કૃષિની જમીનનાં વિસ્તારમાં વધારો, માનવ વસ્તીમાં વધારો થતાં વસાહતોમાં વધારો, બાંધકામની પ્રવૃત્તિના વિસ્તારમાં વધારો, ઔદ્યોગિકરણ, ખાણ ઉદ્યોગનો વિસ્તાર, જંગલોનો હ્રાસ, ભૂગર્ભ જળની સપાટીનું નીચે ઉતરવું, આઘુનિક કાપણી યંત્રોનો ઉપયોગ, નવી આર્થિક નીતિ વગેરે પરિબળોએ ચારાની સમસ્યા વિકટ બનાવી છે. અનાજના પાકોમાંથી મળતા સાંઠા વગેરે ચારા માટે અપૂરતા પડે છે. મોટાભાગના ચરિયાણમાં ઘાસ ઊંચે સુધી ઉગતા નથી. કચ્છના બન્ની વિસ્તારમાં ઘોડેસ્વાર દેખાય નહીં તેટલા ઘાસ ઉગતા નથી. આજે તેના પશુપાલકો ચારો
ખરીદે છે.
આ પણે અને આપણાં રાજકીય પક્ષો અનાજ અને ખાદ્ય પદાર્થોના પ્રશ્ને જ્યારે આંદોલને ચઢ્યા છે અને હોબાળા મચાવે છે ત્યારે એવો પ્રશ્ન થાય કે શા માટે કોઈ પશુઓના ચારાની અછત અને ભાવવધારા વિષે હરફ ઉચ્ચારતું નથીૉ ?
આજથી દશ વર્ષ પહેલાં જે ચારાનો ભાવ ૧૦૦ કિલોગ્રામના ૫૦ રૂપિયા હતા તેનો છ મહિના પહેલાનો ભાવ ૧૦૦ કિલોગ્રામના ૮૦૦ રૂપિયા હતો. રાજસ્થાનમાં ઘઊં અને બાજરાના સાંઠાનો ભાવ એક કિલોગ્રામના ૫ થી ૬ રૂપિયા લણણી વખતે હોય છે. ગુજરાતમાં તે ભાવ ૪ થી ૫ રૂપિયા અને મહારાષ્ટ્રમાં સાડાચારથી સાડાપાંચ રૂપિયા હોય છે. આ ભાવ વધારાનું શું કારણ હોઈ શકે ?
ભૂગર્ભ જળની સપાટી ૧૫૦ મીટર નીચે ગઈ છે. પાકની નીપજ જેટલી થતી હતી તેટલી થતી નથી. તો પછી ચારો આવે ક્યાંથી ? વળી પાણીની અછતને કારણે આપણે લીલોચારો ઉગાડી શકતા નથી. બીજી બાજુથી બિયારણની કિંમત ઘણી ઊંચી છે. એક કિલોગ્રામ રજકાના બીજનો ભાવ ૩૦૦ રૂપિયા છે. હવે એક એકરમાં ૩૦ કિલોગ્રામ બિયારણ જોઈતું હોય તો વાવણીનું ખર્ચ કેટલું થાય તે ગણવું સ્હેલું છે. પંજાબ અને હરિયાણામાં ચારાના ભાવ વધારાનું કારણ ટેકનોલોજી છે. વધારે અને વધારે ખેડૂતો લણવા માટેના યંત્રોનો ઉપયોગ કરી રહ્યા છે. આ યંત્રો ઘઊંના છોડના ડૂંડાવાળા ભાગને કાપી લે છે અને સાઠાંને એમને એમ ઉભો રહેવા દે છે. હવે જો ચારા માટે સાઠાં મેળવવા હોય તો લણવાના યંત્ર ભાડે આપનારાને ફરીથી કાપણી કરવા કહેવું જોઈએ. તે ૧૦૦ કિલોગ્રામની કાપણી કરવાના ૧૦૦ રૂપિયા લે છે. તેમ છતાં સાંઠાનો કેટલોક ભાગ ખેતરમાં ઊભો રહે છે તેને બાળી નાખવામાં આવે છે. ૨૦૦૭ના નાબાર્ડના અભ્યાસ પ્રમાણે ચારાની માંગ અને પુરવઠા વચ્ચે ૩૬ થી ૫૭ ટકાની ઘટ છે. ઈ.સ. ૨૦૧૦માં ચારાની માંગ ૧૦૬ કરોડ ટન દશમી પંચવર્ષીય યોજનાના અહેવાલમાં જણાવવામાં આવેલ છે. ચિંતાની વાત એ છે કે કેટલાંક ખેડૂતો જેમાંથી ચારો મળી રહે તેવા અનાજના પાકોથી રોકડિયા પાકો તરફ વળી રહ્યા છે. એવું લાગે છે કે ભૂગર્ભ જળની સપાટીનું નીચે ઉતરવું, આઘુનિક કાપણી યંત્રોનો ઉપયોગ અને ભારત સરકારની નવી આર્થિક નીતિ ચારાના ઉત્પાદનને ઓછું અને ઓછું કરી રહી છે. પશુધનનો ચારો ત્રણ પ્રકારનો હોય છે. લીલો ચારો, સૂકો ચારો અને ખોળ તેમજ દાણ આ ત્રણેયનું ઉત્પાદન અપૂરતું છે.
ચરિયાણાની જમીન પણ ઘટતી જાય છે. ખેતીની જમીનના વિસ્તારમાં વધારો, ઔદ્યોગિકીકરણ, માનવ વસ્તીનો વધારો, બાંધકામની પ્રવૃત્તિ, ખાણ ઉદ્યોગનો વિસ્તાર, જંગલોનો હ્રાસ વગેરે કારણોસર ચરિયાણાની જમીન ઘટી છે. તેમાં પર્યાવરણની ક્ષતિ પણ જવાબદાર છે. ઉનાળાના દિવસોમાં પશુપાલકો પોતાના ઢોર-ઢાંખરને લઈને છેક ઉત્તર પ્રદેશના જંગલોમાં ચરવા માટે લઈ જતા હોય છે. પહેલાના વખતમાં જંગલોમાં અને ટેકરીઓ પર પૂરતું ઘાસ ઉગેલું રહેતું હતું. પરંતુ હવે તેમાં પણ ઘટ આવી છે. તજ્જ્ઞોના મતે ૬૦ ટકા પશુધન એટલે કે ૨૭ કરોડ પાલતુ પશુઓ જંગલમાં ચરે છે. જંગલોના પશુનિભાવ આંક મુખ્ય ૩ કરોડ પશુઓના નિભાવની તેની ક્ષમતા છે ઉપરોક્ત પશુધનનો આંકડો તેના કરતા નવગણો છે.
ગુજરાતમાં કચ્છમાં બન્નીત ઘાસના મેદાનની જમીન મોટા રણની એક બાજુ આવેલી છે કચ્છના મહારાવે આ જમીનને ચરિયાણ માટે અલાયદી રાખવાનો હુકમ કર્યો હતો. તેમાં ખેતીવાડી કરવાની મનાઈ હતી કારણ કે તેમ ઉત્તમ પ્રકારનું ઘાસ ઉગતું હતું. માથોડાં કરતાં પણ ઉચું ઘાસ ઉગતું હતું. ઘોડેસ્વાર બાવળના તેમાં દેખાય નહીં તેટલું ઘાસ ઉગતું હતું. પરંતુ ત્યાં ગાંડાબાળવના વૃક્ષો એટલાં બધા ઊગી નીકળ્યા છે કે હવે ત્યાં કાંઈ ઊગતું નથી. હવે ત્યાંના લોકોને ચારો બહારથી ખરીદવો પડે છે અત્યારે તેઓ કિલોગ્રામના ૧૩ રૂપિયાના ભાવે કપાસિયા ખરીદે છે.
ગુજરાત સરકારના ધોરણો પ્રમાણે એક સો પાલતુ પશુઓ માટે ૧૬ હેકટર ચરિયાણાની જમીન જોઈએ અને ૯ હેકટર જંગલના વિસ્તારમાં જોઈએ.
આ વર્ષે સૌરાષ્ટ્ર વિસ્તારમાં વરસાદ સારો થયો છે. પરંતુ આવી પરિસ્થિતિ દર વર્ષે હોતી નથી. તજ્જ્ઞોના તારણ પ્રમાણે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ દર ત્રીજા વર્ષે દુષ્કાળની પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. તે પરિસ્થિતિમાં ઘાસચારાની સમસ્યા વિકટ બને તે સ્વાભાવિક છે.
આપણી ખેતી ચોમાસા પર આધારિત છે. અનાજ અને અન્ય પાકના ઉત્પાદન માટે વરસાદ આવવો જોઈએ એટલું જ નહીં સપ્રમાણ અને સમયસર આવવો જોઈએ. પરંતુ ઘાસ ઉગાડવા માટે કોઈ જમીન ખેડવી પડતી નથી. કોઈ ખાતરો નાખવા પડતા નથી કે વરસાદ સપ્રમાણ અને સમયસર આવે તે જરૂરી નથી. તો જે થોડો ઘણો વરસાદ તાય તેમાં પશુઓ માટે પૂરતું ઘાસ ઉગી નીકળે નહીં ? તે સમજવા માટે આપણે કુદરતી પારિસ્થિતિનો વિચાર કરવો જોઈએ.
સૌરાષ્ટ્રની જમીનમાં પોષક તત્ત્વો તો છે પરંતુ ખેતરો અને વાડીઓ સિવાયની જમીન પાણી સંગ્રહ કરી શકે તેવી નથી. જમીનમાં સામાન્યતઃ ચીકણી માટી, કાંપ, મોરમ અને રેતીનું મુખ્યત્વે મિશ્રણ હોય છે. જો માટી અને કાંપનું મુખ્યત્વે મિશ્રણ હોય તો તે જમીન તેના પર પડતાં વરસાદના પાણીને સાચવી રાખે છે. પરંતુ અહીં મોટાભાગની જમીનમાં મોરમ અને રેતીનું પ્રમાણ વધારે છે તેના કારણે એટલા મોટા હોય છે કે તેમના પર પડતાં પાણીને સાચવી શકતા નથી. પરિણામે પાણી નીચે ઉતરી જાય છે કે જેથી ઊંડે સુધી જેના મૂળ પહોંચતા નથી. તેથી વનસ્પતિ ટકી શકતી નથી. આથી ઘાસને વરસાદના દિવસો સિવાય પાણી મળતું નથી. આપણે ત્યાં વરસાદ જૂન માસના પાછલા ભાગમાં શરૂ થાય છે અને સપ્ટેમ્બર માસના અંત સુધી આવે છે પરિણામે જમીનમાં ભીનારા જુલાઈશ ઓક્ટોબર દરમ્યાન રહે છે. આ મહિનાઓ દરમ્યાન જ ઘાસની હરિયાળી જોવા મળે છે. ટૂંકા ઘાસ ઊંચા આવે તે પ્હેલાં તો ઘાસ સૂકાવા લાગે છે.
સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારો વરસાદની વાર્ષિક સરેરાશ ૩૦ સેન્ટીમીટર અને ૫૦ સેન્ટીમીટર જેવી ગણી શકાય. પરંતુ દર ચાર વર્ષે ધોધમાર વરસાદ આવે છે જ્યારે બાકીના વર્ષોમાં સાધારણ વરસાદ આવે છે. સાધારણ વરસાદની સરેરાશના વર્ષમાં પણ મોટાભાગનો વરસાદ થોડા દિવસો કે કલાકો આવે છે. તેથી તે પણ ધોધમાર આવે છે. વળી ઘણા વિસ્તારોમાં પવનની ઝડપ પણ ઘણી હોય છે. પરિણામે એક બાજુ ધોધમાર વરસાદ અને બીજી બાજુ ઝડપી પવનના કારણે જમીન પરની ફળદ્રુપ માટી, જમીનના પહેલાં ઘાસના બીજ, અને મૂળતંત્ર તણાઈ જાય છે. જમીનનું વેરાનપણું વધતું જાય છે. એક બાજુથી પાણીની અછત અને બીજી બાજુથી ફળદ્રુપતાનો થતો હ્રાસ ઊંચા ઊંચા ઘાસને લહેરાવતી સીમ એક કલ્પના બનાવી દે છે.
જમીનના નિશ્ચિત ટુકડા પર નભી શકે તેટલા પશુઓની સંખ્યા પણ નિશ્ચિત હોય છે. આ સંખ્યાને પશુ નિભાવ સમતા કહે છે. આ સમતાં કરતાં સૌરાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પશુઓની સંખ્યા વધારે છે. દેખીતી રીતે જ ઘાસચારાની તેમની માંગ ઘાસચારો ઉત્પન્ન થઈ શકે તેના કરતાં સંખ્યા વધારે છે. પરિણામે પહેલો વરસાદ થાય પછી જેવું ઘાસ ઉગવા લાગે કે તુરત જ તે જમી જાય છે. તેને ઊંચુ આવવા જ દેતા નથી. બીજા વરસાદ પછી તેવું જ થાય છે. પરિણામે ઘાસ તેની પૂરેપુરી ઊંચાઈ પ્રાપ્ત કરતું નથી. આથી જમીનનો નિશ્ચિત ટુકડો જેટલું ઘાસ આપી શકે તેમ હોય તેટલું ઘાસ ઉગાડવાની તેને તેટલી તક રહેતી નથી. વળી ઘાસ ઊંચુ જ ન આવતું હોય અને પશુઓમાં ઘાસ ખાવાની સ્પર્ધા થાય તો તે ઘાસને છેક મૂળ સુધી ખાય જાય છે. ‘‘પરિણામે જમીનમાંનું ઘાસનું મૂળતંત્ર જ નાશ પામે છે. આમ ઘાસની ઉપજ ઉત્તરોત્તર ઘટતી જાય છે. ખેતીની જેમ ઘાસચારાની ઉપજ વધે તેમ વધારે પ્રયત્ન કરવા જોઈએ.’’
ચારાના ઉત્પાદન માટે જ અલાયદી જે જમીન છે તે ખેતીલાયક જમીનના ૪.૭ ટકા છે. સ્વતંત્રતા મળી ત્યારથી આ આંકડો અચલ છે. ઈ.સ. ૨૦૨૧ સુધીમાં ચારાની માંગ ૧૮ કરોડ ટન ધારવામાં આવી છે. દર વર્ષે ચારાનું ઉત્પાદન પચાસ લાખ ટન વધારવું જોઈએ અને તે માટે ૧૫ વર્ષમાં ચારાના ઉત્પાદન નીચેની જમીન ૧૫ ટકા વધારવી જોઈએ. ઝાંસી સ્થિત ઈન્ડિયન ગ્રાસલેન્ડ એન્ડ ફોડર ઇન્સ્ટિટયૂટના અંદાજ પ્રમાણે ઈ.સ. ૨૦૨૦ સુધીમાં ૮૫ કરોડ ટન લીલો ચારો, ૫૨ કરોડ ટન સૂકો ચારો અને ૯ કરોડ ટન ખોળ અને દાણ જોઈશે.
ઈ.સ. ૨૦૦૨-૦૩ના આંકડા મુખ્ય ચરિયાણની એટલે કે જેમાં ચારો ઉગાડી શકાય તેવી એક કરોડ આઠ લાખ હેકટર જમીન છે. હવે એ તો દેખીતું જ છે કે અનાજ ઉગાડવા માટેની જે જમીન છે તેમાંથી કેટલોક ભાગ ચારો ઉગાડવા માટે વાળી શકાય તેમ નથી. અત્યારે તો ઉપરોક્ત જમીનમાં ચારાના બીજ વાવીને માત્ર ૩ થી ૪ ટકા ચારો ઉગાડવામાં આવે છે. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (એનડીડીબી)નું આયોજન આવતાં ૧૫ વર્ષમાં ઉપરોક્ત જમીનના દશ ટકા ચારાના બીજ વાવી ચારો ઉત્પન્ન કરવાનું છે. ચારાના ઉત્પાદન પર ઘ્યાન આપે અને તેને પ્રોત્સાહિત કરે તે માટે દરેક રાજ્યમાં ચારાના ઉત્પાદનના નિષ્ણાંત અધિકારી નીમવા જોઈએ.
આજે આપણા દેશમાં ચારાનો પૂરવઠો તેની માંગ કરતાં ઓછો છે. આજે ચારાને મોટે ભાગે અનાજના પાકોની આડપેદાશ ગણવામાં આવે છે. સરકાર પણ તેને તે રીતે જ જૂએ છે. પરંતુ ચારાની માંગના વધારાની સાથે એ તાતી જરૂર છે કે પશુઓના ખોરાકને ખેતીવાડીની સમકક્ષ ગણવામાં આવે. નહીં તો પશુઓએ પણ મોરચા કાઢવા પડશે અને હોબાળો મચાવવો પડશે.
|