Last Update : 08-Sept.-2010, Wensday

પાક ફસલ-એ-ફેંકમફેંકી

ખબરે પાકિસ્તાન

મુલ્કમાં ફેકંમફેંકીની મોસમ ફાટીને ઘૂમાડે ગઈ છે. વઝીરે આઝમ યુસુફ ગીલાણીએ ફરમાવ્યું છે કે સદરે રિયાસત આસિફ ઝરદારીના હાથમાં મુલ્કની બાગડોર તાકયામત સલામત રહે એવું ચક્કર પોતે ચલાવી રહ્યા છે. લપેટ! વળતા વાટકી વહેવાર તરીકે આસિફ મીંયાએ ઘોષણા કરી કે ગીલાણી પર મને પુરો વિશ્વાસ છે! મુલ્કના બે ટોપ બંદા આવી બેફામ ફેકંમફેંકી કરતા હોય અને ઇસ્લામિક અણુ બમના અબ્બા હજૂર બિના ફેંક્યે બેસી રહે?! અલ્લા અલ્લા કરો. ડૉ. અબ્દુલ કાદીર ખાન ઝાલ્યા રહે તો આપવડાઈની અમ્મા મરે. આપે આખરે જાહેર કરી જ નાખ્યું કે ઇન્ડિયા કરતા ૧૪ સાલ પહેલાં એમણે અણુ બમ બનાવ્યો હતો. - અને તે પણ સિર્ફ ૬ સાલમાં જ. તમને પણ કશુંક નક્કર કન્ટ્રીબ્યુટ કરવાનો મોકો મળવો જોઈએ કે નહીં? તમતમારે બિન્દાસ ચાહો તેટલા આશ્ચર્ય ચિન્હો લગાડો.
ડૉ. અબ્દુલ કાદીર ખાન ઉવાચ્યા ન હોત તો મુલ્કના બચ્ચા લોગને તંબુરામાં ખબર પડવાની હતી કે અણુ બમ બનાવવો બચ્ચાના ખેલ નથી. આપે કેટલા પાપડ વણ્યા હતા એનો જીક્ર કર્યો નથી. તેવી જ રીતે રાઝ કી બાત આજે એકાએક જાહેર કઇ ખુશીમાં કરી. એનો ખુલાસો નથી કર્યો. ફાલતુ બાબતોમાં ખાન સાહેબ પડતા નથી. વજહ? વેલ, એક તો આપ રાવલપીંડી ડિસ્ટ્રીક્ટ બાર એસોશીએસનની સભાને સંબોધી રહ્યા હતા. દુજે નાદુરસ્ત તબીયત. અફકોર્સ માનસિક નહીં. બાકી ‘બાર’નું નામ પડતાં જ બત્તીઓ થઈ હોય તો એટલું જાણી લો કે રાવલપીંડીમાં એક બી બાર નથી. આથી બારવાળાઓનું મંડળ હોવાનો સવ્વાલ જ પેદા નથી થતો. ખાન સાહેબ વકીલોની સભામાં બોલી રહ્યા હતા. લિહાજા આપના બકવાસને બાર (અંગુર કી બેટીવાળા) સાથે કોઈ નિસ્બત નથી એની સખેદ નોંધ લી જાય યોર ઓનર. બિન નોંધનીય મુદ્દો, મય કરતા માઈકનો નશો જ્યાદા મજેદાર હોય છે. શરાબ કિડનીની ખાના-ખરાબી કરે છે. જબ કે માઈક સર પર ચડીને બોલે છે. - અને શ્રોતાઓની ખાના-ખરાબી કરે છે.
ફેંકવામાં એતિવાર વર્તવાનો ન હોય. ડૉ. અબ્દુલ કાદીર ખાને અફસોસ વ્યક્ત કર્યો કે મુલ્કે આપની યોગ્ય કદર કરી નથી. યાદ રહે કે આપને છ સાલ જેલમાં રાખવામાં આવ્યા હતા. અલબત્ત આપને વધારે વખત જેલમાં રાખ્યા હોત તો યોગ્ય કદર થઈ હોત એવું આપ કહેવા નથી માંગતા. બલ્કે છ સાલ દરમિયાન મુલ્કે ઘણું ગુમાવ્યું એનો ખાન સાબને ગમ છે! આપે એક એક લબ્ઝ નીચે લાલ લીટી કરવાના અંદાજમાં જણાવ્યું કે પોતે મુક્ત હોત તો મુલ્કને સોલિડ ફાયદો થયો હોત. મુલ્કમાં બીજલીનું ઉત્પાદન વધારવા અને શિક્ષણનું સ્તર સુધારવાના આપના અરમાન અઘુરા જ રહી ગયા. ખ્યાલ રહે કે એમાં ખાન સાબને અંગત કોઈ નુકશાન નથી ગયું. આપે ચોખવટ ન કરી હોત તો વકીલોને ખ્યાલ ન આવત કે નુકશાન મુલ્કને થયું છે. અહીં તાળિયોના ગડગડાટની ઓડિયો ક્લિપ રમાડવા (પ્લે, યાર) બદલ બેકસ્ટેજના કલાકારની(!) જેટલી તારીફ કરવામાં આવે કમ છે. ડો. ખાને બિના કોઈ સંદર્ભ પાક ન્યાયતંત્રની તારીફ બી કરી. આપના અલબત્ત અમુલ્ય અભિપ્રાય અનુસાર ન્યાયતંત્રે મુલ્કના હિતમાં જ ચૂકાદા આપવા જોઈએ! બોલે તો અદાલતે અપની ઓકાતમાં રહેવું જોઈએ. બોલણે મેં હર્જ ક્યા હય.
બિન બોલે ડો. અબ્દુલ કાદીર ખાને કહી નાખ્યું કે મુલ્કનું હિત ન્યાયતંત્રનું કાર્યક્ષેત્ર નથી. બલ્કે નેતા લોગના બાપની જાગીર છે. આગે જન. મુશ એના ઈજારેદાર હતા. આજે કોઇ ઔરની મોનોપોલી છે. પાક ન્યાયતંત્રને પોતાની મર્યાદાનું ભાન નથી એનો ખાન સાબને અફસોસ છે. આપ એનો ઇલાજ કરવા કટીબઘ્ધ છે. ખ્યાલ રહે કે ખુદ ખાન સાબ ઈલાજના મોહતાજ છે. આપની દેઢ ટાંગ કબરમાં લટકી રહી છે. અલબત્ત, આપની ટણી ટનાટન છે. શાયદ એટલે જ જનાબેઆલી અમરિકાને નિહાયત સુક્કી દાટી નથી આપતા. બોલે તો ડોલર બોલે છે! ફર્જ કરો કે ડો. અબ્દુલ કાદીર ખાન અંકલ સેમને દેખ લેણે કી ધમકી આપે છે. તો પલવાઓને ટેસડો પડત. મગર ખાન સાબને બોલેલું પાળી બતાવવું પડત. જેની હેસિયત આપ ધરાવતા નથી. સવાલ અસક્ષમતાનો નથી. બલ્કે અલકાયદા અને તાલીબાનના કાર્યક્ષેત્રમાં ટાંગ ન અડાડવાનો છે. અમરિકાને જોઈ લેવાની જુમ્મેવારી ઇસ્લામિક ત્રાસવાદે લીધી હોવાથી ખાન સાબ અમરિકાને ટચ કરતા નથી. નકામી જબાન શું કામ ચલાવવી? - અને બોલણે વાસ્તે વિષયોની ક્યાં કમી છે? જેમ કે પાક-ઇન્ડિયાની સરખામણી. મજકુર સબજેક્ટ પર રોશની ડાલતા ડો. અબ્દુલ કાદીર ખાને ફરમાવ્યું કે ખાદ્ય સામગ્રી એવમ્ દવાઓમાં ભેળસેળની બાબતમાં બન્ને મુલ્કો બરોબરીઆ છે. મતલબ કે ફૌજી તાકાત અને આર્થિક તરક્કીમાં પાકિસ્તાન ચડિયાતું છે. એમ તો મક્કારી, ગદ્દારી, બેઇમાની, કમીનાપન જેવા અનેક ક્ષેત્રોમાં મુલ્ક ઘણો આગે છે. મગર આપે એનો જીક્ર કર્યો નહીં. ખામખા જબાન ચલાવવા આપ નવરા નથી. આ ઊંમરે ખોટો બકવાસ કરે તે બીજા, ખાન સાબ નહીં!
હવે એક નજર હકીકત પર, મર્હુમ ઝુલ્ફેકારઅલી ભુટ્ટોએ ૧૯૭૨માં મુલતાન ખાતે મુલ્કના ટોપ અણુ વિજ્ઞાનીઓની શિખર પરિષદ યોજી હતી. એમાં ડો. અબ્દુલ કાદીર ખાન આમંત્રીત ન હતા! વજહ? વેલ, આપ અણુ વિજ્ઞાની નથી. બલ્કે મહજ ખનીજશાસ્ત્રી છે. ફીર બી ખાન સાબ મુલ્કના અણુ કાર્યક્રમના વાલીદ બની બેઠા. લાંબી ચાંચનું આ સુખ. અણુ વિજ્ઞાનમાં ય ડુબે! ઇન્ડિયાએ ૧૯૭૪માં અણુ ધડાકો કર્યો એના દસ સાલ બાદ ખાન સાબે કહેવાતો ઈસ્લામિક અણુ બમ બનાવ્યો હતો. એકચ્યુલી આપની અણુ તસ્કરી પકડાઈ ગઈ હતી. પરિણામે મુલ્કની બહુ બદનામી થઈ. છતાં આજે ૭૨ સાલના ખાન સાબ મુલ્કની બેકદરીથી ખફા છે! નતીજન આપ જોખમી જણસ બન્યા. સ્થાનિક અખબારી આલમ આપના બકવાસને અવગણે છે. મગર વિદેશી મીડિયા એને ખુબ ચગાવે છે. પછી એક પાક બંદો ફેંકમફેંકી કરવામાંથી વાજ શા માટે આવે? ડો. અબ્દુલ કાદીર ખાન ચોરસ ઈંડુ બાફ્યા વિના રહે તો પાક અણુ કાર્યક્રમની અમ્મા મરે. આપે જબરીં પલ્ટી મારી છે. ૨૦૦૨માં આપે અણુ તસ્કરીનો એકરારે જુર્મ કર્યો હતો તે મુલ્કના હિતમાં કર્યો હતો! બાકી ખાન સાબ સાદા ચોર બી નથી ત્યાં અણુ તસ્કરીની ક્યાં વાત કરવી? વાકઇ, ફેંકવાનું યા ઇવન લપેટવાનું તો કોઇ જનાબેઆલીથી શીખે.
પાક ફેંકમફેંગીની ખુબીલીટી પર જરા નહીં બલ્કે જબરજસ્ત ગૌર ફરમાવો. મુલ્કમાં એક ઢૂંઢો હજાર ફેંકોલોજીસ્ટ મળે છે. ના, એમાં વ્યાજબી નહીં થાય. હજારમાં એક કમ મળે તો હજુરેઆલમ દાઢી મૂંડાવી નાંખે. હર ફેંકોલોજીસ્ટના બકવાસને સચ માનનારા લાખોના હિસાબે ઠેબે ચડે છે. બોલે તો ટ્રાફિક સોલિડ જામ હય ભીડુ. મિસાલ-એ-તૌર (દા.ત. યાર) વર્લ્ડ ટ્રેડ સેન્ટરને જમીનદોસ્ત કરવાની સાજીશ ઇઝરાયલે કરી હતી એવું ફેંકવાથી માંડીને માનવા સુધીની જડતા. પાછા સેમ ટુ સેમ પવલાઓ અલ કાયદાના ઝક્કાસ કારનામા બદલ પીંજારાના રોલમાં આવી જાય છે. બોલે તો ફુલીને ફાળકો થાય છે. યકીનન પવલાઓ ઉલ્લુના પઠ્ઠા છે. ૧૯૭૧ના જંગમાં પાકિસ્તાનને ઝળહળતી ફતેહ મળી હતી એવું માનતો એક વર્ગ મુલ્કમાં મોજુદ છે. - અને સેમ ટુ સેમ વર્ગ આજે ૪૦ સાલ બાદ ભી ચચળાટ મહેસૂસ કરે છે! જ્યાં ન થવો જોઈએ ત્યાં થતો ચચળાટ બર્દાસ્ત કરી લેવાનો. લેકિન સચનો સામનો હરગીઝ નહીં. આવી પાક મનોવિકૃતીની બદૌલત મુલ્કમાં ફેંકમફેંકીની મોસમ બારમાસી બની છે. જ્યાં આટલા મોટા પાયે લપેટબાજી ચાલતી હોય ત્યાં ડો. અબ્દુલ કાદીર ખાન જેવા રીઢા ગુનેગારને ‘રુક જાવ’ કહેવું બેમાની છે. વજહ? વેલ, એથી આપના બકવાસની અહેમીયત વધે છે. જરૂર ખાન સબ સચ કહેતા હશે. વર્ના પાક સરકાર આપના બકવાસ પર રોક ન લગાવે. આવું માનનારા બહુમતી વર્ગની વજહથી આસિફ મીંયા આણી કંપની ખાન સાબ સામે કડક પગલાં લઈ શકતી નથી.
પાક ખયાલ
કામિયાબીની સોનેરી ચાવી નિષ્ઠા છે. બસ, તમારે ફક્ત નિષ્ઠાનો નિષ્ઠાપૂર્વક દેખાડો જ કરવાનો છે. એક વાર નકલી નિષ્ઠા હસ્તગત કરી લો. પછી કામિયાબી પાસે તમારા કદમો ચૂમવા સિવાય કોઈ વિકલ્પ નહીં રહે.
લતીફા-એ-પાક
એકવાર આસિફ મીંયા એમના ખાનગી વિમાનમાં દુબઈની એવી જ મુલાકાતે જઈ રહ્યા હતા. વિમાન ત્રીસ હજાર ફીટની ઉંચાઈએ ઉડી રહ્યું હતું. - અને પાયલોટ પર દિલનો દૌરો પડ્યો! વિમાન હાલક-ડોલક થવા માંડ્યું. આસિફ મીંયાએ બેભાન પાયલોટના હાથમાંથી વિમાનનું સુકાન પોતાના ધ્રુજતા હાથોમાં લીઘું અને કંટ્રોલ ટાવર પાસે માર્ગદર્શન માંગ્યુ. તરત જ દુબઈના એક એક્ષપર્ટ અલ-હબીબીને કંટ્રોલ ટાવરમાં હાજર કરવામાં આવ્યા.
અલ-હબીબી, હજુર આપ ગભરાશો નહીં. હું જે સૂચના આપું તે પ્રમાણે કરશો તો વિમાનનું અહીં સહી-સલામત ઉતરાણ આસાનીથી થશે. સૌપ્રથમ તમારી સામે ‘ઓટો’ લખેલી લીલી સ્વીચ દાબો...
આસિફ મીંયાએ તે પ્રમાણે કર્યું. વિમાન સ્થિર ઉડવા લાગ્યું.
અલ-હબીબી ઃ હવે હજુર આપની ઉંચાઈ અને ચોક્કસ સ્થાન જણાવો.
આસિફ મીંયા ઃ ઊંચાઈ પાંચ ફૂટ આઠ ઈંચ, અને સ્થાન પાયલોટના ખોળામાં!
- સિરાઝ શીશાવાલા

 

Share |
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય સુપર-મ્યુટન્ટ જેવાં સૈનિકો સર્જવામાં સફળ થશે ?''
હિરોશીમા- નાગાસાકીની પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઘટના ૬૪ વર્ષે પણ ભૂલાતી નથી
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
 
 

Gujarat Samachar Plus

૬૦ લાખની વસ્તી વચ્ચે માત્ર ૧૬ પ્લે ગ્રાઉન્ડ
અસ્સલ ટ્રેડિશનલ ડ્રેસ કોને કહેવાય?
બે કિલોમિટરે બોલી બદલતું શહેર
ઓલટાઇમ ફેવરિટ શેક્સપિઅર અને ટાગોર
   
 
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved