Last Update : 08-Sept.-2010, Wensday
પોતાના પુત્રની જાતીય સમસ્યા માટે કોઈ પ્રતિષ્ઠિત સજ્જન પિતા જવાબદાર હોય એવું બની શકે?
અંગત અંગત- મુકુલ ચોક્સી


સેક્સ થેરાપિસ્ટ ડૉ. અનંતની ચેમ્બરમાં પ્રવેશતાં જ શેઠ ધરમચંદ અકળાઈ ઊઠ્યા. પોતાના જેવા પ્રતિષ્ઠિત, દાનવીર, સજ્જનને આ દિવસ જોવાનો આવશે એવી તેમને સ્વપ્નેય ધારણા નહોતી. તેમની ઇશ્વર પ્રત્યેની આટલા વર્ષોની અડગ આસ્થા પણ આજે ડગમગી ગઈ. પોતાના એકના એક લાડકા પુત્ર સુશીલ માટે તેમના દિલમાં અચાનક ક્રોધ, રોષ અને તિરસ્કારની લાગણી જન્મી. તેઓએ મનોમન ફરી એકવાર પોતાના નસીબ પર ફિટકાર વરસાવ્યો.
પરંતુ છૂટકો જ નહોતો. પોતાના ફેમિલી ડોક્ટર મહેતાએ જ આગ્રહપૂર્વક પગલું લેવડાવ્યું હતું. સુશીલ કોઈ આગળ ખૂલીને કશી વાત કરતો નહોતો. છેવટે શેઠ ધરમચંદ પાસે પણ બીજો કોઈ વિકલ્પ બાકી ન રહેવાથી તેમણે સેક્સ થેરાપિસ્ટ ડૉ. અનંતની સલાહ લેવાનું નક્કી કર્યું.
વાત એમ હતી કે, ધરમચંદજીના તાજા પરણેલા પુત્ર સુશીલની પત્ની, કોઈને ય કશું જણાવ્યા વગર પોતાને પિયર ચાલી ગઈ હતી. પહેલા અઠવાડિયા સુધી તો શેઠ ધરમચંદ, સુશીલના મા વીરમતીબહેન તથા ઘરનાં સૌને એમ હતું કે વહુ સુલક્ષણા સુશીલને જણાવીને જ ગઈ હશે. પણ જ્યારે તેઓએ સુશીલને પૂછ્યું કે, વહુ ક્યારે પાછી ફરશે ત્યારે સુશીલે કહ્યું કે એ નથી જાણતો. સૌને વઘુ મોટો આંચકો તો ત્યારે જ લાગ્યો જ્યારે સુશીલે જણાવ્યું કે, સુલક્ષણા ક્યારે, શું કામ અને કેટલા દિવસ માટે ગઈ છે તે અંગે પણ તે કશું જ નથી જાણતો.
ધરમચંદજી ધૂંઘવાઈ ઊઠ્યા. તેઓ સમજી ન શક્યા કે સુશીલ જૂઠું બોલે છે કે તેની અણસમજ પ્રદર્શિત કરે છે ! એક તરફ શહેરના જૂનાપુરાણા મિત્રો, નજીકના સ્વજનો વગેરે સૌ નવદંપતીને જમવા- મળવા પોતાના ઘરે પધારવાનું નિમંત્રણ આપ્યે જતા હતાં. બીજી તરફ પૂજા, કથા, બાધા તથા નવા દેવસ્થાનના મુહૂર્તની તમામ વિધિઓ બાકી હતી. આવા સમયે ઘરની વહુ ન હોય તો સહુને જવાબ શો આપવો ? લગ્ન પછીના પહેલા મહિનામાં તો કેટકેટલે ઠેકાણે જવાનું હોય ! તેઓ હજુ સુધી હનીમૂન ઉજવવા કેમ નથી ગયા તે અંગે પણ કેટલીક પૃચ્છાઓ થઈ રહી હતી ? આ બધા પ્રશ્નો ઉપરાંત સુશીલના અખંડ મૌનનું શું કરવું તે અંગે ધરમચંદને કંઈ જ સમજાતું નહોતું. તેઓ બહાવરા બની ગયા હતા.
તો આ જ દશા સુશીલનાં માતા વીરમતીબહેનની પણ હતી. પરંતુ તેઓ થોડા વઘુ ધૈર્યવાન હતાં. તેમણે બીજે અઠવાડિયે સુલક્ષણાની માતા સાથે ફોન ઉપર વાતચીત કરી જોઈ. અલબત્ત, શું પૂછવું તે ચોક્કસ ન હોવાથી તેમણે આજુબાજુની વાતો કરીને એટલું અવશ્ય જાણી લીઘું કે સુલક્ષણા હજુ તેના પિયર જ છે અને સુલક્ષણાએ કદાચ તેના વડીલોને પણ પૂરતી માહિતી નથી આપી. વીરમતીબહેને એક વધારે મક્કમ પગલું ઉપાડ્યું. સાસરા પક્ષના ઓળખીતા માણસો પાસે એવી માહિતી પણ મેળવી જોઈ કે સુલક્ષણાનું ચિત્ત કોઈ બીજા પુરુષમાં તો નથી ને ! અથવા એની ઇચ્છા વિરુદ્ધ જબરજસ્તીથી તો પરણાવી દેવામાં નથી આવી ને ! પણ એવું યે નહોતું.
સુશીલની નાની બહેન જાનકી આમ તો એકવીસ જ વર્ષની હતી. છતાં તેનામાં પરિપકવતા અને સમજ ઘરના સહુ કરતાં વધારે હતાં. તેણે સુશીલને ઉછરતો, મોટો થતો વધારે જોયો હતો. તે જાણતી હતી કે સુશીલ વઘુ પડતો શરમાળ હતો. તેમાંયે છોકરીઓની બાબતમાં તો ખાસ. ૨૩ વર્ષની ઊંમરે ય સુશીલની કોઈ ગર્લફ્રેન્ડ નહોતી. નહોતો તેને ડિસ્કો દાંડિયાનો કે નહોતો રાસ- ગરબાનો શોખ. તે ફિલ્મો- નાટકો ય ભાગ્યે જ જોતો અને જીન્સ પહેરીને હીરોહોન્ડા તો ક્યારેય નહોતો ચલાવતો. એને બદલે પૂજાના કપડા પહેરીને પપ્પાની સાથે મંદિરે જવાનું પસંદ કરતો. ટૂંકમાં અત્યાર સુધી એ કોઈ પણ પ્રકારની આડી અવળી ચાલચલગતમાં પડ્યો નહોતો. દારૂ પીને, બ્લ્યુ ફિલ્મો જોઈને રસ્તે જતી- આવતી છોકરીઓની મશ્કરી કરનારા આજના અસંખ્ય યુવાનોની સરખામણીમાં તેનો ભાઈ સુશીલ અત્યંત સીધો, સરળ અને ઉમદા હતો.
અને એટલે જ જાનકીએ આ પ્રશ્ન સમજવાની અને ઉકેલવાની દિશામાં પોતાની રીતે પહેલ કરી. પહેલાં તે સુશીલના જે એકાદ-બે નજીકના કહી શકાય એવા મિત્રો હતા, તેઓને મળી પણ તેઓ પાસે કોઈ જ માહિતી નહોતી. ત્યારબાદ તેણે ઘરના વડીલો સુશીલ સાથે વાતચીત કરી જોવાનો નિષ્ફળ પ્રયત્ન કરી જોયો. પણ તે ધારતી હતી તેવું જ થયું વડીલો સાથે કોઈ પણ પ્રકારની ચર્ચા કરવા તૈયાર નહોતા. તેઓને તો એક જ વાતનો જવાબ જોઈતો હતો કે, ‘સુલક્ષણા પાછી ક્યારે આવે છે ?’
છેવટે જાનકીએ હિંમત એકઠી કરીને એક સાંજે પોતાના મોટાભાઈ સુશીલ સાથે આ વાત છેડી. પહેલાં તો સુશીલે વાત કરવાની ઝાઝી તૈયારી ન બતાવી. પણ જાનકીના શબ્દોમાં રહેલી લાગણી, કાળજી અને અનુકંપાએ તેને વાત કરવા પ્રેર્યો. ‘મને લાગે છે કે સુલક્ષણા ભાભી આપની અનુમતી વગર ચાલ્યા ગયાં છે. મને સમજાતું નથી કે આપણા ઘરમાં એમને કઈ વાતની ખોટ સાલી ! તેઓ અહીં રહ્યા એ આખા અઠવાડિયા દરમિયાન કોઈ તેમની સાથે એક શબ્દય ઉંચા સાદે બોલ્યું નથી. શી ખબર તેમને અહીં શું ઓછું આવ્યું ? તમે શું કહો છો ભાઈ ? તમારા અંતરની વાત મને કહો.’’ જાનકી ચીપી ચીપીને બોલતી હતી. ‘સાચું કારણ તો મને પણ ખબર નથી, પણ તે કહેતી હતી કે તેને મારાથી સંતોષ નહોતો થતો.’ સુશીલે ગળગળા સાદે કહ્યું અને જાનકી એક થડકારો ચૂકી ગઈ. તેને હતું જ કે સમસ્યાનું મૂળ આવા કોઈ જાતીય પ્રશ્નમાં જ હશે.
જાનકીને પોતાના ભાઈ પ્રત્યે હમદર્દી થઈ આવી. સાથે સાથે સુલક્ષણા જેવી ભાભી પર ગુસ્સો પણ ચડ્યો. છતાં તેણે ભાભીને મળીને તેમની સાથે ય વાત કરવાનું પગલું ભરી જોયું. પણ ભાભી સાથે જે વાત થઈ તે સાંભળીને તેણે અનેક આંચકા અનુભવ્યા. રડતા રડતા સુલક્ષણા જાનકીને કહી રહી હતી, ‘તમારા ભાઈને, પતિ- પત્નીએ રાત્રે શયનખંડમાં શું કરવું જોઈએ તે ય ખબર નથી. તેઓ કંઈ કરી પણ શકતા નથી. મને અનાવૃત કરવાનું તેમને ગમે છે પણ માત્ર એટલું જ એથી વિશેષ કંઈ જ નહીં. તેઓ મને સંતોષી નથી શકતા. હું હજુ સુધી કુંવારી જ છું. પહેલી રાત્રે તો તેમણે મને સ્પર્શ સુઘ્ધાં નહોતો કર્યો. ત્યારબાદના આખા અઠવાડિયા દરમિયાન મેં તમામ રીતે તેઓને આનંદ આપવાના પ્રયત્ન કરી જોયા. પરિણામે માત્ર એટલું જ થઈ શક્યું કે તેઓ મને તરછોડતા બંધ થયા. પરંતુ એટલું શું પૂરતું છે ? મારી પોતાની તમન્નાઓનું શું ? મારા જાતીય આવેગોનું શું ? તેઓ મારી સાથે આ બધી વાતો કરવા પણ કેમ તૈયાર નથી ? મેં એવા કયા ગુનાઓ કર્યા છે ?’
જાનકી તેની ભાભીના મુખેથી આવો વાક્પ્રવાહ સાંભળીને સડક જ થઈ ગઈ. તેણે પિતાજીને સૌ પ્રથમ તો આ સમસ્યાથી વાકેફ કર્યા. પછી ફેમિલી ડોક્ટર મહેતાની સલાહ લીધી. ડો. મહેતાએ પ્રસંગની ગંભીરતા સમજી ધરમચંદજીને સ્વસ્થ રહેવા સમજાવ્યું. તેઓ ધરમચંદજીનો સ્વભાવ જાણતા હતા. આથી ઉતાવળે કોઈપણ નિર્ણય લેવાના બદલે તાત્કાલિક શહેરના અગ્રણી સેક્સથેરાપિસ્ટ ડો. અનંતનો અભિપ્રાય લેવાનું સૂચન કર્યું. જેને પગલે ધરમચંદજી આજે ડો. અનંતની ચેમ્બરમાં પોતાના પુત્રના કહેવાતા સેક્સ પ્રોબ્લેમના ઉકેલ માટે આવ્યા હતા.
પહેલું સેશન ઃ ધરમચંદજીએ જાનકી પાસેથી સાંભળેલી તમામ વાતો અંગે ડોક્ટરને માહિતગાર કર્યા. બીજું સેશન ઃ સુશીલને ડોક્ટર પાસે લાવવામાં આવ્યો. તેઓ વચ્ચે દીર્ઘ ચર્ચા થઈ. ત્યારબાદ વ્યવસ્થિત સારવાર શરૂ થઈ. ડોક્ટરનો આગ્રહ અને આટલી ચર્ચા પછી આવેલી સમજ બાદ સુશીલે સુલક્ષણાનો સંપર્ક કર્યો. સુલક્ષણા ભલે ઘરે પાછી ન ફરે, પણ સુશીલને નિયમિત રીતે મળતી રહે એવું ગોઠવવામાં આવ્યું. ડોક્ટરે એ વાતનો સતત આગ્રહ રાખ્યો હતો કે સુશીલની સારવાર માટે સુલક્ષણાએ પણ મદદ કરવી જ પડશે. બંનેએ એકમેકને મળવું પડશે અને પોતાની મુલાકાત માટે પણ સાથે જ આવવું પડશે.
આ વાતને મહિનો થવા આવ્યો હશે. ત્યાં તો બઘું બદલાવા માંડ્યું. શેઠ ધરમચંદજી વિચારતા હતા કે આ શું બની રહ્યું છે ! હજુ સુલક્ષણા તો ઘરે આવવાનું નામ નહોતી લેતી ! અને સુશીલ પણ જાણે બદલાઈ રહ્યો હોય એવું કરતો હતો. સુશીલ હવે ઘરમાં પહેલા કરતા ઓછો સમય ગાળતો હતો. તે પોતે નવા ધંધાની અને નવા ફ્લેટમાં રહેવા જવાની વાત કરવા લાગ્યો હતો. સૌથી અકળાવનારી બાબત એ હતી કે સુશીલે ધરમ- ઘ્યાન, ક્રિયા- કર્મ અને પૂજા- પાઠ સદંતર છોડી દીધા હતાં. શેઠની મૂંઝવણ વધતી જતી હતી. વચ્ચે કોઈને કોઈ તેમને સમાચાર આપી જતું હતું કે, સુશીલ ઊટી ફરવા ગયો છે, સુશીલ થિયેટરોમાં ફિલ્મ જોવા જાય છે વગેરે વગેરે. અને તેઓ વધારે વ્યગ્ર બની જતા.
છેવટે એક સાંજે ફરી એકવાર તેઓ સેક્સથેરાપિસ્ટ ડૉ. અનંતને મળવા આવી પહોંચ્યા. આ વખતે તેઓ સુશીલ ઉપરાંત ડોક્ટર ઉપર પણ નારાજ હોય એવું લાગતું હતું. ‘સુશીલ હજુ સારો કેમ નથી થયો ? તમારી સારવાર કેટલે આવી ? તે તો ઉલટો બગડી ગયો એવું લાગે છે. ડોક્ટર ! તમે એને કોઈ દવા તો આપતા નથી, તો પછી કરો છો શું ?’ ધરમચંદજી અકળાઈને બોલતા હતા. ‘એની યોગ્ય સારવાર થઈ રહી છે શેઠ ! તમને કદાચ ખબર નહીં હોય પણ તેની અડધા ઉપરની તકલીફો દૂર થઈ ગઈ છે.’ ડોક્ટરે સ્વસ્થતાપૂર્વક પ્રત્યુત્તર આપ્યો ‘પણ તો પછી એ વહુને ઘેર કેમ નથી લાવતો ? બંને સાથે રખડવા ગોવા સુધી જાય છે તો ઘરે નથી અવાતું ? અરે એકવાર તો ટૂંકા કપડા પહેરીને સુશીલ સાથે જતા મેં પોતે એને જોઈ છે. આ બઘું શું થઈ રહ્યું છે ડોક્ટર ? મારો છોકરો મારી આબરૂનું લિલામ કરવા બેઠો છે.’
ડોક્ટરે શેઠને સાંત્વન આપતા કહ્યું, ‘સારું થયું તમે અહીં આવી ગયા. આમ પણ મારે આપની સાથે થોડીઘણી વાતો કરવાની જ હતી. પહેલું તો એ કે તમારો દીકરો વહુ બગડી નથી ગયા. તેઓ તેમની સારવાર માટે જે કાંઈ જરૂરી છે તે જ કરી રહ્યા છે.’ ‘મતલબ ?’ શેઠની ભ્રમરો તંગ થઈ ગઈ. ‘મતલબ એ કે આખી જીવનશૈલી બદલી નાખવી એ તેમની સારવારનો જ એક ભાગ છે. તમારા પુત્રને નપુંસકતા છે. તેણે ક્યારેય કોઈ સ્ત્રી સાથે શરીર સંબંધ નથી બાંઘ્યો, અથવા તો તે નથી બાંધી શક્યો કેટલાક આ બીમારીને ‘પ્રાઇમરી ઇમ્પોટન્સ’ કહે છે. આ બીમારીને રહેણીકરણી, વિચારસરણી, જીવનશૈલી વગેરે સાથે ગાઢ સંબંધ છે. એ કઈ રીતે તે તમને સવિસ્તાર સમજાવું છું.’ આટલું કહી, જરાક થોભીને ડોક્ટરે માંડીને વાત શરુ કરી.
‘આપ જાણો છો કે સુશીલનો જન્મ જુદા સંજોગોમાં થયો હતો. આપના લગ્નજીવનનાં દસ વર્ષ નિઃસંતાન વીત્યા બાદ આપને ત્યાં પુત્રપ્રાપ્તિ થઈ હતી. જેને કારણે આપને ઇશ્વરમાં અપાર શ્રદ્ધા જન્મી હતી. આમ પણ આપ ખૂબ ધાર્મિક હતા અને સુશીલ તથા જાનકીના જન્મ પછી તો આપે ગૃહસ્થજીવનનો સંપૂર્ણ ત્યાગ કરી ભક્તિ- સાધનામાં જ તમારા જીવનને ડૂબાડી દીઘું હતું અને ખૂબ નાની ઊંમરથી જ ધર્મના ઉંડા સંસ્કાર આપે સુશીલને આપવાનું શરુ કર્યું હતું. સુશીલ મંત્રો, ગાથાઓ, સ્તવનો અને ભજનો બોલતો થઈ ગયેલો. આપ ગર્વથી કહેતા પણ ખરા કે આપને ત્યાં સાક્ષાત્ દેવના અવતારે જ જન્મ લીધો છે.
અને એટલે જ પાંચેક વર્ષની ઊંમરના આપના પુત્રે જ્યારે એક દિવસ જાહેરમાં તેના પેશાબ અવયવ ઉપર હાથ લગાડ્યો ત્યારે આપે તેને ‘ગંદો’ કહીને ટોક્યો હતો. વળી એ જ અરસામાં એક દિવસ નાનકડો સુશીલ રાત્રે કાકા- કાકીની રૂમમાં પહોંચી ગયો હતો. તે વખતે અસ્તવ્યસ્ત વસ્ત્રોને કારણે હેબતાઈ ગયેલાં કાકા- કાકીએ પણ જેટલો ગુસ્સો નહોતો કર્યો તેટલો આપે કર્યો હતો. આવો જ બીજો પ્રસંગ એકાદ વર્ષ પછી બનેલો. સુશીલની જ ઊંમરનો તમારા ભાઈનો દીકરો મનીષ સુશીલને એકાંતમાં લઈ ગયેલો. ત્યાં તેઓ બંને એકમેકના અવયવ ઉપર હાથ ફેરવતા બેસી રહેલા એ વખતે આકસ્મિક રીતે આપ ત્યાં પહોંચી ગયા હતા. યાદ છે ? આપે તે વખતે સુશીલને આકરી શિક્ષા કરેલી ?
પછી તો આવા પ્રસંગોની હારમાળા જ ચાલેલી. સુશીલને જાણી જોઈને છોકરા- છોકરીઓ સાથે ભણતા હોય તેવી સહશિક્ષણ (કો-એજ્યુકેશન)વાળી શાળામાં ન મૂકવામાં આવેલો. તેને ફિલ્મો કે સચિત્ર સામયિકો નહોતાં જોવા દેવામાં આવતાં. તેના દફતરની, તેના મિત્રોની ઉલટતપાસ વારંવાર લેવામાં આવતી. વળી જેઓ છોકરીઓ સાથે ફરે છે, ફિલ્મો જુએ છે અને છોકરીઓ વિષે વિચારે છે તેઓ ‘અસભ્ય, પાપી, ગંદા છે’ એવી વારંવારની સલાહો તો ખરી જ. અને એટલું ઓછું હોય તેમ બહાર હરવા- ફરવા પર અને ટી.વી. જોવા ઉપર પણ પ્રતિબંધ લાદવામાં આવેલો. છોકરો બગડી ન જાય માટે.’
પણ ડૉક્ટર આગળ બોલવા જાય તે પહેલાં ધરમચંદજી બોલી ઉઠ્યા, ‘પરંતુ એ બઘું મેં એને સારા સંસ્કાર આપવા માટે કરેલું ! એને આ વાત સાથે શી લેવાદેવા ?’ ‘કેમ નહીં શેઠ શ્રી ? સુશીલની બીમારીના મૂળ તો છેક ત્યાં છે !’ ડૉક્ટરે ફરી વાતનો દોર પોતાના હાથમાં લેતા કહ્યું ઃ ‘વ્યક્તિનું જાતીય જીવન તેની ઇન્દ્રિય ઉત્થાનની પ્રક્રિયા, તેના આનંદની અનુભૂતિ આ બઘું જ કંઈ કેવળ શારીરિક પ્રક્રિયા નથી. તમે સુશીલની જીવનરીતિ એ રીતે ઘડી કે જેમાં જાતીયતાને એક બિભત્સ, ગંદી, વર્જ્ય ચીજ તરીકે જોવામાં આવે. અને હવે આપ ઇચ્છો છો કે સુશીલ લગ્ન કરીને ગૃહસ્થી ભોગવે અને એ જ જાતીયતાનો આનંદ માણે ?’
‘સુશીલના વ્યક્તિત્વ ઉપર આવા પ્રતિબંધોનો, અવરોધોનો, શિક્ષાઓનો ઉલટો પ્રભાવ પડ્યો છે. તેની તંદુરસ્ત, કુદરતી, સાહજિક જાતીય વૃત્તિઓને દબાવી દેવામાં આવી હતી. જેને કારણે દરેક વ્યક્તિ પોતે જાતીય વૃત્તિઓ અંગે જે સહજ જ્ઞાન પ્રાપ્ત કરતી હોય છે તે સુશીલ કરી શક્યો નથી. સેક્સ અંગે તેણે આજપર્યંત કાયમ ભય, અપરાધભાવ, પશ્ચાત્તાપ, ચિંતા જેવા ભાવો જ અનુભવ્યા છે. આવા મનોભાવોની હાજરીમાં જાતીયતાનો આનંદ કઈ રીતે લઈ શકાય ?’
‘તમારી જેમ એક વેળાની પરિપક્વ તથા જાતીયતા માણી ચૂકેલી વ્યક્તિ પોતાની આત્મનિષ્ઠ વિચારશૈલીને કારણે જાતીયતાને ત્યાજ્ય ગણે તે અલગ વાત છે અને ઉછરતા, ગભરૂ બાળક તથા કુતૂહલપ્રિય કિશોર ઉપર પરાણે આત્મસંયમ જાળવવાનું દબાણ કરવામાં આવે એ અલગ વાત છે. સેક્સ્યુઆલિટી એ કેળવવાની વસ્તુ છે. એ જાણ્યા કે માણ્યા વગર ક્યારેય ન કેળવી શકાય.’
‘આઇ એમ સોરી ટુ સે યુ મિ. ધરમચંદજી ! આપના પુત્રનો એકપક્ષી, આત્યંતિક ઉછેર જ તેની તકલીફ માટે કારણભૂત હતો,’ ડોક્ટરે પૂર્ણવિરામ મૂક્યું. ધરમચંદજી જિંદગીમાં પહેલીવાર આવું સાંભળી રહ્યા હતા. પોતાની ધાર્મિકતા જ પોતાના પુત્રના જીવનમાં આવો મોટો અંતરાય ઊભો કરશે એવી તેમને કલ્પના નહોતી. પંદર વર્ષ પહેલાં પાડોશીની છોકરીનો હાથ પકડવા બદલ જે સુશીલને એમણે ‘દુરાચારી’ તથા ‘આબરૂ ઘૂળમાં મેળવનાર’ કહ્યો હતો, એ જ સુશીલે આજે પણ (શેઠને મતે) કુટુંબની આબરૂ તો ઘૂળમાં જ મેળવી હતી. ફર્ક એટલો જ કે આ વખતે તેણે કાર્ય ‘સદાચારી’ બનીને કર્યું હતું.

Share |
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 

Science and Technology

''સાયન્સ અને ટેકનોલોજીનો સમન્વય સુપર-મ્યુટન્ટ જેવાં સૈનિકો સર્જવામાં સફળ થશે ?''
હિરોશીમા- નાગાસાકીની પરમાણુ બોમ્બ વિસ્ફોટની ઘટના ૬૪ વર્ષે પણ ભૂલાતી નથી
લઘુગ્રહ અને પૃથ્વીની સંભવિત અથડામણ
 
 

Gujarat Samachar Plus

૬૦ લાખની વસ્તી વચ્ચે માત્ર ૧૬ પ્લે ગ્રાઉન્ડ
અસ્સલ ટ્રેડિશનલ ડ્રેસ કોને કહેવાય?
બે કિલોમિટરે બોલી બદલતું શહેર
ઓલટાઇમ ફેવરિટ શેક્સપિઅર અને ટાગોર
   
 
 
lagnavisha usa
   
webad1

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
webad2

આજનું કાર્ટુન

webad3
   
usalet archive

Follow Us

Twitter Facebook

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2010, All Rights Reserved