉપરાંત ચંદ્રકલારસ, પ્રવાલપિષ્ટિ, સપ્તામૃતલોહ વિ.માંથી એક બે પસંદ કરી શરૂ કરવા. આ વ્યાધિમાં ચા કોફી તમાકુ અને વાઈન લેવાથી શૂલ ઉપડે છે. ઘૃમ્રપાનથી પણ વધે છે. તીવ્ર ગુસ્સાથી છાતીમાં દાહ શૂલ વધે છે. રક્તસ્ત્રાવ થાય, છાતીમાં દાહ થાય અને તીવ્ર શૂલ ઉપડે તો સંપૂર્ણ આરામ કરવો જોઈે. રક્તસ્ત્રાવ બધ થતો હોય નહીં તો તાત્કાલિક નિષ્ણાંતની સલાહ લેવી કે હોસ્પિટલમાં દાખલ થવું. સમય બગાડવો નહીં. તીવ્ર અવસ્થામાં આહાર બંધ કરવો. દર બે કલાકે ૨ ઔંસ દૂધ લેવું. દિવસમાં ત્રણ વખત શતાવરીઘૃત એક ચમચી લેવું. અર્ધા ઇંચથી નાનું અલ્સર હોય તો ઔષધ, આરામ અને પથ્ય આહારથી મટી શકે છે. અર્ધા ઇંચથી વધારે હોય તો ઓપરેશન જરૂરી બને છે. ઔષધ ચિકિત્સાથી નાના અલ્સરનાં દર્દીઓ સારા થયાનાં ઘણા દાખલા છે. આપણી બેદરાકરીથી આ રોગ આગળ વધે છે. આ વ્યાધિમાં ચિકિત્કસનું માર્ગદર્શન જરૂરી છે.
- શાંતિભાઈ અગ્રાવત
|