| Last Update : 08-Sept.-2010, Wensday |
|
|
|
|
|
|
|
 |
|
એક શૉથી ચેનલ તરે ! |
પ્રાઈમ ટાઈમ |
|
કોઈ ભગીરથ જ્યારે ગંગાને પૃથ્વી પર લાવે ત્યારે માત્ર તેના પિતૃઓનું જ નહીં, સમગ્ર માનવજાતનું કલ્યાણ થાય છે. કોઈ ગાંધી જ્યારે સત્યાગ્રહ કરે ત્યારે સમગ્ર દેશને તેના ફળસ્વરૂપે આઝાદી મળતી હોય છે. એવી જ રીતે કોઈ એક વ્યક્તિ પોતાની પ્રતિભાના પ્રતાપે પોતાની આસપાસના સૌ કોઈને નાનો-મોટો ફાયદો કરાવી શકે છે.
ટેલિવિઝન પર આવી એક ઘટના આપણે સૌ ‘કૌન બનેગા કરોડપતિ’ની અમિતાભવાળી સિઝન દરમિયાન જોઈ ચૂક્યા છીએ. આ એક જ શૉના કારણે ‘સ્ટારપ્લસ’ની ડૂબુ ડૂબુ થતી નાવડી છેલ્લા દસ વરસથી સૌથી આગળ તરી રહી છે. આવી જ એક ઘટના અત્યારે આકાર લઈ રહી છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના કારણે ‘સબ’ ટીવીએ ઇતિહાસમાં પહેલી જ વખત ‘ટોપ ટેન શૉ’ની યાદીમાં પોતાની એન્ટ્રી મેળવી છે.
આ સિદ્ધિનું મૂલ્ય ‘કૌન બનેગા કરોડપતિ’ ઘટના કરતા પણ સવિશેષ ગણી શકાય. કારણ કે ‘કૌન બનેગા કરોડપતિ’ માટે ભારતીય સિનેમાના ઇતિહાસનો સૌથી સફળ સુપરસ્ટાર સૌ પ્રથમ વખત ટેલિવિઝન પરદા પર આવી રહ્યો હતો. આ શૉ અગાઉ વિદેશમાં સફળતાના શિખરો સર કરી ચૂક્યો હતો અને અહીં આ શૉ માટે અગાઉ ક્યારેક કોઈ ચેનલ કે શૉ માટે કરવામાં ન આવી હોય તેવી પબ્લિસીટી માટે અઢળક નાણાં ખર્ચવામાં આવ્યા હતા.
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની હકીકતો જોઈએ તો આમાંનું કશું જ લાગુ પડતું નથી. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની રજૂઆત થઈ ત્યાં સુધી ગુજરાતી દર્શકોમાંના વાંચનપ્રેમી દર્શકો વિશેષરૂપે જાણતા હતા. અને ગુજરાતમાં તેમનું નામ અને કામ અજાણ્યું ન્હોતું પરંતુ દેશભરના દર્શકોની વાત નીકળે ત્યારે ગુજરાતનો હિસ્સો સ્વાભાવિક રીતે જ નહીવત ગણાય, ભલેને પછી ગુજરાતને કેબલ ધરાવતા રાજ્યોમાં ટોચ પર મૂકાતું હોય !
આ સિરિયલ શરુ થઈ ત્યારે તેમની પાસે દિલીપ જોષી સિવાયનું એક પણ નામ એવું નહોતું કે જે દર્શકોની સ્મૃતિમાં ગોઠવાઈ ચૂક્યું હોય. દિશા વાકાણીની પ્રતિભા પ્રાદેશિક ટીવી અને નાટકોથી જાણીતી હતી પરંતુ તેનું નામ ચલણી કહી શકાય તેવું નહોતું.
આ સિરિયલ શરુ થઈ ત્યારે ‘સબ’ ટીવીએ પબ્લીસીટી માટે ઠીક ઠીક કહી શકાય તેવું જોર બતાવ્યું હતું. પરંતુ ‘સબ’ ટીવીની વ્યૂઅરશીપ એવી પણ નહોતી કે લોકો અન્ય ચેનલના ભોગે ‘સબ’ને મહત્ત્વ આપવાનું પસંદ કરે.
તારક મહેતાને વાંચનારી પેઢી માટે આ તદ્દન નવતર અનુભવ હતો અને મોટા ભાગના લોકો શરુઆતના એપિસોડ જોઈને પોતાની કલ્પનાના જેઠાલાલ, દયા, માસ્તર, ટપુ, વચલી, કે તારક મહેતા દંપતિ કરતા અલગ જ જણાતા પાત્રો જોઈને કન્ફ્યુઝ હતા.
આમ છતાં, આ શૉએ ધીમે- ધીમે ગુજરાત સહિત સમગ્ર દેશના દ્શકોને પોતાનું ઘેલું લગાડ્યું. આજે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ સૌ પ્રથમ વખત ટોપટેનમાં આવવાનો ઇતિહાસ સર્જ્યો છે તેનું એક કારણ તેના વ્યૂઅર્સની ઊંમર પણ ગણી શકાય. આ શૉના તેત્રીસ ટકા દર્શકો પાંત્રીસ વર્ષથી ઉપરના છે અને એટલી જ સંખ્યામાં ચારથી ચૌદ વર્ષના બાળકો પણ છે. મતલબ કે તારક મહેતાને વાંચીને મોટી થયેલી પેઢી તો આ શૉની ચાહક છે જ, પરંતુ નવી પેઢીને પણ આ શૉમાં અને તેના પાત્રોમાં રસ પડી રહ્યો છે.
મજાની વાત એ છે તારક મહેતાના લખાણોમાં ઝીલાયેલા ટપુની બદમાશી અહીં ગાયબ હોવા છતાં બાળકો માટે આ શૉ ફેવરિટ બની શક્યો છે. આ શૉના કારણે ‘સબ’ ટીવીને રેટિંગ ઉપરાંત જાહેરાતના રેટમાં પણ ફાયદો થયો છે.
સામાન્ય રીતે પ્રતિ દસ સેકન્ડ ત્રીસ હજારના ભાવમાં મળતો પ્રાઇમ ટાઇમ સ્લોટ આ શૉ દરમિયાન લેવો હોય તો લગભગ પચાસ હજાર રૂપિયા ચૂકવવા પડ છે. ‘સબ’ માટે અત્યારે સૌથી મોટી ચેલેન્જ આ શૉના કારણે મળેલી વ્યૂઅરશીપને પોતાના અન્ય કાર્યક્રમો તરફ વાળવાની છે. જો ‘સબ’ ટીવી સ્માર્ટ વર્ક કરશે તો થોડા સમય પછી અન્ય શૉ માટે પણ પ્રિમિયમ રેટ વસૂલી શકશે. ‘સબ’ ટીવીને એકાદ રિઆલીટી શૉની જરૂર છે કે જે મનોરંજનની સાથે લોકોનું ઇન્વોલ્વમેન્ટ વધારે ‘સબ’ ટીવીએ ‘સોની’ પાસેથી એન્ટરટેઇન્મેન્ટ કે લિયે કુછ ભી કરેલા ઉધાર લેવાની જરૂર છે !
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
| |
|
|
|
|
Gujarat Samachar © 2010, All Rights Reserved |
|
|