|
મોરના ઈંડા ચીતરવા ના પડે !
આ ઉક્તિ કેટલીય વાર કાને પડી હશે તમે પોતે પણ કેટલીય વાર બોલ્યા હશો. કોઈકના સંતાનની સિદ્ધિ બદલ એના માતાપિતાની પ્રશંસામાં આ વાક્ય બોલ્યા હશો. મા-બાપના ગુણ સંતાનને વારસામાં મળે જ. એ વારસો સંતાનો ઉજાળે ત્યારે એમાં એમનો પોતાનો પ્રયત્ન પણ હોય જ છે. પરંતુ, સાથોસાથ એ વારસાનો ય ફાળો એમાં હોય છે. સંતાનની પોતાની પ્રતિભા અને સાધનોનો એમાં સ્વીકાર છે જ, પણ એમના મા-બાપના સંસ્કાર, એમની પ્રતિભા, એમની શક્તિનો પણ એમાં અંશ હોય છે. સંતાનની સફળતાનો યશ એના માતાપિતાની યોગ્યતાને આપતા આ વાક્ય બોલાય છે ઃ ‘મોરના ઈંડાને ચીતરવા ના પડે.’
પણ આ વાક્યનો વાચ્યાર્થ કોઈ ભાગ્યે જ સમજે છે. ઈંડા ચીતરવાની વાત સમજાતી નથી. વળી, ઈંડા તો ઢેલના છે ! ઢેલ જ ઈંડા મૂકે છે ને મોરની સરખામણીમાં ઢેલ અ-સુંદર છે. જો કે, આ તો આપણું તારણ છે. મોરને એવું નહિ જ લાગતું હોય. કારણ કે વર્ષોથી મોર ઢેલને જ રાજી કરવા કળા કરે છે. પીંછાનો ભાર વેઠે છે. આ વઘુ કષ્ટદાયક પણ છે, ને છતાં રૂપરૂપનો અંબાર મોરલો પોતે અ-સુંદર ઢેલને રીઝવવા આ બઘું જ કરે છે. પ્રકૃતિના આટાપાટા સામાન્ય સમજની બહાર છે.
મોરના ઈંડા ચીતરવા ન પડે એટલે શું ? ચીતર્યા વગર જ ખબર પડી જાય કે આ મોરના જ છે એવું જ કૈંક અપેક્ષિત હશે ? એને ઓળખવા માટે ચીતરીને કોઈને બતાવવાની જરૂર નહિ, એવું કૈંક અપેક્ષિત હોય એમ બને. ઈંડા જોઈને જ ખબર પડી જાય કે આ ઈંડા મોરના.
વાત રસપ્રદ છે. બાળક તો સામે છે એના નાક-નકશા જોઈ શકાય છે અને મા-બાપનો અણસાર પામી શકાય છે. પણ ઈંડુ જોઈને ઓળખ કરવી અઘરી છે ને છતાં આ ઈંડા એવા છે કે એને જોતાં વેંત જાણકાર કહી દે કે એ મોરનું ઈંડુ છે. ઈંડા સ્વરૂપે પણ એમાં મોરની કોઈ વિશેષતા અણસાર બનીને ઓળખાય છે.
આમ તો આ અને આવી વાતો કટલીક કહેવતો સામાજિક અવધારણા પરથી ઘડાય છે. માતાપિતાના ગુણલક્ષણ, એમના બાળકમાં પણ હોય છે, એવું અવલોકનોને અંતે તારવાયું છે કેટલા બધા બાળકો પોતાના માતાપિતાની કોઈક વિશેષતા (મર્યાદા પણ ખરી) લઈને જ આવે છે. ને એને આધારે એના મૂળ જ્યાં છે એ ક્યારાનો ય ઘનિષ્ઠ પરિચય મળે છે. સંતાનને જોઈને એના જન્મદાતાનો અણસાર મળે છે. સંતાનોના ગુણ-અવગુણ એના માતાપિતાની ય ઓળખ આપ છે. કહ્યું છે ને કે, મોરના ઈંડા ચીતરવા ના પડે ! ગમે તેટલા ગોપિત રાખો, અપ્રગટ રાખો, છાના રાખો એ છતરાયા થવાના જ. પ્રકૃતિવિદનું એક બહુ જ જાણીતું અવલોકન છે. કોયલ પોતાના ઈંડા કાગડીના માળામાં મૂકી આવે છે. કાગડી એને પોતાના જ બચ્ચા સમજી ઉછેરે છે ને એક દિવસ એને કાને ‘કા..કા...’ને બદલે ‘કૂઉ...’ ગૂંજે છે. આ કિસ્સામાં ઈંડા છેતરે છે. ઓળખ તો કોચલુ તૂટે પછી જ બોલે છે. પણ કાગડીના માળામાં રહેવા છતાં, કોયલનું બચ્ચું કા... કા... નથી જ કરતું. એ પોતાની ઓળખ જાળવી રાખે છે.
આ બંને ઉદાહરણમાંથી એક તારણ કઢાયું છે કે, પેઢીના સંસ્કાર આગળ ઉતરે છે ને પેઢીની ઓળખ બને છે ને એને કારણે જ અસલના વખતમાં વર કરતાં ય ઘરનો મહિમા વઘુ હતો. ‘કોના સંતાન છે’ એ વાતનું વજન પડતું કે ઓછું થતું. મા-બાપની સિદ્ધિ કે મર્યાદા એમના સંતાનોની ઓળખ ઘડતી. જેના પરિવારમાં કોઈ રોગ હોય તો એ એના વંશમાં પણ અંશરૂપે ઉતરે એવી માન્યતાથી સંબંધ તોડાતા કે રોકાતા અને કેટલાય કિસ્સા એના અનુમોદનમાં ઘ્યાન પર લવાતા. વિજ્ઞાન પણ ‘જીનેટીક્સ’નું નવું શાસ્ત્રજ્ઞાન દ્રઢ કરી રહ્યુ છે. સંશોધનો ચાલે છે અને આ વંશાનુગત વારસાના સિદ્ધાંતોને ચકાસે છે.
પણ અહીં ય એવા ય કેટલાક ઉદાહરણો આગળ ઊભા રહી જવું પડે છે, જેમાં ઉત્તમ માતાપિતાના બાળકોનું વર્તન શરમાવે એવું હોય છે અને બદનામ માતાપિતાના સંતાનો એમની સિદ્ધિઓ બદલ પ્રતિષ્ઠા પામતા હોય છે. તો અહીં જનીનશાસ્ત્રમાં શું કહેશે ? આવા કિસ્સાઓ અપવાદરૂપ જ હોય છે એવું નથી. બંને બાજુ આવા તો અનેક ઉદાહરણો મળે છે. વૃક્ષને જોઈને ફળ અને ફળને જોઈને વૃક્ષનું અનુમાન વનસ્પતિશાસ્ત્રમાં ચાલે, માણસ જાતમાં ખોટું ય પડે ! પ્રાણી વિજ્ઞાનના સિદ્ધાંતો પશુ- પંખીમાં સાચા પડે, માણસોમાં ખોટાં ય પડે છંછેડો નહિ તો સાપ સીધો જતો રહે એવું બને, માણસ પાછળથી આવીને આયોજનબદ્ધ ડંખ દે છે. છંછેડવાની જરૂર ન પડે ભર્યા પેટે પણ માણસ હુમલો કરી દે. કાગડીનું બચ્ચું ટહૂકીને ના છેતરે. માણસ પાસે તો પોતે જે નથી તે દેખાડવાના હજાર કિમીયા છે.
તો, આ જન્મજાત સંસ્કાર વારસાની વાત ખોટી ? સાવ એવું પણ નથી કેટલીય એવી જ્ઞાતિગત વિશેષતાઓ આજે ય જોવા મળે છે. જે જોઈને જે તે જ્ઞાતિની ઓળખ મળી શકે છે. અથવા, જે તે જ્ઞાતિમાં બહુધા એ પ્રકારની વિશેષતા જોવા મળી શકે છે.
કર્મને આધારે શરુ થયેલી વર્ણવ્યવસ્થામાં વર્ષો સુધી અને વ્યવસાયના લોકોની પેઢીઓ જે તે વ્યવસાયમાં જ રહી. પરિણામે એ વ્યવસાયનું વાતાવરણ એમના ઉછેરનું અગત્યનું અંગ બની ગયું. અને એ એમના સ્વભાવમાં ઉતર્યું અને ઓળખ બન્યું. વર્ણ વ્યવસ્થા એ કાર્ય વહેંચણીની માંગ હતી એને બદલે એ કાર્ય સંબંધે જે ઉંચા-નીચાના ખ્યાલ સર્જાયા એ દ્રઢ થઈ ગયા અને પરિણામે વર્ણવ્યવસ્થા વર્ણભેદ બની ગઈ. ધન અને શક્તિનો મહિમા થયો. ધન પાસે ખરીદશક્તિ હતી, શક્તિ પાસે રક્ષણ શક્તિ હતી. વિદ્યાને પૂજનીય ગણાઈ અને એ આપવાનું મર્યાદિત બનાવાયું. સેવા શક્તિનું સશક્તીકરણ ઓછું થયું. વર્ણવ્યવસ્થા પ્રમાણે જે જ્યાં જનમ્યા તેમને ભાગે તે જ કામ આવ્યું. વાતાવરણ આવ્યું, આદાનપ્રદાનમાં સેવાકામ સ્વીકારવાનું કોઈને ન ગમ્યું. પરિણામે વર્ણ-દ્વાર બંધ થઈ ગયાં. જે જ્યાં છે ત્યાં જ રહે. વિદ્યા એ જીવનનિર્વાહ માટે કર્મકાંડ તૈયાર કર્યા અને એનો અમલ અનિવાર્ય બનાવ્યો. આ ઘોષણા વિદ્યાએ કરેલી એટલે બીજાએ માનવી જરૂરી હતી. ધનિકે એનો સ્વીકાર કર્યો અને દક્ષિણા ચૂકવી. શક્તિએ પણ માથું નમાવ્યું અને એનો આદર કર્યો. આ ત્રણ વર્ગની બહુમતી સામે ચોથા સેવાવર્ગની માત્ર સેવાની જ જરૂર રહી ! ત્રણ વર્ગો અરસપરસ વ્યવહાર અવશ્ય કરે, છતાં વિદ્યાધારીએ તો અન્ય તમામથી અંતર જાળવવા એવો આદેશ અમલમાં હતો ને એના ભંગની કલ્પના પણ ન થઈ શકતી.
એ જ વાતાવરણમાં ઉછરવાના કારણે જે તે વર્ણના સંતાનોને જે તે કામ અને એને કારણે જાગતા સંસ્કાર વારસામાં ઊતર્યા. વિદ્યાના ઉપાસકોના સંતાનો કૈં વિદ્વાનો જ નહોતા. પણ બીજા કોઈને તો એ ક્ષેત્રમાં પ્રવેશ જ નહોતો એટલે એમનો ગઢ અજેય બની ગયો. સરસ તલવાર ચલાવી જાણનાર કે વ્યાપારી કૌશલથી ધનના ઢગલા કરી શકનારને પણ એમાં પ્રવેશ નહોતો ત્યાં સેવાવર્ગની તો વાત જ ક્યાં ? આવું જ અન્ય બંને વર્ણો બાબતે પણ બન્યું. તલવાર ચલાવનારા તલવારોથી જ ખેલતા અને રૂપિયા કમાનારા વેપારમાં જ ડૂબેલા રહેતા. એમના બાળકો પણ એ જ કરતા. એક જ વાતાવરણ અને અનુભવને કારણે એ ક્ષેત્રનું કૌશલ વધતું- ઓછું એમનામાં આવ્યું. સવાલ પ્રતિભાનો નહિ, પ્રતિબંધનો હતો.
આવા કારણોસર સંસ્કાર વારસો શબ્દ પ્રચારમાં આવ્યો. અલબત્ત, આ તમામ વર્ણો વચ્ચેની સીમારેખાને વળોટીને અન્ય ક્ષેત્રોમાં ય સિદ્ધિ મેળવવાના અપવાદરૂપ ઉદાહરણો પણ મળે જ છે. વણિકના સંતાને તલવાર ઉપાડી હોય અને સેવાધારી વર્ગના બાળકે કવિતા ગાઈ હોય એવા ઘણાં દ્રષ્ટાંત છે. આથી પેઢીના સંસ્કાર આવે જ આવે એવી વાત માનવી મુશ્કેલ પણ છે.
પ્રતિબંધને કારણે પ્રાપ્ત પરિણામોથી પોરસાનારા સમાજે ‘મોરના ઈંડા’ની વાહ વાહ કરતાં, મોરના ગુણગાન ગાયા. હજી તો ઈંડુ છે, ઈંડામાં છે, હજી તો ડોકું જ બહાર કાઢ્યું છે, ટહૂકાની તો હજી શરુઆત છે, કળા કરવાની તો હજી બાકી જ છે. પણ, આ બઘું અદ્ભુત જ હશે, એવી અવધારણા બાંધીને વખાણ-વર્ષા થાય છે. જે ક્યારેક કમોસમી, તો ક્યારેક કસમયની સિદ્ધ થાય છે અને મળવાપાત્ર પરિણામ ગુંચવાઈ પણ જાય છે. તેજ ચમકાર સમી બાળપ્રતિભાઓ પાછળથી ખોવાઈ જાય છે એનું એક કારણ આ પણ છે.
પણ - આ ‘સંસાર’ના વારસાની વાતનો સાવ છેદ પણ ઉડાડવા જેવો નથી. વર્ણ વ્યવસ્થાને ગાળો દઈને વર્ણભેદને ભડકાવી રાજકીય લાભ લેવાની રીત આજના રાજકારણની મુખ્ય ચાલ છે. આ એક જાહેર ષડયંત્ર છે. એના વિષે સૌ જાણે છે. અને સૌને પોતાના મંતવ્યો છે. હવે આ અંગેની ચર્ચાઓ પણ મોકળાશથી થાય છે.
શોષિત- પીડિત- દલિત વર્ગો માટે અનામત, એ એમનું શોષણ થવા બદલ સવર્ણોએ કરવા યોગ્ય પશ્ચાત્તાપ છે. અમાનવીય વ્યવહારોથી અપમાનિત પ્રજા સમૂહને વિકાસની યાત્રામાં સાથે રાખવાનો એમાં ભાવ છે. નબળા સાથીની આંગળી પકડવાની છે અને સાથે જ નહિ, આગળ રાખવાનો છે. એને વારસામાં મળેલા ઘા પર આ મલમ છે અને મળેલા સંસ્કાર વારસાએ પણ એના સ્વભાવમાં ઉતરીને પોતાનો રંગ દેખાડ્યો છે. પેઢીઓથી ધૂંટાયેલી કટૂતાને વિસરવી સહેલી નથી. લોકશાહી શાસન વ્યવસ્થામાં ‘અનામત’ની રાહે એમને તક આપવામાં આવી છે. ભારતનું બંધારણ આ અધિકારની પડખે ઊભું છે.
પણ વાત પેલા વારસામાં ઉતરતા ‘સંસ્કાર’ની છે આ સંસ્કારમાં જે કટૂતા દ્રઢ થઈ છે, બદલો લેવાનો આક્રોશ, બતાવી દેવાનો મિજાજરૂપે ઘૂંધવાઈ રહ્યો છે એને શક્તિ બનાવીને, સંઘર્ષ કરીને પોતાની ક્ષમતા પુરવાર કરવાનો આત્માભિમાન સાથેનો રણકો પણ સંભળાય છે. તો મળેલી અનામતના અધિકારનો લાભ ઉઠાવતા જઈ સજ્જતાની ધાર કાઢવાનું છોડી દઈ અનુકૂળતાને આનંદનારા ય ઘણા છે. જેને જે ઋચે તે માર્ગે જઈ રહ્યા છે. પ્રથમ માર્ગના પ્રવાસીઓને સમાજ પ્રભાવિત થઈને આદરથી જોઈ રહ્યો છે. બીજા માર્ગના પ્રવાસીઓ માટેનો અણગમો વધતો જઈ રહ્યો છે.
ઉત્તર પ્રદેશ ભારતનો વિશાળ રાજ્યવિસ્તાર છે. દેશને વડાપ્રધાનો પણ અહીંથી મળ્યા છે. તેજસ્વી રાજનેતાઓ પણ મળ્યા છે. જાંબાઝ સેનાનીઓ મળ્યા છે તો દક્ષ વહીવટકર્તાઓ પણ મળ્યા છે. કલા- સંસ્કારની નગરી રહી છે લખનૌ. આજે આ પ્રદેશ પર સુ.શ્રી માયાવતીજી રાજ કરે છે. એ દલિત નેતા છે. સુશિક્ષિત છે. રાજનીતિજ્ઞ છે. દલિતોનો વિશ્વાસ જીતી શક્યા છે. ઉત્તર પ્રદેશની સમાજ વ્યવસ્થામાં દલિતોની દુર્દશા કમકમાવે તેવી રહી છે. એ સમાજમાંથી એક મહિલા રાજ્યના મુખ્યમંત્રી પદે બિરાજે એ ઘટના જ ઘ્યાન ખેંચે એવી છે.
સુ.શ્રી માયાવતીજીએ એમના રાજ્યારોહણમાં એક સમયે સવર્ણોને ચાર જૂતા મારવાની હાકલ કરી જોઈ છે. તે પછી એમને સાથે રાખવાની વાત કરીને એના લાભ મેળવી શક્યા છે. હવે એ સવર્ણોનો સાથ મેળવીને સત્તા પર આવેલા ને છતાં દલિતની રાજકીય ઓળખ વધારતા જતા નેતા છે.
તાજેતરના બનાવો ઘણાને અકળાવે છે. ચેતનાની જીવનશૈલી રાજાશાહીની છે. એમની વકતૃત્વ કલામાં અહંકાર અને સવિનય હંકાર બનીને પ્રગટે છે. સંકોચશીલતાને એ ઘોળીને પી ગયા છે. ધાર્યું કરે છે અને જવાબ આપવા બંધાયેલા ન હોવાની સ્પષ્ટ જાહેરાત કરે છે. નૃત્ય- ગાનના જલસા આનંદે છે ને જી હજૂરીની સલામો ઝીલે છે. એ જાતે જ ગોઠવે છે આ બઘું આયોજનબદ્ધ એ એમની છબી રચી રહ્યા છે. એમણે પોતે પોતાનાં પૂતળા ગોઠવ્યાં છે ! લોકશાહી ભારતના ઇતિહાસમાં આવું કરવાની હદ સુધી હજી કોઈ નથી ગયું ! એમનું પ્રતીક હાથી છે. હાથીની પ્રતિક્રિયાઓથી ઉત્તર પ્રદેશ હાથી-વન બની જશે ! કરોડોની ચલણી નોટોના હાર પહેરે છે ને એકનો વિરોધ થાય તો તરત જ બીજા માટે ગળું આગળ ધરે છે !
આ શું છે ? રાજકીય ચાલાકી તો છે જ. ગણત્રીપૂર્વકના પગલાં છે. પણ, સમાંતરે પેલી કચડાયેલી વૃત્તિનું આ પ્રાગટ્ય પણ છે. જે સહન કર્યું છે તેનો બદલો લેવાની આ અદા છે. એથી ય વઘુ જે સહન કર્યું છે એને ભૂલાવા દેવાની આ ચાલ છે. આ પ્રત્યેક પૂતળું દલિતોને એની યાદ અપાવે છે. ગૌરવબોધ કરાવે છે. આપણા પણ પૂતળા થાય છે ને આપણે પણ પૂજાઈ શકીએ એવો વિશ્વાસ અપાવે છે. રૂપિયાની નોટોના હાર એ સમૃદ્ધિ અને સત્તાનું પ્રતીક છે, કુર્નિશ બજાવનારાઓની ફોજ આ અમર્યાદ તાકાતનું પ્રદર્શન છે.
આ સામા છેડાનો પ્રત્યાઘાત છે. બીજું અંતિમ છે. ટોપી ઉતરાવી લેવાથી ચાલે ત્યાં માથુ ઉતરાવી લેવાનો આદેશ આપવા પાછળની માનસિકતા સમજવા જેવી છે. સુશ્રી માયાવતી દલિતોના દિલમાં જગ્યા મેળવે છે એ એમનો રાજકીય લાભ પણ છે. ને સાથોસાથ અંગત લધુતાગ્રંથિનો આ વરવો સંતોષ પણ છે. સહુને ચીડાતા ને અકળતાા જોઈ એ રાજી થાય છે. ભવિષ્યમાં આ દેશના દલિત નેતાઓની તવારીખમાં એમના આ પરાક્રમો નોંધાશે અને કોઈક અસંતુષ્ટને એથી ય આગળ વધવાની પ્રેરણા આપશે.
રાજકીય ચાલબાજી તરીકે આ અને અન્ય ગતકડાં ચાલ્યા જ કર્યા છે ને ચાલવાના. સહુ કરવાનાં પણ, આવા તમામ ‘પ્રદર્શન’ વાસ્તવમાં પેલી માનસિકતાના જ પ્રદર્શન હોય છે. આવું કરવાની ઇચ્છાંના મૂળ એમાં જ ક્યાંક હોય છે. અભાવનો બદલો લેવાનો સ્વભાવ સમજી શકાય છે, પણ એનાથી ઉપર ઉઠીને પણ એક પ્રતિભાનો પરિચય સર્જી શકાય. સૌથી શક્તિશાળી એવા ‘હાથી’ને પ્રતીક તરીકે પસંદ કરનાર પક્ષના સુપ્રીમોની ઇચ્છા શું હશે ? હાથીની ચાલે ચાલવાની ? ભલે પાછળ જેને ઘૂળ ઉડાડવી હોય તે ઉડાડે ! સત્તા, શક્તિ, મદના પ્રતીકરૂપ હાથીના પગ તળે બઘું કચડતા જવાની ?
એ જે હોય તે ! સાચી અને વઘુ સારી રીત એમને પણ આવડતી જ હશે. પણ, આ માર્ગે અભિવ્યક્તિ થવા પ્રેરનારી ગણત્રી અને માનસિકતા સમજવાં જરૂરી છે. પૂતળાં પૂજાય એ ભાવથી ઉભા કરાવનારના પૂતળાં ટકરાતા નથી અને એને ય પોતાના જીવનકાળમાં તૂટતા જોવાં પડે છે. આ તોડનારા વિરોધી જ નહિ, પોતાના સાથીઓ પણ હોય છે. અહંકાર જ્યારે પૂતળું બનીને પૂજાવાનો આગ્રહ રાખતો જડ બનીને ઉભો રહેવા જાય ત્યારે એને તૂટવું જ પડે છે. હારને નિશ્ચિત ગળાનો આગ્રહ નથી હોતો એ તો કોઈના પણ ગળે પહેરાઈને રાજી છે.
જન્મથી મળતા સંસ્કાર અને સિદ્ધિની ગેરન્ટી આપી ન શકાય એ જ રીતે, આવા સંસ્કાર અને ઉછેરના વાતાવરણની અસરોને નકારી ય ન શકાય. માણસનું વર્તન બહુ જ સંકૂલ છે એના મૂળ ક્યાં ક્યાંથી ખેંચાતા હોય છે. એની એને કલ્પના ય નથી હોતી. કહેવતોમાંથી ડોકિયાં કરતી સામાજીક અવધારણાઓ અભ્યાસ કરવા જેવી છે એ સંપૂર્ણ સત્ય છે કે આંશિક સત્ય ધરાવે છે એ તો અભ્યાસ જ કહી શકે પણ પૂતળાં- પૂજાને તો સમય જ કહી દેશે એક, બે ને સાડા ત્રણ !
|