Last Update : 08-Sept.-2010, Wensday
જીવન એક બાગ હોય તો તેને મહેકતો રાખવા માટે શું કરવું જોઈએ ?
ગુફતેગો - ડૉ ચંદ્રકાન્ત મહેતા
જીવનબાગ પ્રત્યેનો આપણો અભિગમ ‘માળી’ તરીકેનો નહીં પણ ‘માલિક’ તરીકેનો છે. પરિણામે માળીની કર્તવ્યશીલતાને બદલે માલિકીપણાનો અહંકાર મનુષ્યના જીવનનું સંચાલક પરિબળ બની જાય છે !

 


જીવન એક બાગ હોય તો તેને મહેકતો રાખવા માટે શું કરવું જોઈએ ?
* પ્રશ્નકર્તા ઃ ઘનશ્યામ ત્રિભુવનભાઈ પટેલ, ૧૮, જગન્નાથ પાર્ક, મલાવ તલાવ પાસે, જીવરાજપાર્ક, અમદાવાદ.

હકારાત્મક દ્રષ્ટિથી જોતાં કહી શકાય કે જીવન એ ‘બાગ’ છે. બાગમાં વૃક્ષો પણ હોઈ શકે અને મહેકતા ફૂલવાળા નાનાં છોડવાઓ. ગુલાબ સાથે કાંટા પણ હોવાના અને આપોઆપ ઉગેલા થોળ પણ. મધમધતાં ફૂલોની સાથે-સાથે ધતૂરા જેવાં ગંધહીન ફૂલો પણ હોઈ શકે.
વિશાળ અર્થમાં જીવનને બાગ તરીકે મૂલવીએ તો આપણી ફરજ કેવળ ‘માલિક’ તરીકેની નહીં પણ ‘માળી’ તરીકેની પણ છે! જીવનને ફૂલવાડી બનાવવું હોય તો સુંદર ફૂલો વિકસે, હેમખેમ રહે એ માટે છોડની માવજત કરવી પડે. એ માવજતમાં પૂરતું ખાતર, પાણી, પ્રકાશ પ્રાપ્ત થાય એનો પણ ખ્યાલ રાખવો પડે. નિંદામણ કરી ક્યારીને ચોખ્ખી રાખવી પડે. છોડ કે ઝાડના મૂળમાં ઉધઈ ન લાગે એ માટે જંતુનાશક દવાઓ દ્વારા જમીનને સ્વસ્થ-સ્વચ્છ રાખવી પડે. આંધી-તોફાન-વરસાદી ઝાપટાં વગેરેથી ફૂલ-ઝાડને નુકસાન ન પહોંચે એની કાળજી રાખવી પડે. એ ત્યારે જ શક્ય બને જ્યારે માળી જાગૃત હોય, કર્તવ્યશીલ હોય, પુણ્યપ્રેમી હોય અને ફૂલ-ફળ-છોડ અને વૃક્ષનો સંત્રી બનવા માટે સંકલ્પબદ્ધ હોય! બગીચામાં કાદવ-કીચડ અને સડા દ્વારા દુર્ગંધ ન ફેલાય એ પણ એટલું જ જરૂરી છે.
જિંદગીના બાગની બાબતમાં આ બધી બાબતોનો આપણે ખ્યાલ રાખીએ છીએ ખરા? જીવનબાગ પ્રત્યેનો આપણે અભિગમ ‘માળી’ તરીકેનો નહીં, પણ ‘માલિક’ તરીકેનો છે. એટલે જીવન સાથેનો આપણો વ્યવહાર સ્વચ્છંદી છે. માલિક હોવાના મદમાં જીવનને આપણે જાળવી શકતા નથી! પરિણામે ‘માળી’ની કર્તવ્યશીલતાને બદલે માલિકીપણાનો અહંકાર મનુષ્યના જીવનનું સંચાલક પરિબળ બની જાય છે. બાગના રક્ષણકાર્યમાં પશુઓ બાગને નષ્ટ-ભ્રષ્ટ ન કરી નાખે એ માટે વાડ કે કોટની જોગવાઈ કરવી પડે છે. જિંદગીના બાગને ઉજાડનારાં હિંસક પશુઓ છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર જેવા દુર્ગુણો. સત્વ ગુણ જીવનમાં મહેક પ્રગટાવે અને રજોગુણ તથા તમોગુણ માણસની વિવેકદ્રષ્ટિને નષ્ટ કરે, સદ્ગુણોના વિકાસમાં વિધ્નો ઉભાં કરે.
જીવનના બાગને રક્ષવા સંયમની વાડ કરવી પડે, જેથી બાગ સુરક્ષિત રહે. જિંદગીના બાગના મૂળમાં ઉધઈ ન લાગે એટલા માટે દુર્ગુણોરૂપી કીટાણુઓના નાશ માટે સદાચારની દવાનો છંટકાવ કરવો પડે. જીવનનો બાગ તરસ્યો ન રહે અને ફૂલ-ઝાડ આગમાં શેકાય નહીં એ માટે એને રક્ષણાત્મક પ્રબંધ કરવો પડે. એ રક્ષણાત્મક પ્રબંધ છે. જીવન પ્રત્યેનો સંવેદનશીલ-લાગણીસભર અભિગમ. બાગની જમીનને ફળદ્રુપ બનાવવા ખાતરની જરૂર પડે. જીવન બાગની જમીનમાં પણ પ્રેમ, દયા, કરુણા, સદ્ભાવ, સમદ્રષ્ટિ જેવાં ઉદાત્ત જીવન મૂલ્યોનું ખાતર પૂરતા રહેવું પડે. ખાતરની સાથે પાણીની પણ એટલી જ આવશ્યકતા રહે. એ પાણી છે શુભ અને શિવ સંકલ્પ. આ બન્ને હોય તો મસ્તિલ્ક ‘ભગવદીય’ એટલે કે પાવન બને. બાગના છોડ-ફૂલને પ્રકાશ પ્રાપ્ત ન થાય તો તેનો વિકાસ અવરોધાય. જીવનના બાગને પણ સ્વાર્થ, પ્રપંચ, દ્વેષ વગેરેના અંધકારથી મુક્ત રાખી ત્યાગ, સમર્પણ અને સદવર્તનના પ્રકાશથી છલકાતું રાખવું પડે.
આપણું જીવન કોઈ પરમશક્તિની થાપણ છે. જેમ માળી બાગને જાળવે છે એમ આપણે પણ જીવનબાગને જાળવવા બંધાએલા છીએ. અને એટલા માટે માણસે જીવન પ્રત્યેનો વિનમ્ર દ્રષ્ટિકોણ કેળવી જીવનના સ્વામી નહીં સેવક બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. જીવનના બાગને ઉજાડવાનું કામ પણ માણસ કરી શકે અને મહેકાવવાનું પણ. જીવનબાગને ઉજાડવા માટે ક્ષણિક આવેશ જોઈએ અને મહેકાવવા માટે સતત સાધના, ચિંતન અને કર્તવ્યપરાયણતા. ફૂલમાં મહેક આપોઆપ પ્રગટતી નથી, ધરતી કેટલી પીડા સહન કરે ત્યારે એની કૂખેથી છોડ દ્વારા એક ફૂલ જન્મે છે. ચારિત્ર્ય એ વ્યક્તિત્વનું સહુથી મોંઘેરું અને મધમધતું ફૂલ છે. જીવન-બાગમાં પણ ચારિત્ર્યનું ફૂલ ખિલેલું રહે અને એની મહેક અત્ર-તત્ર-સર્વત્ર પ્રસરેલી રહે એ જ વ્યક્તિની સિદ્ધિ છે. ફૂલ ક્યારેય એ નથી વિચારતું કે એને તોડવા આવનાર કોણ છે અને એની સાથે કેવો વ્યવહાર રાખવો જોઈએ. વ્યક્તિને જોયા વગર મહેકની ખેરાત કરવી એ ફૂલે સ્વીકારી લીધેલો અસ્તિત્વધર્મ છે. માણસે પણ પોતાની પાસે આવનારની આવશ્યકતાને સમજી તેને ઠારવાની પ્રવૃત્તિ કરવી જોઈએ. સંસારમાં વિચરતા-વિહરતા સર્વ જીવોમાં પણ મારામાં છે તેવું જ ચૈતન્ય વિલસી રહ્યું છે એટલે સહુને પ્રેમ થકી અપનાવવા હું બંધાએલો છે એવી ઉદાર માન્યતાની કેળવણી માણસે પોતાના મનને આપવી જોઈએ. બગીચાનાં ફૂલોમાં નથી હોતો દ્વેષ કે નથી હોતી સંકીર્ણતા. માણસે પણ ફૂલો પાસેથી એવો સંદેશ આત્મસાત કરી જીવનને સંકુચિત ખાબોચિયું બનાવવાને બદલે વહેતું ઝરણું બનાવવું જોઈએ. કારણકે જ્યાં વિસ્તાર છે ત્યાં વિકાસ છે, ત્યાં જ ધબકાર છે અને ત્યાં જ જીવન છે.
સદ્ગુણો એ સાધનાની નિપજ છે, જ્યારે દુર્ગુણો તો કશા પ્રયત્ન વગર ફાલતા હોય છે. બાવળ ઉગાડવા મહેનત નથી કરવી પડતી, મહેનત તો કરવી પડે છે - ગુલાબોદ્યાનના નિર્માણ માટે. જીવનમાંથી દુર્ગુણોને જાકારો આપવો હોય તો આત્મશુદ્ધિ માટે સતત મહેનત કરવી પડે. આત્મશુદ્ધિને પગલે જ સદાચાર પ્રગટે. સામાન્ય માણસ અને મહાપુરૂષ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરતાં મહાત્મા કોન્ફ્યૂશ્યસે સાચું જ કહ્યું છે કે મહાપુરુષ સદાચારનો વિચાર કરે છે, જ્યારે તુચ્છ માણસ કેવળ સુખનો, મહાપુરુષ શાસ્ત્રજ્ઞાનનો વિચાર કરે છે, જ્યારે ક્ષુદ્ર માણસ લોભનો.

 

Share |
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય સુપર-મ્યુટન્ટ જેવાં સૈનિકો સર્જવામાં સફળ થશે ?''
હિરોશીમા- નાગાસાકીની પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઘટના ૬૪ વર્ષે પણ ભૂલાતી નથી
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
 
 

Gujarat Samachar Plus

૬૦ લાખની વસ્તી વચ્ચે માત્ર ૧૬ પ્લે ગ્રાઉન્ડ
અસ્સલ ટ્રેડિશનલ ડ્રેસ કોને કહેવાય?
બે કિલોમિટરે બોલી બદલતું શહેર
ઓલટાઇમ ફેવરિટ શેક્સપિઅર અને ટાગોર
   
 
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved