Last Update : 08-Sept.-2010, Wensday

આપણી પોતાની નદી અને પોતાનું ઘર... ચાલો આ શહેરમાંથી ભાગી છૂટીએ

શબ્દ સૂરને મેળે - રાજેશ વ્યાસ 'મિસ્કીન'



ચાલો આપણે ભેગા થઇને...
ચાલો, આપણે ૬૦ લાખ માણસો ભેગા થઇએ.
સશક્ત, નિર્બળ, ધનવાન, નિર્ધન, બાળક, વૃઘ્ધ, નર ને નારી બધાં જ,
સૌ કોઇ આ નગરને ખાલી કરી જઇએ;
છોડી દઇએ પાછળ આ ‘સ્ક્વેર ફીટ’નાં સરવાળા અને બાદબાકી
અને પીપળાને ઊગવા દઇશું મહાકાય મકાનોનાં ખંડિયેરોમાં.
મૂકી દઇએ પાછળ સોનારૂપાની માયા, ઝૂંપડાં અને ચીંથરાંની છાયા.
કટાઇ જવા દઇશું મોટર બસોના ઢગલાને કાટમાળ હેઠળ.
સૂમસામ રસ્તા પર ભલે પછી ફરકતી લાલ લીલી પીળી બત્તીઓ.
ભલે પછી ‘ફૉરેન ટૂરિસ્ટો’ આલીશાન હૉટેલમાં શોઘ્યા કરે
એક ભગ્ન શહેરના અવશેષો.
ચાલો, આપણે વીખરાઇ જઇએ
આ વિશાળ ધરતીના પટ ઉપર.
દરેકને લીલું લીલું ઘાસ આપવામાં આવશે આળોટવા માટે.
દરેકને ખુલ્લું આકાશ આપવામાં આવશે આંખોનાં સ્વપ્નો ભરવા માટે.
દરેકને એક નાનું ઘર આપવામાં આવશે-
પ્રેમની ઇંટોથી ચણવા માટે.
દરેકને એક નદી સાથે નાતો આપવામાં આવશે
જેના જળને હોઠ ઉપર મૂકી
અંતિમ સમયે ચેનથી નયન બીડી શકાશે.
- વિપિન પરીખ
મુંબઇ, કલકત્તા, દિલ્હી... નામ ગમે તે હોય મોટા શહેરોની ગીચતા, ભીડ છાતી ઉપર જાણે ધસમસતા હોય તેમ લાગે છે. ચોરસવારનું માપ સ્ક્વેરફૂટમાં અને કદાચ સ્ક્વેરઇંચમાં ચાલતું થઇ ગયું છે.
હવે શહેરોમાં પગ મૂકવા માટેય જગ્યા નથી અને છતાંય રોજ ટ્રેનોની ટ્રેનો ઠલવાયા જ કરે છે. તમે ધારેલા સમયે, ધારેલી જગ્યાએ પહોંચી જ ન શકો એટલો ટ્રાફીક કોઇ પણ સમયે કીડીયારાની જેમ ધસમસતો હોય છે. ટ્રેન, મોટર, રેસ્ટોરન્ટ, બગીચા, અરે સ્મશાનમાં પણ જાણે ચારેબાજુ ભીડ જ ભીડ. ભીડ અને ઘોંઘાટથી ભરેલા શહેરોની જીંદગીમાં હાથ પહોળા કરીને આળસ મરડી શકાય એટલી પણ જગ્યા નથી. આ શ્હેરનું શું થશે? આપણું શું થશે?
આ મુંબઇ છોડીને દેશમાં નિરાંતે રહેવા ચાલ્યા જવું છે એવું કહેતા મુંબઇગરાઓ ક્યારેય મુંબઇ છોડી શકતા જ નથી. આનો કોઇ વિકલ્પ ખરો કે નહીં? એક વિકલ્પ છે કે શ્હેર બધા છોડી દે. અને ચાલો આપણે બધા ૬૦ લાખ ભેગા થઇને આ નગરને ખાલી કરી દઇએ. આ ૬૦ લાખની વસ્તી તો કવિતા લખાઇ તે સમયની છે. દર વર્ષે તેમાં મીંડાઓ જ ચડતા જાય છે.
ડ્રોઇંગરૂમનાં ટી.વી.માં, ફિલ્મો અને સિરિયલોમાં બેસીને હવે કુદરતી દ્રશ્યો જોવાના હોય છે. વિશાળ આકાશ, વિશાળ મેદાન, સરસ મજાનું ઘર હોય, ઘરની આગળ આંગણું હોય, ઘર પાસેથી વહેતી ખળખળ નદી હોય આ બધી જ વાતો પરિકથા જેવી લાગે છે. પણ ના, શહેરનો મોહ છોડી દઇએ તો આ વિશાળ પૃથ્વી ઉપર હજુ જોઇએ એટલી જગ્યા છે, જ્યાં હરિયાળા મેદાનો હોય અને જ્યાં રાત્રે ર્ઁનર્નેૌહ વગરનું સ્વચ્છ આકાશ હોય. જે આકાશમાં આપણે આપણા સપનાઓ ભરી શકીએ. દરેકના ઘર પાસે એક એવી નદી હોય જે જીવનભર સાથે રહે અને અંતિમ સમયે તેનું જળ હોઠ ઉપર મૂકીને ખૂબ ચેનથી મૃત્યુ પામી શકીએ. આ ચેન એટલે એવું ચેન કે કહી શકાય કે હું કુદરતની સાથે શાંતિથી જેવું જીવવું જોઇએ એવું જીવન જીવીને મૃત્યુ પામી રહ્યો છું.
સ્ક્વેરફીટના સરવાળાઓમાં અને બાદબાકીઓમાં જીવતો આજનો શહેરનો માણસ શહેરથી થાકી ગયો છે. ગગનચુંબી ઉંચા બીલ્ડીંગો, ચારેબાજુ વિકસેલી ઝુંપડપટ્ટી અને પ્રાસ મેળવવા ખાતર નહીં ખરેખર તો શહેરના લોકો સોના-રૂપાની માયામાં અને ચિંથરાની છાયામાં જીવે છે. શહેરની જીંદગીથી, ભીડથી કવિ કંટાળી ગયા છે. આ કવિનો અવાજ મૂળમાં તો શહેરમાં શાંતિ અને કુદરતનો ખોળો ઝંખતા પ્રત્યેક માનવીનો અવાજ છે. આથી કવિ કહે છે કે ચાલો આ નગરને ખાલી કરી નાંખીએ, ભલે હવે આ મોટા બિલ્ડીંગો ખંડેરોમાં ફેરવાઇ જાય, એમાં પીપળા ઉગી જાય, આ ચારે તરફ દોડતી મોટરો આ શહેરમાં જ છોડીને ચાલો કંઇ ચાલ્યા જઇએ. ભલે એ બસોના કાટમાળ નીચે ભલે બઘું જ કટાઇ જાય. અને આવું બઘું થયાં પછી...
એક વિશાળ શહેર, એક વિશાળ મહાનગર એક ખંડેરમાં ફેરવાઇ જાય તો કેવું લાગશે? ફોરેન ટુરીસ્ટો પછી આ ભાંગેલા નગરના અવશેષો જોવા આવશે. હોટલોમાં ઉતરીને આ શહેરનો અભ્યાસ કરશે. પરંતુ હવે આ શહેર છોડી દઇએ. શહેરની ગીચતાથી કંટાળીને પોતાની નદી અને પોતાના ઘરની શોધમાં નીકળેલા કવિની આ કવિતા છે.
વિપિન પરીખની કવિતાઓ સીધીસાદી લાગે પરંતુ સાવ સોંસરુ દઝાડી જનારી છે. બીજી કવિતા એ સામાન્ય માણસ વિશેની છે. પણ આ દેશનો સામાન્ય માણસ એટલે કોણ અને કેવો? કવિએ સુંદર વાત કરી છે કે જે આ હિંદુસ્તાનનો સામાન્ય માણસ છે, આદર્શ નાગરિક છે એ ખરેખર તો કરોડરજ્જુ વિનાનો છે. ખરેખર સારો નાગરિક એટલે... સાવ કાયર, ડરપોક, ગરીબડો, કચડાયેલો અને છતાંય પોતાની જાતને પુષ્કળ સુખી માનનારો.
ખરેખર સામાન્ય માણસ એ તો બસકંડકટર, ટપાલી કે બેંકના ક્લાર્કને પણ સાહેબ કહી સલામ ભરનારો છે. ટ્રેનમાં રોજ ભીંસાઇને મુસાફરી કરવી એ તેની આદત બની ગઇ છે. સમયસર પૂરી ઈમાનદારીથી એક-એક પૈસો ટેક્સનો એ ભરી દે છે. ઈમ્પોર્ટેડ વસ્તુઓની ઈચ્છા ખરી પરંતુ કદાચ દેશી માલ વાપરવાનો જ આગ્રહ રાખે છે. સીધો-સાદો માણસ માત્ર પોલિસનો યુનિફોર્મ જોઇને પણ થથરતો હોય છે. કોઇ પણ ગુન્હા વગર પણ જો પોલિસચોકીએ જવાનું થાય તો એ ઘૂ્રજી ઊઠે છે, ગરીબગાય જેવો બની જાય છે. મિનિસ્ટરોના સપનાઓ ભરેલા ભાષણોને એ સાચા માનીને એ જોરથી તાલીઓ પણ પાડી લે છે. ચૂંટણી વખતે લોકપ્રિય નેતાઓ જયહિંદનો નારો બોલાવે અને એ હોંશેહોંશે બોલે છે. ખરેખર તો આ સામાન્ય માણસ સાવ કચડાયેલો છે અને કચડાયેલો જ જીવે છે.
કચડાયેલો સામાન્ય માણસ અનેક અને અપાર દુઃખો વચ્ચે પણ રોજ સવારે ઊઠે છે ત્યારે પોતાની જાતને સુખી માને છે અને હસતો-હસતો ઊઠે છે. પ્રત્યેક સવારે એ નવી આશા સાથે શરૂઆત કરે છે. કારણ કે તે બઘું ભૂલી જનારો હોય છે, તે બઘું ગળી જનારો હોય છે.
કવિએ એક સરસ વાત કરી છે અને તે એ છે કે સામાન્ય માણસ બઘું ભૂલી જતો હોય છે. જોકે પોલિટિશિયનો માને છે કે પ્રજાને યાદશક્તિ હોતી નથી. પણ ના. ખરેખર એવું નથી. જો આટલી હાડમારીઓ અને દુઃખો વચ્ચે જીવવું હોય ઘણું ભૂલી જવું જ પડે અને ઘણું ગળી જવું જ પડે.
આ કવિતા આપણે વાંચીએ છીએ અને સાથે-સાથે મનમાં આ કવિતાની સમાંતર આ કવિતામાં જે નથી કહેવાઇ એ પીડાની કવિતા પણ આપણા મનમાં વંચાતી જાય છે, દેખાતી જાય છે. અને એ વાત છે પેલા અસામાન્ય માણસોની. ડરી-ડરીને એકેએક પૈસો ટેક્ષનો ભરનારની પંક્તિ વાંચીએ છીએ ત્યારે કરોડો રૂપિયાની ટેક્ષ ચોરી કરીને બિન્દાસ ફરનાર ફ.ૈં.ઁ. ઓ વાળી વાત મનમાં પાછલા બારણાથી ડોકાઇ જાય છે. કવિતામાં જે કહેવાયું છે એને આધારે કેટલું બઘું ન કહેવાયેલું આપણને સમજાતું જાય છે, તે આ કવિતાની વિશેષતા છે.
સામાન્ય માણસ...
આ સામાન્ય માણસ
સાઠ કરોડમાંનો એક - હિન્દુસ્તાનનો,
કરોડરજ્જુ વિનાનો.
બસકંડકટરથી ઘૂ્રજનારો, ટ્રેનમાં ભીંસાનારો,
ટેક્સીડ્રાઈવરથી પણ હડઘૂત થનારો.
બેન્કના મામૂલી ક્લાર્કને સલામ ભરનારો.
એક એક પૈસો ટેક્સનો બ્હી બ્હીને સમયસર ભરનારો.
દેશી માલ જ વાપરવાનો આગ્રહ રાખનારો.
મકાનમાલિકાના પાઘડીના વળમાં ગૂંચવાયેલો.
પોલીસના યુનિફોર્મને દૂરથી જોઇ થરથરનારો.
ચોકી પર સંકોરાઇને ચૂપ રહેનારો, ગાયના જેવો-
ભોળો, મિનિસ્ટરોનાં લિસ્સાં લિસ્સાં ભાષણોને સાચ્ચાં માનનારો,
ને વળી તાળી પણ પાડનારો.
ચૂંટણી વખતે જોરજોરથી ‘જયહિન્દ’ બોલનારો.
બઘું ભૂલી જનારો, ગળી જનારો,
કચડાયેલો,
પણ રોજ સવારે કોણ જાણે શી રીતે
હસતો ઊઠનારો
હું પણ તેમાંનો જ-
એક.
- વિપિન પરીખ
(સહયોગ ઃ હર્ષ બ્રહ્મભટ્ટ)

Share |
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય સુપર-મ્યુટન્ટ જેવાં સૈનિકો સર્જવામાં સફળ થશે ?''
હિરોશીમા- નાગાસાકીની પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઘટના ૬૪ વર્ષે પણ ભૂલાતી નથી
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
 
 

Gujarat Samachar Plus

૬૦ લાખની વસ્તી વચ્ચે માત્ર ૧૬ પ્લે ગ્રાઉન્ડ
અસ્સલ ટ્રેડિશનલ ડ્રેસ કોને કહેવાય?
બે કિલોમિટરે બોલી બદલતું શહેર
ઓલટાઇમ ફેવરિટ શેક્સપિઅર અને ટાગોર
   
 
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved