Last Update : 08-Sept.-2010, Wensday
મઝહબ નહીં સીખાતા, નફસપરસ્તી બઢાના, ફિસલનભરી જિંદગીમેં જરા હોશકો સમ્હાલના
સંવેદનાના સૂર - નસીર ઇસમાઇલી


અમેરિકા- ન્યૂ જર્સીમાં આવેલા તમારા દીકરા કીર્તનના આલિશાન એપાર્ટમેન્ટની બહાર કમોસમી સ્નો-ફોલ થઈ રહ્યો હતો. બહાર નીકળવાનું શક્ય નહોતું એટલે તમે એપાર્ટમેન્ટના કાચો પર ફિસલીને વિવિધ આકૃતિઓ રચતા હિમકણોને નિહાળતા એક સ્થાનિક અખબારના પાનાં નિરૂદ્દેશ ઊથલાવી રહ્યા હતા રવિકાંત. ત્યાં અચાનક જ એ અખબારના પાને એક હિંદી નાટકની છપાયેલી એડવર્ટાઇઝ પર નજર પડતાં તમારી વયસ્ક આંખો એ નાટકના નામ પર થિજી ગઈ રવિકાંત અને હજી સુધી સ્માર્ટ રહી શકેલા તમારા ચહેરા પર થોડીક વઘુ શિકનો ઉતરી આવી. કેમ કે એ નાટકનું નામ હતું, ‘તુમ્હારી અમૃતા...’
... અમૃતા ! તમારી જિંદગીની ડાયરીનું એક એવું લીલુંછમ જવાન પાનું રવિકાંત, જેનાથી તમારા પત્ની- બાળકો તદ્દન અજાણ છે. અમૃતા એટલે ‘છાતીફાટ’ વસ્ત્રોમાંથી અમૃતના કુંવારા કળશ છલકાવતી, રૂપાળા રતુંબડા ચહેરા પરથી અને શરબતી આંખોમાંથી પ્યારભર્યો મલકાટ ઠાલવતી એક એવી ચુંબકીય ઘટના, જે તમારી પાંત્રીસી તેજ તર્રાર પણ પરિણીત યુવાનીની રાહમાં અનાયાસ ઘટી ગયેલી રવિકાંત. ત્યારે તમે એક સરકારી બેંકની અમદાવાદના ગીચ સીટી એરિયામાં આવેલી બ્રાંચના યુવાન તેજસ્વી અફસર હતાં, ને અમૃતા એ બ્રાંચની એક કાઉન્ટર-ક્લાર્ક, જેની સાથે તમારી આંખોનું અનાયાસ લવ-એન્કાઉન્ટર થઈ ગયેલું- તમારા ઘરમાં કરુણા જેવી જાજરમાન તેજ મિજાજ પત્ની તથા એક દીકરા- દીકરીનું અસ્તિત્ત્વ હોવા છતાંય.
પરિણીત હોવાના કારણે તમે અમૃતા સાથે બીજા લગ્ન તો કરી શકો તેમ હતું જ નહીં રવિકાંત એટલે તમારા અફસરી દિમાગે એક બીજો રસ્તો શોધી કાઢ્યો, જેમાં અમૃતાની પણ સંમતિ હતી. ધર્મ પરિવર્તન દ્વારા ઇસ્લામ અંગીકાર કરી અમૃતા સાથે શાદી કરવાનો સરળ ‘આસ્ફાલ્ટી’ રસ્તો. પણ એ રસ્તે કેવી રીતે જવાય એની તમને કોઈ માહિતી નહોતી રવિકાંત. એટલે એ રસ્તે તમને સરળતાપૂર્વક લઈ જાય એવું એક નામ તમે શોધી કાઢ્યું - યાસીનમિયાં મર્ચન્ટ!
સાઈઠમા વર્ષની સાંકળ ખખડાવી રહેલા વયસ્ક દાઢીધારી યાસીનમિયાં તમારી બ્રાંચના એક વેલ્યૂડ કસ્ટમર હતા. બ્રાંચની નજીક મેઇનરોડ પર એમની હાર્ડવેર્સ એન્ડ પેઇન્ટસની ઘુમ કમાતી મોટીમસ દુકાન હતી અને એમના સફેદી ભરેલા માથાના કપાળ વચ્ચેનો કાળો પ્રભાવી નમાઝી ટીક્કો એમની ચુસ્ત મઝહબપરસ્તીનો પુરાવો હતો. બજારમાં પણ એમની ઇમાનદારી અને વાયદાપરસ્તીની બહુ ઉંચી શાખ હતી.
યાસીનમિયાંને લગભગ રોજ એકાદવાર બેંકના કોઈને કોઈ કામ અંગે તમારી બ્રાંચમાં આવવાનું થતું, એટલે એમની સાથે દોસ્તાના તાલ્લૂક બનાવી લેવામાં તમને ખાસ તકલીફ નહીં પડેલી. અને એક સાંજે બેંકમાંથી છૂટીને તમે યાસીનભાઈની દુકાને પહોંચી ગયા રવિકાંત જ્યારે એ દુકાનમાંની પોતાની નાનકડી કેબિનમા હિસાબ- કિતાબ કરવામાં મશગુલ હતા. અને તમારા અમૃતા સાથેના ઍફેરની વાત કરી, તમારો અને અમૃતાનો ઇસ્લામ અંગીકાર કરી શાદી કરવાનો ઇરાદો યાસીનભાઈને જણાવી તમે એમાં એમની મદદ માંગી રવિકાંત.
બેંકમાં રોજ આવતા હોવાના કારણે યાસીનમિયાં અમૃતાને પણ ઓળખતા હતા. અને તમે એમને કહ્યું રવિકાંત,
‘‘જુઓ યાસીનભાઈ આ વાતની બેંકમાં કોઈને ખબર ન પડવી જોઈએ. ઇવન મારા પત્નીને ય આ વાતની જાણ અમારી શાદી પછી જ થશે.’’
‘‘લેકિન રવિ સર ! યે તો આપકી બીબી-બચ્ચોંકે સાથ એક કિસમકી ધોખેબાજી નહીં હોંગી ? ફિર ભી મૈં આપકી ‘મદદ’ તો કરૂંગા હી ! મુઝે દો-તીન દિનકી મોહલત દિજીયે. મેં કિસી આલિમ સે (ધર્મજ્ઞથી) ઇસ બારેમેં કુછ મશવરા (સલાહ) કર લૂં.’’
પણ પછી એ બે-ત્રણ દિવસમાં ઘણું બઘું બની ગયેલું રવિકાંત. તમારો અમદાવાદથી પોરબંદરનો ટ્રાન્સફર ઓર્ડર આવી ગયેલો, ને અમૃતાનો એના ઘર પાસેની પાલડી બ્રાંચનો. તમે આશ્ચર્યથી સન્ન થઈ ગયેલા રવિકાંત અને પછીથી તમને જાણ થયેલી કે યાસીનમિયાંએ જ દગાબાજી કરી અમૃતાના બાપને મળી આ વાતની જાણ કરેલી, ને એ બંનેએ તમારી બેંકના ઝોનલ મેનેજરને રૂબરૂ મળી તમારા ‘અમૃતા-પર્વ’માં વિક્ષેપ પાડ્યો હતો. અને તમે પોરબંદર જતા પહેલાં ગુસ્સાભેર યાસીનમિયાંને મળવા ગયેલા રવિકાંત. પણ યાસીનમિયાંએ ત્યારે ઠંડા કલેજે આંખ ફેરવીને વાત કરેલી,
‘‘દેખિયે સર ! ઇસ્લામ યા કોઈ ભી મઝહબકા અપની નફ્સ (વૃત્તિઓ) કો બઢાનેકે લિયે ઇસ્તેમાલ કરના બહોત બડા ગુનાહ હૈ. મૈને તો ઇસ કબીરા (મોટો ગુનો) સે આપકો બચાકર આપ કી ‘મદદ’ કી હૈ, ઔર આપકી ફેમિલી- લાઇફકો બરબાદ હોને સે બચાયા હૈ. ચલો ખુદા હાફિઝ ! અલ્લાહ આપકો નેક હિદાયત (શિખામણ) બક્ષે.’’
પછી તો અમૃતાને પણ એના બાપે મુંબઈમાં કોઈ સારા ઠેકાણે પરણાવી દઈને બેંકની નોકરી છોડાવી દીધી હતી, ને વચ્ચેથી વહી ગયેલા ત્રીસ વર્ષોના વારિએ ધીમે ધીમે તમારો આ ‘અમૃતા-જખ્મ’ ભરી દીધો હતો. રવિકાંત. અત્યારે તમારો કહ્યાગરો પ્રેમાળ દીકરો કીર્તન સોફ્ટવેર એન્જિનીયર થઈને, તમારી પસંદગીની સુશીલ કન્યા સાથે પરણીને અમેરિકા સેટલ થયેલો છે, દીકરી આભા એના સરકારી અફસર પતિ સાથે દિલ્હી સેટલ થયેલી છે. તમારો સંસાર સુખી છે, ને બેંકમાંથી રીજનલ મેનેજરના હોદ્દેથી નિવૃત્તિ બાદ તમે અવારનવાર કરૂણાગૌરી સાથે અમેરિકા આવતા રહો છો.
આજે પણ એ જ રીતે તમે તમારા દીકરાને ત્યાં આવેલા હતા રવિ, ને પેલા જાણીતા હિંદી નાટક ‘તુમ્હારી અમૃતા’ની જાહેરાતે તમારા દિમાગની ત્રીસ વર્ષ જૂની એક ‘ફાઇલ’ ખોલીને અમૃતાના તમારા પરના પ્રથમ પ્રેમપત્રને તમારી આંખોના આકાશમાં આંજી દીધો. અલબત્ત...
.... અલબત્ત આજે તો એ ‘ફાઇલ’નું પાનું વાંચી હજીય સંજીદા રહેલા તમારા દિમાગે તમને એમ કહ્યું રવિકાંત કે,
‘‘જે થયું તે સારું જ થયું. જવાનીના નશામાં ધર્મપરિવર્તન કરી અમૃતા સાથે હું શાદીથી જોડાયો હોત તો જિંદગી અત્યારે આટલી સુખી ન હોત. વેરણછેરણ થઈ ગયેલી હોત. થેંક્યુ યાસીનભાઈ ! તમારી બદૌલત જ મારી જિંદગી વેરણછેરણ થતાં અટકી ગઈ.’’
અને તમે મનોમન એ સંકલ્પ કરી લીધો રવિકાંત કે અમદાવાદ પરત ગયા પછી પહેલું કામ યાસીનમિયાંને મળીને, એમની ક્ષમાયાચના કરી આ ‘થેંક્સ’ એમને રૂબરૂ આપવા, જે અત્યારે તો રમજાન માસના રોઝા કરી રહ્યા હશે. જો કે તમને જાણ નથી રવિકાંત કે...
.... અત્યારે અમૃતા પણ મુંબઈથી એની દીકરીને ત્યાં અમેરિકા આવેલી છે, ને તમારા દીકરાના આ એપાર્ટમેન્ટથી ‘ત્રીસ’ જ એપાર્ટમેન્ટસ દૂર આવેલા એની દીકરીના એપાર્ટમેન્ટમાં બેસીને, ‘તુમ્હારી અમૃતા’ની આ જાહેરાત વાંચી, તમારા જેવું જ વિચારતા એ પણ અમદાવાદ જઈને યાસીનમિયાંને ‘થેંક્સ ગિવીંગ’ માટે રૂબરૂ મળવાનો સંકલ્પ કરી રહી છે. પણ...
...પણ તમારો અને અમૃતાનો એ સરખો સંકલ્પ પૂરો નહીં થાય રવિકાંત. કેમ કે...
.... કેમ કે અલ્લાહના એ નેક બંદા યાસીનમિયાં તો ગયા રમજાન મહિનામાં જ અલ્લાહને પ્યારા થઈ ચૂક્યા છે...

Share |
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય સુપર-મ્યુટન્ટ જેવાં સૈનિકો સર્જવામાં સફળ થશે ?''
હિરોશીમા- નાગાસાકીની પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઘટના ૬૪ વર્ષે પણ ભૂલાતી નથી
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
 
 

Gujarat Samachar Plus

૬૦ લાખની વસ્તી વચ્ચે માત્ર ૧૬ પ્લે ગ્રાઉન્ડ
અસ્સલ ટ્રેડિશનલ ડ્રેસ કોને કહેવાય?
બે કિલોમિટરે બોલી બદલતું શહેર
ઓલટાઇમ ફેવરિટ શેક્સપિઅર અને ટાગોર
   
 
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved