Last Update : 08-Sept.-2010, Wensday

કાંટાઓની વચ્ચે ગુલાબની જેમ મ્હેંકવા માટે...

ઓફબીટ - અંકિત ત્રિવેદી



તું સારથિ, તું પરંતપ
સંમોહથી જીવનયુદ્ધ મહીંય જ્યારે
હેઠાં પડે કરથી શસ્ત્ર અજાણ, તારી
શક્તિ હણાય, તુજ ભેરુ કરીશ કોને?
તું પાર્થ છે ઃ જીવનમાં લડનાર સૌયે
છે પાર્થ, તોય નહિ સારથિ પાર્થનો સૌ
પામે સદા; કરમહીં ફરી શસ્ત્ર આપી
જે પ્રેરતો, વિજિગીષા બઢવે, રહીને
યુદ્ધે અદીઠ, પણ જે જયપ્રેરણા છે.
ના, પ્રેરણા નહિ જ; એ સ્વયમેવ જેતા,
ને પાર્થ માત્ર જયનું હથિયાર એનું.
જીવ્યું ભલે તુજ સદા કુરુક્ષેત્ર થાયે,
એમાં જ પૌરુષની સિદ્ધિ ગણી બધાની.
તારો જ તું જય થજે, તું જ પ્રેરણાયે,
તું સારથિ, તું જ પરંતપ, વિશ્વજિત્ તું.
- હરિશ્ચન્દ્ર ભટ્ટ

હરિશ્ચંદ્ર ભટ્ટ અનુગાંધીયુગ અને આઘુનિક યુગની કડીરૂપ કવિ છે. ગુજરાતી સાહિત્ય એમને સંધિકાળનાં કવિ તરીકે ઓળખે છે. યુરોપીય સાહિત્યનો પરિચય ગુજરાતી સાહિત્યને જે કવિઓએ કરાવ્યો તેમાંનાં નોંધપાત્ર રવિ હરિશ્ચંદ્ર ભટ્ટ છે. ગુજરાતી સાહિત્યને પ્રેમ કરનારા સદાબહાર વાચકોને પ્રહલાદ પારેખનો ‘બારી બહાર’ કૃષ્ણલાલ શ્રીધરાણીનો ‘કોડિયાં’ તેમજ હરિશ્ચંદ્ર ભટ્ટનો ‘સ્વપ્નપ્રયાણ’ કાવ્યસંગ્રહ યાદ હશે જ... આ કાવ્યસંગ્રહમાંનું એક સોનેટ તમારી સાથે શે’ર કરવું છે. ભીંત ફાડીને પીપળાની જેમ ઊગવા મથતા અને કાંટાઓની વચ્ચે ગુલાબોની જેમ મહેંકવા મથવા માણસોએ આ સોનેટને વાંચવું જ રહ્યું. સોનેટની ભાષાનો સરળ અનુવાદ, વિચાર - આસ્વાદ અત્રે રજૂ કરાયો છે...
આપણને સહુને અર્જુનનો એ પ્રસંગ યાદ છે જ. જ્યારે અર્જુન યુઘ્ધનાં સમયે સામે ઊભેલા પોતાના જ ભાઈ-ભાંડુ અને સગાંવ્હાલાંઓને જોઇને સંમોહિત થઇ ગયો હતો. અર્જુનનાં એ સ્મશાનવૈરાગ્યને કૃષ્ણ છિન્નભિન્ન કરે છે... પોતાનાંથી સંમોહિત થઇ ગયેલા અર્જુનને કૃષ્ણ ગીતાંનાં અઢારેય અઘ્યાયો દ્વારા ચેતનવંતો કરે છે. આપણા જીવાતા જીવનમાં પણ આવું કુરૂક્ષેત્રનું યુઘ્ધ ચાલતું રહે છે. કુરૂક્ષેત્રનું યુઘ્ધ તો માત્ર અઢાર દિવસ જ ચાલેલું, આપણું જીવનયુઘ્ધ તો જન્મથી મૃત્યુ સુધીનો પળપળનો ‘સંગ્રામ’ છે. આપણે આપણા માણસોથી જ હારવું પડે છે. અર્જુન કૌરવોથી ડરી નહોતો ગયો, સંમોહિત થયેલો. એટલે જ એ શસ્ત્ર હેઠાં મુકવાની વાત કરે છે. જીવાતાં જીવનમાં આપણે કેટલી બધીવાર આવા અર્જુનપણાને સહન કરવાનો વારો આવે છે..?
વળી, અર્જુન પાસે તો કૃષ્ણ જેવો સારથી- સંગમિત્ર છે. આપણી પાસે આપણો સાચો મિત્ર કોણ છે? જીવનમાં પ્રત્યેક માણસ એની પોતાની રીતે અર્જુન હોય છે. પરંતુ ેએની પાસે એનાં જીવનને બળ પૂરું પાડી શકે એવો કૃષ્ણ નથી હોતો. આપણને ગીતા કહેવા માટે કૃષ્ણ નથી આવવાનો. જે નિર્મળ થઇ ગયેલા આપણને ફરી શસ્ત્ર આપી વીજિગિષા એટલે કે જીતવાની ઈચ્છા- પ્રેરણા- પુરૂષાર્થ અને વિશ્વાસ આપે. કૃષ્ણ અર્જુન વગર શોભે છે પરંતુ અર્જુન કૃષ્ણ વગર શોભતા નથી. જીવનમાં પળેપળ યુઘ્ધનો સામનો કરવાનો છે. નિરાશા- હતાશા- ઉદાસી- નિર્બળતા આ બધાને સામે ચાલીને વ્હોરવાના છે. એવા સમયે જે યુઘ્ધથી અલિપ્ત છે અને છતાંયે યુઘ્ધમાં છે એવા કૃષ્ણની જરૂર પડે છે, કૃષ્ણનાં દોરીસંચારની જરૂર પડે છે. જે માત્ર પ્રેરણા નથી, સ્વયં વિજયનો ‘જયઘોષ છે... જેનાં માટે ‘અર્જુન’ પોતે પણ વિજય પ્રાપ્ત કરવા માટે હથિયાર છે... આ કૃષ્ણ એટલે આપણી ચેતનામાં ઢોળાઇ ગયેલો આત્મવિશ્વાસ... કૃષ્ણ નથી અને અર્જુન છીએ તો યુઘ્ધ કઇ રીતે જીતાય? અને એ પણ આ સમયમાં?
કવિ છેલ્લી ચાર પંક્તિઓમાં એનો યથાર્થ ઉત્તર આપે છે અને પોતાનાં ઉત્તરદાયિત્ત્વને નિભાવે છે. એ કહે છે કે, ભલે આપણું જીવન ‘કુરૂક્ષેત્ર’ હોય એમાં તો આપણાં પૌરૂષત્ત્વની સિઘ્ધિ છે, એમાં તે આપણાં બળની કસોટી છે. સચ્ચાઇ એની પરિપાટી છે. આપણે જ આપણી જીત હાંસલ કરવાની છે. આપણામાં જ એની પ્રેરણા- ેએનો વિશ્વાસ છૂપાયેલો છે. આપણે જ આપણાં સારથી છીએ, આપણે જ આપણાં કૃષ્ણ છીએ... આપણે જ ‘પરંતપ’ એટલે કે શત્રુને હંફાવનાર (અર્જુન) છીએ... આપણે જ આપણો વિજય છીએ...
જીવન જીવીએ જ છીએ, યુઘ્ધમાં ઉતરી ગયા છીએ, સામેલ છીએ પછી કૃષ્ણની રાહ જોવાની જરૂર નથી. એ તો આપણામાં જ છે. આપણે આપણા અર્જુન હોઇએ તો આપણે આપણા કૃષ્ણ પણ છીએ... પડકારનો સાભાર સ્વીકાર કરીને એને હચમચાવવાની એક ‘મજા’ હોય છે. હતાશા- નિરાશા- ઉદાસી આ બધા મનનાં કારણો છે એની ચિંતા કર્યા વગર જીવનનો પ્રત્યેક ક્ષણનો સામનો કરીએ એમાં જ ખરું સાર્થક્ય છે. આપણી અંદર ‘કૃષ્ણ’ પ્રગટશે; આપણી પ્રેરણા સ્વયં કૃષ્ણ થઇને આપણો દોરીસંચાર કરશે, ત્યારે યુઘ્ધની વચ્ચે પણ બુઘ્ધની જેમ આપણું ‘માણસપણું’ કરૂણમય બનશે. કોઇનોય સ્વભાવ ક્યારેય એકસરખો ચાલતો નથી; કોઇનોયે લગાવ એકધારો સાલવતો નથી; આપણે મક્કમ તો કાળનું જે થવું હોય તે થાય. આ સોનેટ થાકી ગયેલાઓને બેઠાં કરવાનું અને બેઠેલાઓને બે પગે ટટ્ટાર કરતું ‘સોનેટ’ છે...
ઓનબીટ
‘‘આખી સફરનો અર્થ અહીં એ કઢાયો છે
ચંપલનો એક છેડો વધારે ઘસાયો છે’’
- રઈશ મનીઆર

 

Share |
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય સુપર-મ્યુટન્ટ જેવાં સૈનિકો સર્જવામાં સફળ થશે ?''
હિરોશીમા- નાગાસાકીની પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઘટના ૬૪ વર્ષે પણ ભૂલાતી નથી
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
 
 

Gujarat Samachar Plus

૬૦ લાખની વસ્તી વચ્ચે માત્ર ૧૬ પ્લે ગ્રાઉન્ડ
અસ્સલ ટ્રેડિશનલ ડ્રેસ કોને કહેવાય?
બે કિલોમિટરે બોલી બદલતું શહેર
ઓલટાઇમ ફેવરિટ શેક્સપિઅર અને ટાગોર
   
 
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved