અમદાવાદ -
'લવ પોઈન્ટ' તરીકે ઓળખાતા રીંગ રોડ પરના શીલજ ઓવરબ્રિજ ઉપર બેઠેલા યુગલ ઉપર હુમલામાં યુવકનું મૃત્યુ નિપજ્યું હતું અને યુવતીને ઈજા પહોંચી છે. ગોમતીપુરમાં રહેતા મુજફરખાન પઠાણ નામના યુવકના હત્યા પાછળ લૂંટનો ઈરાદો હતો કે અંગત અદાવત કારણભૂત છે તે હજુ સુધી પોલીસ સ્પષ્ટ કરી શકી નથી. ઘાટલોડીયામાં રહેતી વંદના નામની યુવતીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, 'બોપલ ક્યાં આવ્યું?' તેમ પૂછીને ચાર શખ્સોએ હુમલો કર્યો હતો. નાસતી વખતે એક શખ્સે યુવતીના ગળામાંથી ચેઈન ખેંચ્યો હતો. અડધો ચેઈન યુવતીના હાથમાં રહી ગયો હતો. દોડીને નાસી ગયેલા લૂંટારાઓ કોણ હતા અને કયા કારણસર હુમલો કર્યો તે સ્પષ્ટ કરવા પોલીસ વિવિધ દિશામાં તપાસ કરી રહી છે.
ઘાટલોડીયામાં રહેતા અને સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી ચૂકેલા વંદનાબેન ચોક્સી (પટેલ, ઉ.વ. ૩૦)એ પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, એક વર્ષ પહેલા થલતેજની પીઝા શોપમાં જતી ત્યારે ત્યાં નોકરી કરતા જાવેદ મિર્ઝા નામના યુવક સાથે મિત્રતા થઈ હતી. જાવેદ થકી છ મહીના પહેલા ગોમતીપુરમાં રહેતા મુજફરખાન પઠાણ (ઉ.વ. આશરે ૨૬) સાથે મિત્રતા થઈ હતી. રવિવારે સાંજે છ વાગ્યા મુજફરનો ફોન આવતા વંદના તેને મળી હતી. એક્ટિવા થલતેજમાં એક મોલ પાસે મુકીને બન્ને મુજફરના બાઈક ઉપર લોંગ ડ્રાઈવ ઉપર નીકળ્યા હતા.
સાયન્સ સિટી ચાર રસ્તા પાસે રેસ્ટોરન્ટમાં જમ્યા બાદ બન્ને રાતે ૧૦ વાગ્યાના અરસામાં શીલજ ઓવરબ્રીજ ઉતરી બોપલ તરફ જઈ રહ્યા હતા. આ સમયે ચાર અજાણ્યા શખ્સોએ હાથ લાંબો કરી અટકાવ્યા હતા અને પૂછયું હતું કે- 'બોપલ ક્યાં આવ્યું?' કંઈ જવાબ આપે તે પહેલા આ શખ્સોએ હાથ પકડીને વંદના અને જાવેદને ખેંચ્યા હતા. બન્ને પટકાઈ પડયા હતા. ચરા શખ્સોએ લાકડાના દંડા અને પાઈપથી હુમલો કર્યો હતો. અચાનક પોલીસની જીપ આવતી જોઈ હુમલાખોરો દોડીને નાસી છૂટયા હતા. બાદમાં, હોસ્પિટલે લઈ જવાયેલા મુજફરખાનનું મૃત્યુ થયું હતું. વંદનાને સારવાર આપવામાં આવી છે.
રૃરલ એસ.પી. સંદીપસીંગે જણાવ્યું કે, સમગ્ર ઘટનાક્રમમાં ઘણી બાબતો શંકાસ્પદ જણાય છે. યુવતી હજુ અમુક વિગતો છૂપાવતી હોય તેવી આશંકા છે. યુવતીએ તેના અમુક નજીકના લોકોને એવું કહ્યું છે કે, બન્ને બાઈક બાજુ ઉપર રાખીને બેઠા હતા ત્યારે આ શખ્સો આવ્યા હતા. નાસતી વખતે એક શખ્સે યુવતીનો સોનાનો ચેઈન ખેંચ્યો હતો. અડધો ચેઈન યુવતીના હાથમાં રહી ગયો છે અને ૧૫,૦૦૦ની કિંમતનો અડધો ચેઈન લૂંટી જવાયો છે. આ સંજોગોમાં લૂંટની થિયરી પણ નકારી શકાય નહીં. પરંતુ, આ સમયે અન્ય બે કપલ પણ થોડા દૂર હતા. તો, આ કપલ ઉપર જ હુમલો શા માટે કરવામાં આવ્યો તે પણ તપાસનો મુદ્દો છે. પ્રાથમિક સંજોગો જોતાં લૂંટના ઈરાદે અથવા અંગત અદાવતથી હુમલો કરાયો હોવાની સંભાવનાઓ ચકાસાઈ રહી છે.
|