| Last Update : 08-Sept.-2010, Wensday |
|
|
|
|
|
|
|
 |
|
ખૂન કેસના બે ગુનેગારોની કમનસીબીની દિલચશ્પ કહાણી ૧૮ વર્ષોની જેલની સજા કાપી ચૂકેલ બે ડોસાને સરકારે ઈજ્જતભેર છોડી મૂક્યા ઃ દશ વર્ષ પછી ફરી જેલમાં પૂર્યા
|
| ક્રાઈમવોચ - જયદેવ પટેવ |
૨૬મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિન પર્વ નિમિત્તે સારી ચાલચલગત ધરાવતા સંખ્યાબંધ કેદીઓને ઉત્તર પ્રદેશની સરકારે છોડી મૂક્યા હતા
|
કેદીઓને છોડી મુકતા રાજ્ય સરકારના જાહેરનામાને હાઈકોર્ટે ગેરકાયદેસર ઠરાવ્યુ ઃ ફરીથી કેદીઓને જેલમાં પૂરવા ધમાચકડી
હિન્દુ ધર્મના તીર્થસ્થાનોમાં મોક્ષદાતા-મુક્તિદાતા નગરી તરીકે પુરાણકાળથી પ્રચલિત એવા ઉત્તરપ્રદેશ રાજ્યની કાશી નગરી એટલે કે વર્તમાન વારાણસી શહેરમાં વિચિત્ર કહી શકાય તેવી બની ગયેલી આ ઘટનાએ કાનૂનવિદોમાં ચર્ચા સાથે ઉહાપોહ મચાવી મુક્યો છે. કાયદો એટલે શું ? સામાન્ય બોલચાલમાં ‘કાયદો ગધેડા છે !’ આ વાક્યનું વારંવાર પ્રયોજન થતું સાંભળવા મળે છે. સામાન્ય પ્રજાના માનસમાં પ્રવર્તતી કાયદા અંગેની આ સમજને યથાર્થ ઠરાવે તેવો આ કિસ્સો વારાણસી શહેરમાં બની ગયો હતો.
વારાણસીમાં રહેતા બે ડોસા આ ચકચારીભરી કહાણીના મુખ્યપાત્રો છે. જેમાં એકનું નામ કામતાપ્રસાદ તો બીજાનું નામ લાલતાપ્રસાદ ઉર્ફે લલ્લન છે. સમય તથા સંજોગોને આધીન ખૂન કેસમાં બન્ને ડોસાને અદાલતે ગુનેગાર ઠરાવી આજીવન કારાવાસની સજા ફટકારી હતી. જેલમાં સજા ભોગવતા બન્ને કેદીના ૧૮-૧૮ વર્ષો વીતી ગયા. આજથી દશ વર્ષ પહેલાં રાજ્ય સરકારના આદેશ મુજબ બન્ને ડોસાનો ઈજ્જતભેર જેલમાંથી છુટકારો થયો હતો. ત્યારબાદ ઘેર પાછા ફરીને બન્ને ડોસા તેમના પરિવારમાં ખોવાઈ ગયા હતા અને સમાજમાં માનભેર ગોઠવાઈ ગયા હતા. એક દિવસની વાત છે. તે દિવસે બન્ને ડોસા તેમના દીકરાઓના બે દીકરા દીકરીઓ એટલે કે પૌત્રો-પૌત્રીઓ સાથે ગેલગમ્મત કરતાં અલકમલકની વાતો કરીને બાળકોનું મનોરંજન કરી રહ્યા હતા. બરાબર આ જ ઘડીએ તેમના ઘરના આંગણા પાસે પોલીસની મોબાઈલવાન આવી ચડી હતી. વાનમાંથી પોલીસ અધિકારી સાથે ડઝનબંધ પોલીસ કર્મચારીઓ ફટાફટ કૂદી પડ્યા હતા. બાળકો સાથે ગેલગમ્મત કરી રહેલા બન્ને બુઢ્ઢાને ઘેરી વળીને પોલીસ અધિકારીએ ‘‘તુમમેં કામતા ઔર લલ્લન કૌન હૈ ?’’ એવો રૂઆબથી હુકમ ઝાટક્યો હતો. પોલીસના ધાડાના આવાં અણધાર્યા આગમનથી બન્ને ડોસાના પરિવારમાં ખભભળાટ મચી ગયો હતો. ગભરાઈ ગયેલા ઘરના સભ્યોની વાત સાંભળવાની પણ દરકાર દાખવ્યા વગર પોલીસે બન્ને ડોસાને પોલીસની મોબાઈલવાનમાં ધકેલી દીધા હતા. આ પછી પોલીસ કાફલો રવાના થઈ ગયો હતો. જ્યાંથી સીધા સેન્ટ્રલ જેલ ઉપર પહોંચીને બન્નેને જેલ સત્તાવાળાને હવાલે કરી દીધા હતા.
* * *
બન્ને બુઢ્ઢા જ્યારે જવાન હતા ત્યારે તેમને ખૂન કેસમાં આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી હતી. નસીબના ખેલ સમજીને બન્નેએ જેલવાસ સ્વીકાર્યો હતો. વર્ષો વીતતા ગયા. બન્ને કેદીના વિરૂદ્ધમાં જેલ અધિક્ષક સમક્ષ ક્યારેય કોઈ ફરિયાદ રજુ થઈ ન હતી. જેલવાસ દરમ્યાન બન્નેનું વર્તન સાવ સાદુ, સરળ અને સુમેળભર્યું રહ્યું હતું. જેલના એકપણ નિયમનો બન્નેએ ક્યારેય ભંગ કર્યો ન હતો. બસ મૂંગા મોંઢે બન્ને તેમની સજા કાપી રહ્યા હતા. જેલમાં સારું વર્તન દાખવનાર કેદીઓની સજામાં ઘટાડો કરવાની જેલના કાનૂનમાં જોગવાઈ છે. ૧૮-૧૮ વર્ષોથી જેલની સજા કાપી રહેલા બન્ને કેદી હવે તો બુઢ્ઢા થઈ ગયા હતા. સન ૨૦૦૦ના પ્રજાસત્તાક દિનની પર્વની ઉજવણીને અનુલક્ષીને ઉત્તર પ્રદેશની સરકારે ત્યારે જેલોમાં સજા કાપી રહેલા હજારો કેદીઓમાંથી જેમનું વર્તન સારું રહ્યું હતું તે બધાની સજામાં ઘટાડો કરવા કે પછી અનેકને ઈજ્જતભેર છોડી મૂકવાનો આદેશ ફરમાવતું જાહેરનામું જારી કર્યું હતું. આ જાહેરનામા અનુસાર દશ વર્ષ પહેલા કામતાપ્રસાદ તથા લાલતાપ્રસાદ ઉર્ફે લલ્લનને છોડી મૂકવામાં આવ્યા હતા. ત્યારબાદ બન્ને ડોસા તેમના પરિવારમાં ઠરીઠામ થઈને શાંતિપ્રિય નાગરિક તરીકે જીવન પસાર કરી રહ્યા હતા.
કેદીઓની સજામાં ઘટાડો કરતા કે સજામાંથી માફી આપવાની જોગવાઈ કરતા ઉત્તરપ્રદેશની સરકારના આ જાહેરનામાને અલ્લાહબાદ હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યું હતું. હાઈકોર્ટે સરકારના આ જાહેરનામાને ગેરકાયદેસર તથા રદબાતલ ઠરાવતો ચૂકાદો આપ્યો તે સાથે જ સરકારી તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. આ પછી તો રાજ્યની જુદી જુદી જેલોમાંથી સરકારના જાહેરનામા મુજબ ઈજ્જતભેર છૂટી ગયેલા કેદીઓની ફરીથી ધરપકડ કરીને તેમને જેલને હવાલે કરવા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. જેના પરિણામે આ બન્ને ડોસાની પણ પોલીસે ફરીથી ધરપકડ કરીને તેમને જેલના સળીયા પાછળ ધકેલી દીધા હતા.
અલ્લાહબાદ હાઈકોર્ટના આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. બન્ને ડોસા તરફથી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી અપીલમાં તેમના વિરૂદ્ધના કેસની પુનઃ સમીક્ષા કરવા દાદ માંગવામાં આવી છે. અરજદારો કામતાપ્રસાદ તથા લાલતાપ્રસાદ ઉર્ફે લલ્લનનો બચાવ કરવા ઉપસ્થિત થયેલ વરિષ્ઠ ધારાશાસ્ત્રી એસ. એમ. ત્રિપાઠીએ સુપ્રીમ કોર્ટ સમક્ષ એવી દલીલ કરી છે કે - ખુદ રાજ્ય સરકારે જ અરજદારોના જેલવાસ દરમ્યાન તેમની સારી ચાલચલગત તથા રીતભાતને ઘ્યાનમાં લઈને તેમને ઈજ્જતભેર છોડી મુકવાનો દશ વર્ષ પહેલા હુકમ કર્યો હતો. ૨૬મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિન પર્વની ઉજવણીના પ્રસંગ નિમિત્તે સારી ચાલચલગત ધરાવતા કેદીઓની સજામાં ઘટાડો કરવો કે તેમને સ્વમાનભેર છોડી મુકવા તેવું જાહેરનામુ રાજ્ય સરકારે જારી કર્યું હતું. આ જાહેરનામા મુજબ બન્નેનો ઈજ્જતભેર છુટકારો થયો હતો. હવે હાઈકોર્ટના ચુકાદા મુજબ બન્ન ેની ફરીથી ધરપકડ કરીને જેલમાં ધકેલી દેવા તે યોગ્ય નથી. સારી રીતભાત ધરાવતા કેદીઓને છોડી મુકવાનો સરકારનો હુકમ સાચો તથા યોગ્ય હતો. હવે વર્ષો વીતી ગયા પછી ફરીથી ધરપકડ કરવી તે ન્યાય સાથે સુસંગત નથી.
બન્ને અરજદારો તરફથી તેમના વકીલે વઘુમાં એવી દલીલ કરી હતી કે - જેલમાંથી છૂટ્યા પછી બન્ને ડોસા તેમના પરિવારોમાં હળીભળી ગયા છે. દીકરા તથા દીકરીઓના ઘેર બાળકોનો વસ્તાર વધી ગયો છે. જેમાંના કેટલાક બાળકો તો આજે લગ્નની ઊંમરે પહોંચી ગયા છે. એટલું જ નહીં બન્ને કેદીઓએ શાંતિપૂર્વક જેલમાં ૧૮ વર્ષ પસાર કરી દીધા હતા. હવે જેલમાંથી ઈજ્જતભેર છૂટીને બન્ને બહાર આવી ગયા છે ત્યારે સમાજે પણ તેમને સ્વીકારી લીધા છે. આટલા વર્ષોનો જેલવાસ વેઠ્યા બાદ બન્ને ડોસા ખુદ સુધરીને પરિવારમાં સ્થાયી થઈ ગયા છે. હવે દશ વર્ષ વીતી ગયા પછી તેમની ધરપકડ કરીને જેલમાં ધકેલી દેવા તે કાયદાના ભંગ સમાન છે. એટલું જ નહીં શાંતિપૂર્ણ રીતે સ્વમાનભેર પાછળની જીંદગી જીવવા મથી રહેલા બન્ને ડોસાને ફરીથી જેલમાં ધકેલી દેવા તે પગલું માનવ અધિકારોના ભંગ સમાન છે.
સુપ્રીમ કોર્ટનો ચુકાદો હજુ આવ્યો નથી પરંતુ ઉત્તરપ્રદેશની સરકારના સન ૨૦૦૦ના જાહેરનામા મુજબ જેલોમાંથી ઈજ્જતભેર છૂટી ગયેલા સંખ્યાબંધ કેદીઓની ફરીથી ધરપકડ કરીને તેમને જેલમાં પુરવાની સરકારી તંત્ર તરફથી શરૂ કરવામાં આવેલી ઝુંબેશની કાર્યવાહીએ ઉત્તરપ્રદેશમાં જબરજસ્ત ઉહાપોહ મચાવી મુક્યો છે.
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
| |
|
|
|
|
Gujarat Samachar © 2010, All Rights Reserved |
|
|