(પીટીઆઈ) ઈસ્લામાબાદ, તા. ૭
મુંબઈ હુમલા કેસના ૨૪ મુખ્ય સાક્ષીઓના નિવેદન નોંધવા પંચની રચના કરવા દેવાની પીટીશન પાકિસ્તાનના ફરિયાદ પક્ષે આજે રાવલપીંડી સ્થિત ત્રાસવાદ વિરોધી કોર્ટમાં રજુ કરી હતી.
ફેડરલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (એફઆઈએ)ના પ્રોસીક્યુટર ચૌધરી ઝુલ્ફીકારે કહ્યું કે જડજ મલીક મોહમ્મદ અક્રમ આવાનની ત્રાસવાદ વિરોધી કોર્ટમાં પીટીશન રજુ કરવામાં આવ્યું હતું. મુંબઈ હુમલામાં સંડોવાયેલા લશ્કર-એ-તોયબાના વડા ઝાકીઉર રહેમાન લખવી અને અન્ય છ શકમંદોની સામે જડજ આવાન અદાલતી કાર્યવાહી ચલાવી રહ્યા છે.
ફરિયાદ પક્ષે એવી રજુઆત કરી હતી કે આરોપીઓનો બચાવ કરતા વકીલોના એક પ્રતિનિધિનો પણ પંચમાં સમાવેશ કરવો જોઈએ. જેથી તેઓ ૨૪ ભારતીય સાક્ષીઓની ઉલટતપાસ કરી શકે. આ ૨૪ ભારતીય સાક્ષીઓમાં એક મેજીસ્ટ્રેટ, એક પોલીસ અધિકારી અને હુમલામાં માર્યા ગયેલા વ્યક્તિઓનું પોસ્ટમોર્ટમ કરનારા ડૉક્ટરોનો સમાવેશ થાય છે.
આરોપીઓને પોતાની પ્રતિભાવ રજુ કરવા ૧૮ સપ્ટેમ્બર સુધીનો સમય જડજે આપ્યો હતો. કેસની આગલી સુનાવણી ૧૮ સપ્ટેમ્બરે થશે.
ગયા સપ્તાહમાં પાકિસ્તાનના ઈન્ટીયર મીનીસ્ટર રહેમાને મલીકે સ્વીકાર્યું હતું કે પાકિસ્તાની શકમંદો સામેની કાર્યવાહીમાં વિલંબ થઈ રહ્યો હતો. આથી ભારત જઈ સાક્ષીઓનું નિવેદન નોંધવા પંચની રચના કરવી જરૃરી છે.