|
જ્ઞાનની પ્રકૃતિ પૂર્વગ્રહોનાં જાળાં સાફ કરી આપવાની છે, નીરક્ષીર વિવેક દર્શાવવાની છે, બઘ્ઘુમતતામાંથી મુક્તિ અપાવવાની છે, સત્યને સર્વાંગ પ્રકટ કરી આપવાની છે. એના બદલે એનાથી કશુંક વિપરીત બનતું હોય તો સમજવું કે કશીક ભળતી વસ્તુ પાસે આપણે આવીને ઊભા છીએ. જે લોકો ‘વાંચે ગુજરાત’ અથવા તો વાંચવા માટેની હિમાયત કરે છે તેઓના મનમાં પણ સંભવતઃ એવા જ્ઞાનની બાબત તો રહી હશે જ. પણ આવી ઘટનાઓ સહજ પ્રક્રિયા બનવાને બદલે મિશનરી જીલનું રૂપ ધારણ કરે ત્યારે પરિણામો જુદાં જ આવી મળે. પહેલીવાત તો એ છે કે - શું વાંચવું એ નક્કી કોણ કરે? શાસકો, તથાકથિત વિદ્વાનો કે પ્રકાશકો? જો એવા લોકો એ સઘળું નક્કી કરનાર હોય તો પ્રશ્ન તેઓની વસ્તુનિષ્ઠ પસંદગીનો રહેવાનો. તેમની પોતાની રુચિ કે ગમા-અણગમાનો રહેવાનો. તેથી ક્યારેક એવું પણ બને કે જે વાંચવાથી કશો ફરક જ ન પડે અથવા નહિવત્ ફરક પડે એવું વંચાતું રહે! સાથે જે વાંચનયોગ્ય સામગ્રી કે પુસ્તકો હોય તેને અમુકતમુક કારણો આગળ ધરી બાજુએ હડસેલી દેવામાં આવે. દુનિયાના ગ્રંથોનો ઈતિહાસ બતાવે છે કે માણસને વાંચનની બાબતમાં ઘણીવાર ગુમરાહ કરવામાં આવ્યો છે. એવા મુઠ્ઠીભર લોકો અને તેમની બદ્ધરુચિનો પ્રભાવ ક્યારેક આખા સમાજ ઉપર પડ્યાના દાખલા છે. વાચકોને તેવા મુઠ્ઠીભર લોકો કશુંક ભળતું જ પીરસતા રહે અને સરેરાશ માણસ તેને જ સત્ય સમજીને તેની તરફદારી કરતો રહે. સરઘસો, મેળાઓ વગેરેમાં હેઈસો હેઈસો ચાલે છે એવું અહીં પણ બન્યું છે. રશિયામાં સોલ્ઝેનિત્શિન જેવાને અને તેની ‘એ ડે ઈન ધ લાઈફ ઓફ ઈવાન ડેનિશોવીચ’ જેવી કૃતિ માટે આમ બન્યું છે. કૃતિના પ્રકાશન માટે સર્જકને પારાવાર વેદના ભોગવવી પડી છે. પ્રજા એ કૃતિ પ્રતિબંધિત હોવાથી વાંચી શકતી નહોતી. દોસ્તો-એ-વસ્કીની ‘બ્રધર્સ કેરેમેઝોવ’ પણ શાસકોની ખફાનો ભોગ બની હતી. તેના વાચન માટે પણ શાસકીય નિષેધ હતો. દાન્તેનો ‘ઈન્ફર્નો’ જેવી કૃતિ કે શેક્સપિયરની ‘હેમ્લેટ’ અથવા ‘ઓથેલો’ જેવી કૃતિઓ પણ એક સમયે ન વાંચવા જેવી અણઘડ લેખાઈ હતી! સાન વિવાથી માંડીને અનેક આફ્રિકન સર્જકોની કૃતિઓ પણ એ રીતે પ્રતિબંધિત રહી છે. આપણે ત્યાં ‘કુત્તી’ની ઘટના પણ જાણીતી છે. આવાં તો આપણે સંખ્યાબંધ દ્રષ્ટાંતો ટાંકી શકીએ. આવી જ આ કૃતિઓ, એ જ રૂપે રહીને પાછળનાં વર્ષોમાં, બદલાયેલા સમાજમાં ઉત્તમરૂપે પાછી પોંખાઈ છે! આ અને આવા બધા પ્રશ્નોને લઈને જ ‘વાંચન’ બાબતે કશી ટીપ્સ આપવી જોખમી બની જાય છે. હું કાર્લમાર્કસને વાંચું એ એક બાબત છે, ગાંધી વાંચું તે પણ એક બાબત છે. પણ પછી કાર્લમાર્કસ કે ગાંધી સિવાયનું કશું આવે તો હું તેનો ધરાર વિરોધ કરું તે કેટલે અંશે ઉચિત? જ્ઞાન મને મોકળાશ આપે તેના બદલે તેજ બદ્ધરુચિ કે બદ્ધમત બનાવી દે એ ઘણી જોખમી બાબત છે - વ્યક્તિ અને તંદુરસ્ત સમાજ બંને માટે.
સર્જક અને એની કૃતિ બંને સમાજની નીપજ છે. પણ સામાન્ય માનવી જ્યાં તિરાડો કે પોલાણો જોઈ શકતો નથી, ભાવિમાં તેની થનાર અસરને સમજી શકતો નથી એ સર્જક એની વિશેષ શક્તિથી જોઈ શકે છે અને વઘુ તો નિર્ભીક રીતે તેને શબ્દરૂપ આપવા પ્રયત્ન કરે છે. કહો કે તેની જિદ સત્યને પ્રકટ કરવાની કે તેને સર્વાંશે ઉગારી લેવાની હોય છે. તો સામે એક વર્ગની જિદ સત્ય પ્રકટ જ ન થાય અને થાય તો તેને કેવી રીતે ઢાંકી દઈ શકાય તે માટેની હોય છે. આથી જ વાંચનમાં ક્યારેય કોઈની ટીપ્સ ચાલી શકતી નથી. જે કંઈ સુભગ-સુંદર છે, અનુકૂળ છે, રુચિપોષક છે, માનવને લક્ષે છે, માનવતાને સંવર્ધે છે એવું વાંચવાનું વલણ મહત્વનું બનવું જોઈએ.
ક્યારેક આપણી વાચનપ્રીતિ જો આપણા જ ગમા-અણગમા બની બીજા ઉપર આરોપિત કરીએ તો એ પણ વાજબી નથી. મને ગમ્યું એ અન્યને ગમવું જોઈએ એ સાચું નથી તો સાથે હું જે ભેદ ઊભા કરું છું તે જ સાચા છે એમ ઠેરવવું પણ જ્ઞાન વિરૂદ્ધનું વલણ દર્શાવે છે. અથવા તો આપણી સીમાબદ્ધ રુચિનું તે નિદર્શન બની રહે છે. ભવભૂતિ જેવો કવિ પોતાના સમયમાં આ વાત સો ટકા પામી ગયો હતો. આજનો નહિ તો ભવિષ્યનો સમાજ એને સમજશે તેવી તેનામાં સકારણ શ્રઘ્ધા હતી. એની વાત સત્ય કે માનવ પરાઙમુખ ન્હોતી. દરેક પુસ્તક એના પોતાના સૂરથી નિયંત્રિત થતું હોય છે. તેનું એક સ્વતઃસિદ્ધ આગવું વિશ્વ હોય છે. બે પુસ્તકો વચ્ચે સામ્ય-વૈષમ્ય જરૂર હોવાનાં કારણકે બંનેનાં લક્ષ્યો જુદાં છે. પણ પછી બે પુસ્તકોને સાથે રાખી તરતમ ભાવથી તેની શ્રેષ્ઠાશ્રેષ્ઠતાનાં લેખાંજોખાં કરવા બેસીએ તે પણ અંગતરુચિનું જ ક્યારેક રૂંપણું છતું કરે. ‘મેઘદૂત’ને હું પ્રેમકાવ્ય છે તેથી પોખું અને ‘વૈરાગ્યશતક’ વૈરાગ્યું કાવ્ય છે તેથી હું તેને બાજુએ મૂકું તે કેમ ચાલે? વાચનનું કામ જીવનના અનેક ખૂણાઓને, અનેક સંવેદનાઓને અજવાળી આપવાનું હોય, અનેક અદીઠ વિશ્વો વચ્ચે આપણને રોપી આપવાનું હોય. ‘સત્યના પ્રયોગો’ એ ગાંધીજીના સત્યપ્રયોગનું માનવીય કાવ્ય જ છે, અંદરના લયની સંખ્યાતીત ભાતોનું જ સંગીત છે. ‘રામાયણ’ અને ‘મહાભારત’ સામે છેડે વિશ્વના લયને ઝીલે છે. વ્યક્તિ-સમષ્ટિ વચ્ચે તેની આવનજાવન છે. તેથી અમુક ઉચ્ચ કે અમુક અવચ કે નીચું એ ભેદ પણ અનુચિત છે. બંને પોતાની રીતનાં કાવ્યો છે.
વાંચન એટલે જ આપણી અનિવાર્યતામાંથી આરંભાવું જોઈએ. વાંચન પોતાની સાથેની મહેફિલ બનવું જોઈએ.
|