Last Update : 08-Sept.-2010, Wensday

સમાજના નિયમો પાળવા આપણે બંધાયેલા છીએ - પવન

રજનીગંધા - પ્રિયકાન્ત પરીખ

 

અણિમા અને આર્જવના પ્રેમ, પ્રેમલગ્ન અને લગ્નવિચ્છેદનો હું સાક્ષી છું.
અણિમા અને આર્જવ કૉલજ જીવનથી મારા સહાઘ્યાયી હોવાથી બન્નેને સારી રીતે ઓળખતો હતો. અણિમા અને આર્જવની જ્ઞાતિ ભિન્ન હોવાથી, બન્ને પક્ષે માતા-પિતાનો વિરોધ હોવા છતાં બન્ને અભ્યાસ પૂરો કરી, વડીલોની રુઢિચુસ્તતા સામે બાંગ પોકારી બન્નેએ રજીસ્ટ્રારની કચેરીમાં સિવિલ મેરેજ કરી લીધાં હતાં. રજીસ્ટર્ડ મૅરેજના ફોર્મ પર સહી કરનાર સાક્ષીઓમાંનો હું એક હતો. આથી અમારી દોસ્તી વઘુ મજબૂત બની હતી.
અર્ણવ મઘ્યમવર્ગનો સીધો, સાદો અને વિચારશીલ યુવાન હતો. જ્યારે અણિમા ચંચળ, મુક્ત અને પોતાના રૂપ-સૌંદર્ય પર વઘુ પડતી મુગ્ધતા અને પોતાની સુંદરતા પર અભિમાન ધરાવતી, શ્રીમંત ઉદ્યોગપતિની એકની એક પુત્રી હોવાથી સગાં-સંબંધીઓ અને માતા-પિતા દ્વારા તેના અહમને પોષાતું આવ્યું હોવાથી તે ધાર્યું કરવા ટેવાયેલી હતી.
અર્ણવ અને અણિમાની સામસામાના છેડાની પ્રકૃતિ હોવા છતાં બન્નેને પ્રેમમાં પડેલાં જોઈ મને અને એ બન્નેથી પરિચિત મિત્રો આશ્ચર્યની લાગણી અનુભવતાં હતાં. હું એ બન્નેનો અંગત મિત્ર હોવાથી હું જાણતો હતો કે શાંત અને સૌમ્ય પ્રકૃતિ ધરાવતા અર્ણવ પર પોતાનું આધિપત્ય રહે છે અને રહેશે એ લાગણીને મહત્ત્વ આપી અણિમા તેના તરફ આકર્ષાઈ તેના પ્રેમમાં પડી હતી. પરસ્પર વિરોધી પ્રકૃતિ ધરાવતાં હોવા છતાં બન્નેના આકર્ષણ અને લગ્નનું આ રહસ્ય હતું.
લગ્ન પછી પણ અણિમા કુંવારિકા હતી અને સ્વચ્છંદતાની સીમા સુધી દોરી જનાર જે સ્વતંત્રતાથી જીવતી હતી એમ જ બે-લગામ જીવતી હતી.
પ્રેમ અવસ્થામાં અણિમાનું આધિપત્ય સ્વીકારનાર અર્ણવ પતિ બનતાં તેને અણિમાનું વઘુ પડતું સ્વાતંત્ર્ય કઠવા લાગ્યું. તેનામાં રહેલો પતિ-પુરુષ જાગૃત થવા લાગ્યો. તેનામાં ઉંડે ઉંડે પડેલી ‘પઝેશન’ની લાગણી તીવ્ર બનવા લાગી, છતાં તે પ્રેમની અણિમાને સમજાવતો, ‘અણિમા, હવે તું લગ્ન પછી કુંવારિકા હતી એમ બેફામ વર્તે એ ઠીક ન કહેવાય. હવે તું પરિણીતા છે... આપણો સમાજ પરિણીતા પાસેથી આચાર સંહિતાની અપેક્ષા રાખે છે.’
‘તેથી શું થયું? હું મારી મસ્તીમાં જીવું છું એમાં સમાજને શું? સમાજ એટલે શું? ‘આચાર સંહિતા’, ‘લક્ષ્મણરેખા’ના નામે તમે જેને સમાજ કહો છો એ પુરુષોનું એક વર્તુળ સ્ત્રીને ચાર દીવાલોમાં જકડતો આવ્યો છે. એ વર્તુળ વિસ્તરતું ચાલ્યું એને સમાજ કહો છો? હું મારી સ્વતંત્રતાને રુંધાવવા નહીં દઊં. અર્ણવ, લગ્ન પહેલાં તો તું મારા એક એક શબ્દને અનુસરતો હતો. લગ્ન કર્યા પછી તેં સ્વામીત્વનો હક જતાવવા માંડ્યો? તું મને સમજી શકે છે તેમ લાગતાં મેં શ્રીમંતોના, ઉદ્યોગપતિઓના અને અમેરિકામાં વેલસૅટલ્ડ થયેલા યુવાનોને પડતા મૂકી તારા જેવા મઘ્યમવર્ગના યુવાનને પસંદ કર્યો હતો. તારા શબ્દો મારા ચારિત્ર્ય સામે અંગુલિ નિર્દેશ કરે છે. એ ન સમજી શકું એટલી નાદાન નથી.’ અણિમા ગુસ્સાથી ઘૂ્રજી ઊઠી.
‘અણિમા, તારા ચારિત્ર્ય માટે મને વિશ્વાસ છે, પણ લગ્ન પછી ય તું પુરુષમિત્રો સાથે ફરે છે, રાતે ગમે ત્યારે ઘેર આવે છે એ બઘું અત્યાર સુધી મેં સહન કરી લીઘું, પણ હવે જ્યારે તારી બદનામીની વાતો મારા કાન સુધી આવી ત્યારે ઘ્યાન દોરવાનો ય મને અધિકાર નથી?’
હું અર્ણવને મળવા ગયો ત્યારે મારી હાજરીમાં જ આ દલીલો થતી હતી. મને લાગ્યું, અણિમાને મારે સમજાવવી જોઈએ. મેં કહ્યું, ‘અણિમા, અર્ણવ આજે પણ તને ખૂબ ચાહે છે. એ તને તારી મર્યાદા ચીંધે છે એનો અર્થ તને ગુલામીની જિંજિરોમાં જકડી રાખવા માગે છે એવો અર્થ ન ઘટાવીશ. સ્વતંત્રતા અને સ્વચ્છંદતાની ભેદરેખા સમજાવવાનો એ પ્રયત્ન કરે છે. એને સમજવાનો પ્રયત્ન કર.’
‘તમે તો બોલશો જ નહીં. તમે પણ આખરે પુરુષજાત જ છો ને? તમારા જેવા સંકુચિત માનસ ધરાવતા મિત્રોએ જ અર્ણવના કાન ભંભેર્યા છે. લગ્ન પહેલાં અર્ણવ આવો નહોતો. કોઈના બોધ મુજબ જીવવાની મને આદત નથી. તમે અમારા મામલામાં દખલ અંદાજી ન કરો તો સારું.’ અણિમાએ મારા તરફ તિરસ્કારથી જોયું.
મને અર્ણવની દયા આવી. અણિમા પર ગુસ્સો આવ્યો, પણ ‘દયા’, ‘ગુસ્સો’, ગટગટાવી જઈ મેં કહ્યું, ‘‘દોસ્તીના દાવે મેં મને યોગ્ય લાગ્યું તે કહ્યું. બોધ આપવાનો મારો આશય નહોતો. આજ પછી તમારા જીવનમાં ખલેલ પહોંચાડવા નહીં આવું. પણ એટલું યાદ રાખજે, રૂપ-યૌવન અને શ્રીમંતાઈ પર તને ઘમંડ છે એટલે તારા હિતમાં બોલાયેલા શબ્દો તને સ્પર્શી શકશે નહીં, પણ ઠોકર જ તારી આંખો ઊઘાડી શકશે. હું ઇચ્છું કે ત્યારે મોડું નહીં થઈ ગયું હોય. બાય...’
ત્યાર બાદ અણિમા એની મોજમસ્તીમાં જીવતી રહી. અર્ણવ એની સાથે આવે કે ન આવે છતાં પુરુષમિત્રો અને એના જેવા જ આઝાદ ખ્યાલો સાથે જીવતી સ્ત્રી-મિત્રો સાથે ફિલ્મો, ક્લબો, ડિસ્કોથૅક, હાઈવે હોટલો, લોંગ ડ્રાઈવ પર ધૂમવામાં અણિમા જીવનની ઈતિશ્રી સમજવા લાગી. એને બિન્દાસપણાનો કેફ ચડ્યો હતો.
અણિમા ચારિત્ર્યહીન નહોતી, પણ ‘બૉડી લૅંગ્વેજ’ પ્રદર્શિત કરતા અલ્ટ્રામોડર્ન, ટૂંકા-ચૂસ્ત ડ્રેસો પહેરી, પુરુષો સાથે હસી હસીને શેકહૅન્ડ કરી ક્લબોમાં મોડી રાત સુધી બેસી રહી, બીઅરના ધૂંટ ભરતી, હેવી સ્ટેઇકથી રમી રમતી હોવાથી અણિમાની બદનામી દિન પ્રતિદિન વધતી ચાલી.
અર્ણવ પ્રેમથી સમજાવતો રહ્યો પણ અણિમા પર કોઈ અસર ન થઈ. બલ્કે, અર્ણવ પર ‘સંકુચિત’, ‘શંકાશીલ’ જેવા આક્ષેપો મૂકી, ઉદ્યોગપતિ પિતાના બંગલે જતી રહી.
પિતાએ કહ્યું, ‘બેટી, મેં તને કહ્યું હતું કે તું એરિસ્ટોક્રેટિક સોસાયટીમાં ઉછરી છે. ‘મિડલક્લાસ મેન્ટાલીટી’માં તું ફીટ નહીં થઈ શકે, પણ તારા પર પ્રેમનું ઝનૂન સવાર થયું હતું. ડૉન્ટવરી માય ચાઈલ્ડ. એવરીથિંગ વિલ બી ઑલ રાઈટ.’
અણિમાએ પપ્પાની એડવૉકેટની મદદથી ‘મ્ચ્યુઅલ કન્સેપ્ટ’થી ડિવૉર્સ મેળવી લીધા.
એકાદ વર્ષ વીતી ગયું.
અર્ણવે એની જ્ઞાતિની, એની લગ્ન પછી ત્રણ માસમાં જ વિધવા બનેલી મિથિલા સાથે સાદગીથી લગ્ન કરી લીઘું. જીવનના પહેલા આઘાત પરથી બોધપાઠ લઈ બન્નેએ પરસ્પરને સમજી, સમજશક્તિથી જીવવા માંડ્યું. પરિણામે અર્ણવે મિથિલા સાથે પ્રેમ અને સુખથી અતીતને દફનાવી જીવવા માંડ્યું.
અર્ણવના પપ્પાએ એમના બિઝનેસમેન ફ્રેન્ડના ડિવૉર્સી પુત્ર પવન સાથે અણિમાનું લગ્ન કરી નાખ્યું.
પહેલા લગ્નના વિચ્છેદ પરથી સબક લેવાને બદલે અણિમાએ એવી જ લા-પરવા, બિન્દાસ અને સ્વચ્છંદ જીવન જીવવા માંડ્યું.
પણ પવન અર્ણવ જેવો નરમ અને સરળ નહોતો. બિઝનેસમાં રચ્યો પચ્યો રહેવા છતાં અણિમાના અતીતથી પરિચિત હોવાથી એણે અણિમા પર જાપ્તો ગોઠવી દીધો.
એક દિવસે પવને સખ્તાઈથી કહ્યું, ‘અણિમા, તારા અહમ્ને પોષનાર અને દબાયેલા મઘ્યમવર્ગીય અર્ણવ જેવો નરમ પુરુષ હું નથી. હું ધારું તો પૈસાના જોરે રોજ રાતે એક છોકરી સાથે રઝળી શકું એમ છું, પણ સ્થિર દામ્પત્યજીવન જીવવા માટે મેં તારી સાથે લગ્ન કર્યાં છે. તારે હોટલો, ક્લબો, ડિસ્કોથૅક, પિકનિક પર જવું હોય તો મારી સાથે આવી શકે છે, પણ જે સમાજ અને સંસ્કૃતિમાં આપણે જીવીએ છીએ એનાં નિયમો પાળવા આપણે બંધાયેલા છે! તું મારા સિવાય તારા જૂના-નવા મિત્રો સાથે એકલી રઝળે છે એ હું હરગિઝ નહીં ચલાવી લઊં. નહીં તો...’
‘યૂ શટ અપ. તું પણ અર્ણવ જેવો રુઢિચુસ્ત અને શંકાશીલ છે.’ અણિમા પવનના સખ્તાઈથી ઉચ્ચારેલા શબ્દો જીરવી ન શકી.
‘અણિમા, હું અર્ણવ નથી કે તારી સ્વચ્છંદતા ચલાવી લઊં.’
અણિમા એની સ્વચછંદ પ્રકૃતિ મુજબ પવન સાથે પણ સ્થિર દામ્પત્ય જીવન ન ગાળી શકી. અર્ણવ અને પવનથી છૂટી પડેલી અણિમા આજેય સ્વચ્છંદ જીવન જીવે છે.

 

Share |
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય સુપર-મ્યુટન્ટ જેવાં સૈનિકો સર્જવામાં સફળ થશે ?''
હિરોશીમા- નાગાસાકીની પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઘટના ૬૪ વર્ષે પણ ભૂલાતી નથી
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
 
 

Gujarat Samachar Plus

૬૦ લાખની વસ્તી વચ્ચે માત્ર ૧૬ પ્લે ગ્રાઉન્ડ
અસ્સલ ટ્રેડિશનલ ડ્રેસ કોને કહેવાય?
બે કિલોમિટરે બોલી બદલતું શહેર
ઓલટાઇમ ફેવરિટ શેક્સપિઅર અને ટાગોર
   
 
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved