મુંબઈ - કરીના કપૂર અને ઇમરાન ખાન અભિનિત પોતાની નવી ફિલ્મ 'શોર્ટ ટર્મ સાદી) (કામચલાઉ શિર્ષક) હોલીવૂડની ફિલ્મ 'વોટ હેપન્સ ઇન વેગાસ'ની રિમેક ન હોવાનો કરણ જોહરે સ્પષ્ટ શબ્દોમાં ખુલાસો કર્યો હતો.
''ફિલ્મની લેખિકા-દિગ્દર્શિકા શકુન બાત્રાએ લખેલી આ ઓરિજીનલ કથા છે.'' કરણે જણાવ્યું હતું. આ ઉપરાંત આ ફિલ્મમાં તેણે કરીનાને સાઈઝ ઝીરો બનવા તેમજ વાળ ટૂંકા કરવાનું કહ્યું હોવાનો પણ કરણે ઇન્કાર કર્યો હતો.
''મેં કરીના સાથે આ બાબતની વાત કરી જ નથી અત્યારે તે જેવી દેખાય છે એવી જ ફિલ્મમાં દેખાશે. આમ પણ તે સુંદર છે.'' કરણે કહ્યું હતું.
તાજેતરમાં રિલીઝ થયેલી કરણની સિધ્ધાર્થ મલ્હોત્રા દિગ્દર્શિત ફિલ્મ 'વી આર ફેમિલી' હોલીવૂડની ફિલ્મ 'સ્ટેપ મોમ'ની સત્તાવાર રિમેક છે. બોક્સ ઓફિસ પર આ ફિલ્મને મિશ્ર પ્રત્યાઘાત મળ્યા છે.
'''વી આર ફેમિલી' બેઠી નકલ નથી. હા, આ ફિલ્મમાંથી પ્રેરણા લેવામાં આવી છે, પરંતુ મારી ફિલ્મના કેટલાક ટ્રેક અને દ્રશ્યો એવા છે જે 'સ્ટેપ મોમ'માં નહોતા.'' કરણે જણાવ્યું હતું.
કરણે વધુમાં જણાવ્યા પ્રમાણે, ''અમે કંઈ પણ નકલ કરી નથી અમે ફિલ્મના હક્કો ખરીદ્યા હતા. એનો અર્થ એ થયો કે એ વિષયની માલિકી અમારી છે અને અમે એને અમારી રીતે બનાવી શકીએ છીએ.''
આ ફિલ્મને ભારતીય સ્પર્શ આપીને તેની ટીમ ખુશ હોવાનું કરણે ઉમેર્યું હતું. હોલીવૂડના ફિલ્મો પરથી ફિલ્મ બનાવવા વિશે વાત કરતા આ ફિલ્મસર્જકે કહ્યું હતું, ''પ્રેરણા લેવાનો દિગ્દર્શકને અધિકાર છે. પરંતુ તેનો કોઈ નિયમ કે આદેશ હોતો નથી એ સ્વયંસ્ફૂરિત હોવું જોઈએ.''
|