વિજાપુર -
વિજાપુરમાં ગઈરાત્રે ચાર ગાયોની એસ.ટી. બસ ડેપોની સામેની જગ્યામાં કતલ કરવામાં આવી હતી જેના પગલે પશુપાલક સમાજમાં ભારે આક્રોશ જણાતો હતો. માલધારી અને પશુપાલક સમાજે વિજાપુર બંધનું એલાન આપ્યું હતું જેને સમાજના તમામ વર્ગમાંથી વ્યાપક પ્રતિસાદ સાંપડયો હતો. અને સંપૂર્ણ સજ્જડ બંધ સાથે આજે સફળતા પ્રાપ્ત થઈ હતી તો બીજી તરફ પોલીસના સઘન બંદોબસ્ત હેઠળ પૂર્ણશાંતિ જળવાઈ હતી.
શ્રાવણ માસ, પર્યુષણ પર્વ અને રોજા એમ ત્રણેય પવિત્ર તહેવારોના ત્રિભેટે ઊભેલા વિજાપુરના વાતાવરણને ડહોળી નાખવાના પ્રયાસરૃપે ચાર ગાયોની દિલ હચમચાવી મૂકે તેવી હત્યાથી તમામ સમાજ સમસમી ઉઠયો હતો. સોમવારે વિજાપુર બંધના અપાયેલા એલાન ભારે સફળતા અપાવવા પશુપાલક સમાજે કરેલા આહવાનને તમામ સમુદાયોમાંથી હકારાત્મક પ્રતિસાદ સાંપડયો હતો અને વિજાપુર તમામ બજારો આજે જડબેસલાક બંધ રહ્યા હતા માત્ર દવાખાના દવાની દુકાનો દૂધની દુકાનો જેવી આવશ્યક સેવાઓને બાદ કરતાં બાકીની તમામ દુકાનો ઓફિસો માર્કેટયાર્ડથી લઈને પાનના ગલ્લા તથા શાકભાજીની લારી સુધીમાં બંધની અસર વર્તાતી હતી તથા સમાજના તમામ વર્ગે આ દુષ્કૃત્યને વખોડી નાખી આરોપીને કડકમાં કડક સજા થાય તેવી લાગણી વ્યક્ત કરી હતી. મુસ્લીમ સમાજે પણ સરકારને આવેદનપત્ર પાઠવી આરોપીઓ સામે રોષ ઠાલવ્યો હતો.
પોલીસે પણ નોંધપાત્ર રીતે નગરમાં પોતાની કુમુક બિછાવી કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સતર્કતા દાખવી હતી. દરમ્યાનમાં મળતા સમાચાર મુજબ પકડાયેલા આનંદપુરા તથા મહાદેવપુરા ગામના આરોપીઓ અનુક્રમે લક્ષ્મણ અને સલીમને પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી.વિજાપુરમાં જ્યાં જુઓ ત્યાં બસ એક જ વાત છે કે, હત્યારો ભલેને કોઈ મોટો ચમરબંધી જ કેમ ન હોય એને ત્વરીત સજા કરવી જોઈએ જેથી કરી ભવિષ્યમાં આવી ગુસ્તાખી કરવાની ભૂલ ન કરે. શહેરના પ્રબુધ્ધ લોકોએ ગૌ હત્યા જેવા ગંભીર વિષય પર સહાનુભૂતિ બતાવી છે જે દાદ માંગી લે તેવી છે. રોજબરોજ લોકોથી ધબકતાં શહેરનાં બજારોમાં આજે સન્નાટો હતો, જાણે કે લોકોએ સ્વયંભૂ કરફ્યુ ના પાડયો હોય ! જડબેસલાક બંધ એ સાબિત કરે છે કે લોકોનો ગુસ્સો શમવાનું નામ લેવાનો નથી અને હજુ આ વિષય ઉપર આગળ કોઈ અનિચ્છનીય ઘટનાઓ બને તે પહેલાં પોલીસ હત્યારાને પકડીને કડક સજા કરે તેવી સર્વત્રથી માંગ ઉઠવા પામી છે. ફરીથી આ ગંભીર ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે હત્યારાને જાહેરમાં ફાંસી આપવામાં આવે તેવી પણ લોકમાંગણી ઉઠી છે. કાયદો કાયદાનું કામ કરશે પરંતુ, ગૌ હત્યા કરનારા પિશાચી હત્યારાઓને કુદરત ક્યારેય માફ નહી કરે એ વાસ્તવિક્તા પણ સ્વીકારવી જ રહી.
|