‘આ પીળું ફૂલ તમને ગમે ?’
એ અવાજનેય હું નથી ભૂલ્યો, અને એ છોકરીના ગુલાબી ચહેરાને ય હું નથી ભૂલ્યો. જ્યારે જ્યારે હું ક્યાંક બહાર જવા નીકળ્યો હોઊં ત્યારે અચાનક જ એ સામી આવીને ઊભી રહે અને મારા હાથમાં એકાદ રંગનું ફૂલ મૂકીને બોલે ! લો આ રાતું ફૂલ તમને ગમે ?’ મને બઘું જ યાદ છે. હું કશું જ નથી ભૂલ્યો. મારી સ્મરણશક્તિ માટે બીજાંને માન હોય કે ન હોય, પણ મને તો માન છે. કારણ કે વરસો પહેલાં બનેલા એકાદ નાનકડા બનાવને પણ હું ભૂલી શકતો નથી. મારા દિમાગમાં સજ્જડ રીતે ચોંટી જાય છે.
પણ એક વાત કરૂં ? ઘટનાઓ તો જીવનમાં અનેક બને છે. ને ગણ્યા ગણાય નહિ એટલા બનાવો બને છે. પણ બધા બનાવો એટલા મહત્ત્વના નથી હોતા ! અમુક જ બનાવો આંખ સામે સતત ફરક્યા કરે છે. એમાં એ છોકરીના ચહેરાને તો હું ક્યારેય ભૂલી શકું તેમ નથી. કારણ કે તે હતી જ એવી.
ત્યારે એ ગામમાં મારા બાપુજી શાળાના આચાર્ય તરીકે નોકરી કરતા હતા. ને ‘મોટા સાહેબ ના દીકરા’ તરીકે આખું ગામ મારી તરફ માનની નજરે જોતું હતું ! મને સહેજ છીંકો આવી હોય તો ય આખું ગામ ભેગું થઈ જતું ઃ ’’ મોટા સાહેબના દીકરાને શરદી થઈ ગઈ છે ! લોકો ખબર જોવા આવતા તાવ આવ્યો હોય તો મારી નજીક આવીને મારા કપાળ પર હાથ મૂકીને બોલતા ઃ ‘અરેરે, બહુ તાવ છે. મોટા દાક્તરને બોલાવો.’
‘દાક્તર’ શબ્દનો ઉચ્ચાર થાય ત્યાં તો દાકતર હાજર. હાથમાં ચામડાની બેગ. ગળામાં સ્ટેથોસ્કોપ. આવીને સીધા જ ડૉક્ટર મિ.શાહ મારો હાથ પકડી લે. પછી છાતી પર સ્ટેથોસ્કોપ મૂકે. પછી પાણી ગરમ કરવાનો ઓર્ડર અપાય ને પછી...ઈંજેકશનની સોય ‘ખચ્’ દઈને મારા થાપામાં દાખલ થઈ જાય ! બહાર ટોળું હોય અમે જે મહોલ્લામાં રહેતા એ આખો મહોલ્લો આંગણામાં ઠલવાઈ જાય.
સૌને મારા તાવની ચિંતા.
સૌને મારી શરદીની ચિંતા.
સૌને મારી બીમારીનું ટેન્શન.
દાકતર દવા આપીને બહાર નીકળે ત્યારે એમને ટોળું ઘેરી વળે ઃ ‘‘કેમનું છે, ડૉ. સાહેબ ?’’
‘તાવ છે કે બીજું કાંઈ ?’
‘મટી તો જશે ને ?’
સવાલો પર સવાલો. પ્રશ્નો પર પ્રશ્નો. ચિંતા ના શબ્દો હવામાં ઊડે આખા ગામમાં સમાચાર પ્રસરી જાય ઃ ‘‘મોટા સાહેબના તારલભૈને તાવ આવ્યો છે !’’ જોવા તો બધાય આવે. ખબર પણ બધા પૂછે. પણ એ બધામાં એક ચહેરો એટલે પેલી રાતુંપીળું ફૂલ આપનારી છોકરીનો નામ એનું નીલપર્ણા. બધા એને પર્ણા જ કહેતા. સવાર થાય, ને એ છોકરી મારા ઘરમાં પ્રવેશે ને કહે ઃ ‘લો આ સફેદ ફૂલ !’
‘તમને સફેદ રંગ ગમે છે ને ?’
‘હા.’
‘આ સફેદ ફૂલ તમને સાજા કરી નાખશે, ઝટઝટ !’
પર્ણા બ્રાહ્મણની દીકરી હશે પંદરેક વર્ષની ચહેરો ગુલાબી ભરેલી કાયા માંજરી આંખો. વાળની બે ચોટીઓ લબડાવવાની એની આદત. કપાળ મોટું ને હોઠ રાતાચટ્ટક. મા-બાપે ય કદાચ આઠ-નવ ધોરણ પછી સ્કૂલમાંથી ઊઠાડી દીધી હશે કદાચ ભણતર ઓછું હશે, પણ સ્માર્ટ એટલી જ એ મારી પાસે આવતી. મારા હાથમાં ફૂલ મૂકતી હું ક્યારેક પૂછું ઃ ‘‘પર્ણા, તું મને રોજ રોજ ફૂલ કેમ આપે છે ?’’
‘તમને નથી ગમતું ?’
‘ગમે છે.’
‘તો પછી સ્વીકારો.’
‘જરૂર સ્વીકારીશ પણ સવાલ એ છે કે તું માત્ર મને જ ફૂલ કેમ આપે છે ?’
‘એક છોકરી, એક છોકરાને ફૂલ ક્યારે આપે ? કારણ કહું ? કારણ કે તમે મને ગમો છો !’’
એમ તો પર્ણા પણ મને ગમતી હતી. ગટુગોરની એ દીકરી. જજમાનવૃત્તિ કરીને ઘર ચલાવતા ગટુ ગોર. ક્યારેક સત્યનારાયણની કથા કહેવા જાય તો ક્યારે પરણાવવા પણ જાય. ક્યારેક હોમ હવનમાં પણ જાય. એમનાં પત્ની પાર્વતી બહેન તો પર્ણાના જન્મ પછી મૃત્યુ પામ્યાં હતા, એટલે પર્ણા માટે તો બપાગણો તોય એ, ને મા ગણો તો ય એ. ગટુ ગોરનું ખોરડું ઘસાયેલું, પણ ખાનદાની અકબંધ. છોકરી હવે મોટી થતી જતી હતી. ગટુ ગોર ક્યારેક કહે ઃ ‘‘મારી પર્ણાને તો રાજાના કુંવર જેવા છોકરા હાર્યે પરણાવવી છે. જોજોને, એના માટે હું એવું ઘર ગોતીશ, એવું ઘર ગોતીશ-’’
‘‘કેવું ?’’
‘‘ઘરમાં સુખ જ સુખ હોય. આંગણામાં મોટરો પડેલી હોય. છોકરો બંગલામાં રહેતો હોય. ઘરમાં નોકર ચાકરોની ફોજ હોય !!’’
‘તો તો ગોરબાપા, બવ સરસ !’
‘હું ફૂલ આપવા આવેલી પર્ણાને ક્યારેક કહું ઃ ‘પર્ણા-’’
‘શું છે ?’
‘તારા બાપુ તો તારા માટે મોટાં મોટાં સપનાં રચે છે.’
‘તે રચે જ ને ? બાપ છે ને !’
‘એવો છોકરો મળે તો સારૂં.’
‘મળી ગયો છે !’
‘મળી ગયો છે ?’
‘હા, મળી ગયો છે.’
‘કોણ છે એ ભાગ્યશાળી !’
‘તમે ! હા, એ છોકરો તમે છો. તમે મને ગમો છો. બોલો, હું તમને ગમું છું ?’
‘પણ-’
‘પણ શું ?’
‘અમે પટેલ, તમે બ્રાહ્મણ ! તારા બાપુજી સ્વીકારશે ?’
‘નહીં સ્વીકારે તો ભાગી જઈશું.’
પર્ણા ગમે તેવી છે..ગૌરવર્ણ છે. કોઈ પણ લગ્નલાયક સ્વપ્નિલ યુવકની આંખોમાં વસી જાય એવી છે. રૂપાળી છે. નમ્ર છે. ગુણિયલ છે એ જોડે ઊભી હોય તો શોભી ઊઠીએ એવી છે. કોઈને પણ આંગળી ચીંધીને કહી શકાય ઃ ‘આ ઊભી, એ મારી પત્ની છે !’
- પણ બઘુ કાંઈ આપણા પ્લાન પ્રમાણે નથી બનતું. આપણે વિચારીએ એ પ્રમાણે થતું નથી. હું ગુંચવાયેલો હતો. પર્ણા મારા પર આશા ભરી મીટ માંડીને બેઠી છે. ને એના બાપુજી અને મારા બાપુજી આ બાબતમાં સંમત થાય તેમ નથી અમે વારંવાર મળતાં. એ મારા હાથમાં ફૂલ આપતી. કહેતી ઃ ‘આ ફૂલની ઈજ્જત સાચવજો !’
‘ફૂલ મને ગમે છે.’
‘ને હું ?’
‘તું તો ફૂલથી ય વધારે ગમે છે, પર્ણા !’
‘મને ય.’
‘શું ?’
‘મને ય તમે ગમો છો !’
ક્યારેક ઘરમાં કોઈ ન હોય ત્યારે પર્ણા એના હાથે બનાવેલી સુખડી લઈને મારા ઘેર આવતી. અંદરના ઓરડે હીંચકા પર જોડાજોડ બેસીને અમે સુખડી ખાતાં. એ કહેતી ઃ ‘‘મને ખબર છે તારલ, કે સુખડી તમને બહુ ભાવે છે !’’
‘તને ક્યાંથી ખબર પડી !’
‘ગમતા માણસને જં કંઈ ગમતું હોય એ બધાની છોકરીને ખબર પડી જ જાય છે !’
‘તને શું ભાવે ?’
‘તમને ભાવે તે મને ભાવે !’
- પણ બાપુજીને એકાએક જ સરકારમાં નાયબ શિક્ષણાધિકારીની નોકરી મળી ગઈ. એ માટેની એમણે પરીક્ષા પણ આપી હતી. પરિણામ આવ્યું. પછી ઓર્ડર આવ્યાં. ને અમારે રાતમાં જ ઉચાળા ભરવા પડ્યા. ત્યારે પર્ણા તેની માસીના ગામે ગઈ હતી. લગ્નનો પ્રસંગ હતો ને ત્યાં વીસ-પચીસ દિવસ રહેવાની હતી ! બાપુજીને દૂરના શહેરમાં નોકરી પર હાજર થવાનું હતું. ટ્રક ભરાયો લોકોએ વિદાય આપી અને અમે દૂરના આ શહેરમાં આવી ગયા. પણ પર્ણા ?
પર્ણા ગામમાં નહોતી પર્ણા મારા દિલમાં હતી....પણ પર્ણાને મળાય તેમ નહોતું. મારૂં દિલ આક્રંદ કરતું હતું. મારી નજર વારંવાર ગટુ ગોરના ખોરડા તરફ દોડી જતી હતી પણ ત્યાં પર્ણા નહોતી.
એક અફસોસ સાથે હું શહેરમાં આવ્યો. મારૂં દિલ ત્યાં પર્ણાના ગામમાં હતું...અને આજે પૂરાં આઠ વરસ પછી, હું જ્યારે નાયબ મામલતદારની નોકરી કરૂં છું ને આ જ તાલુકામાં બદલી થઈ છે ત્યારે પર્ણાના વિચારો મને આવે છે. હું જીપ સ્ટાર્ટ કરૂં છું ને પર્ણાના ગામમાં આવીને જીપ ખડી કરી દઊં છું.
(વઘુ આવતાં અંકે)
|