પારદર્શક દાનપેટીઓ
મનુષ્ય સામાજિક પ્રાણી છે. આ સમગ્ર પૃથ્વીનું સંચાલન કરનાર અદ્રશ્ય મહાશક્તિને તે દેવી-દેવતાઓનાં સ્વરૂપમાં હંમેશા પૂજતો આવ્યો છે. દેવી-દેવતાઓની મૂર્તિઓ મંદિરોમાં બિરાજમાન હોવાથી તે ભક્તિભાવપૂર્વક મંદિરોમાં ખેંચાઇ આવે છે. પ્રભુને નમન કરી તે યથાશક્તિ દાન આપે છે. આસ્થાના પ્રતિક સમા મંદિરોનો ખર્ચ નીકળે, મંદિરની આવકમાંથી અન્ય સારા કાર્યો થાય તેમજ ધર્મ સચવાઇ રહે તે હેતુથી લોકો મંદિરોમાંની દાનપેટીઓમાં રોકડ સ્વરૂપે દાન આપે છે. દાન હંમેશા ગુપ્ત અને મરજિયાત હોય છે. દાનપેટીઓ સીલબંધ હોય છે. ઉપરની નાનકડી પટ્ટીમાંથી જ દાન કરવામાં આવે છે.પરંતુ કેટલાંક મંદિરોમાં પારદર્શક દાનપેટીઓ રાખવામાં આવે છે જેની અંદર મોટે ભાગે રૂા. ૫૦, ૧૦૦, ૫૦૦ કે ૧૦૦૦ રૂપિયાની નોટો રાખવામાં આવે છે. મંદિરોમાં આવતા મોટા ભાગના લોકો ગરીબવર્ગના કે મઘ્યમવર્ગના હોય છે. મિત્રો, કુટુંબના સભ્યો અને મહંતની હાજરીમાં આવા શ્રઘ્ધાળુઓ દાનપેટીમાં બે-પાંચ રૂપિયા નાખતાં ક્ષોભ અનુભવે છે. પરિસ્થિતિ સારી ન હોવા છતાં તે કચવાતાં મને ઓછામાં ઓછા રૂા. ૫૦ દાનપેટીમાં નાખે છે. આવી પારદર્શક દાનપેટીઓને કારણે તેની ઈશ્વરમાંથી શ્રઘ્ધા તૂટવા લાગે છે અને ક્યારેક તે મંદિરોમાં આવતો બંધ થઇ જાય છે. જેને દાન કરવાની ઈચ્છા હોય તે અપારદર્શક દાનપેટીની ઉપરની પટ્ટીમાંથી હજારની નોટ નાખી શકે છે અથવાતો લાખો રૂપિયાનો ચેક મંદિરમાં દાન કરી શકે છે. જેથી ભક્તોની લાગણીઓ દુભાવતી આવી પારદર્શક દાનપેટીઓને તાત્કાલિક દૂર કરવી જોઇએ.
(હિંમતનગર) - અનિરુઘ્ધ આર. પટેલ
બ્લેક બેરી પર પ્રતિબંધ
આપણો દેશ છેલ્લા કેટલાક સમયથી આતંકવાદી હુમલાઓ તથા સરહદી પ્રદેશો જેવા કે કાશ્મીર, ઉત્તર-પૂર્વનાં રાજ્યો, કચ્છ જીલ્લામાં અવારનવાર ધૂસણખોરી જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે, ત્યારે દેશનાં દુશ્મનો એકબીજાનાં સંપર્કમાં રહેવા તથા ઉપરથી સુચના મેળવવા મોટા પાયે બ્લેક બેરી સર્વિસીસનો ઉપયોગ કરાતો હોવાનું જાણવા મળ્યું છે. આવા સંજોગોમાં ભારત દેશે બીજા સાઉદી આરબ જેવા સંયુક્ત દેશોની જેમ સુરક્ષાનાં મુદ્દે બ્લેક બેરીની મહત્વની સર્વિસ પર પ્રતિબંધની આપેલી ચીમકી યોગ્ય છે, કેમ કે આમાં આઘુનિક ૩-જી સીસ્ટમ ઉપલબ્ધ છે.
(નવસારી) - પરેશ અંતાણી
નિર્ણયો વૉટ બેન્કથી પર ક્યારે?
સરકારી નિર્ણય, અદાલતી ચૂકાદા, તપાસ પંચોના નિર્ણય કે બીજા લોકહિતના નિર્ણયો ક્યારે કારગત નીવડે કે જ્યારે વૉટ બેન્કના હિતમાં કે વૉટ બેન્કના ડરથી એક પણ નિર્ણય ન લેવો જોઇએ. હા વૉટ બેન્કના લાભ ખાટતી જાતીઓ માટે ખરેખર નુકસાન થતું હોય તો તટસ્થપણે અન્ય જાતીને લાભ મળવા જ જોઇએ. સમતોલ સમાજ સેવા અને ઉઘ્ધાર માટે આ પગલું જરૂર અસરકારક બનશે, એમાં શંકા નથી. ગાડી બે પાટા પર દોડી શકે પણ એક પાટા પર નમી જાય તો નુકસાન કરે.
(અમદાવાદ) - અખિલ બી. મહેતા
તકલાદી રસ્તાનો ઈલાજ
વર્ષો પહેલાં ગોંડલ રાજ્યના રાજવી ભગવતસિંહજીએ રાજ્યમાં રસ્તા અને પૂલોનું બાંધકામ કરનાર કોન્ટ્રેક્ટરો પાસેથી પુલ માટે ૧૦૦ વર્ષના અને રસ્તા માટે ૨૦ વર્ષના બોન્ડ લખાવી લેતા હતા. જૂના વખતમાં આ થઇ શકતું હતું તો આજે કેમ ન થઇ શકે?
જરૂર છે પ્રજા માટે કામ કરવાની - ‘સેવા’ નહિ- ઈચ્છા શક્તિ.
આજના સેવકો આવી શક્તિ લાવી શકશે?
(આણંદ) - ગુણવંતરાય શ્રીધરાણી
|