મુંબઈ - ઘાટકોપર પૂર્વના રમાબાઈ આંબેડકર નગરમાં શિક્ષકદિનની ઉજવણી વખતે ગઈ કાલે રાત્રે કેક ખાધા પછી લગભગ ૩૫ વિદ્યાર્થીઓને ખોરાકી ઝેરની અસર થઈ હતી. તરત જ તેમને રાજાવાડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તાત્કાલિક સારવાર મળતા જોખમ ટળ્યું હતું.
પોલીસે જણાવ્યું હતું કે રમાબાઈ આંબેડકરનગરમાં એક પ્રાયવેટ ટયુશન કલાસ તરફથી શિક્ષક દિનનો કાર્યક્રમ યોજાયો હતો. રમાબાઈ હાઈસ્કૂલમાં યોજાયેલા કાર્યક્રમ વખતે ચોથા ધોરણથી આઠમા ધોરણના વિદ્યાર્થીઓને કેક ખવડાવવામાં આવી હતી. કેક ખાધા પછી વિદ્યાર્થીઓને ઉલ્ટી થવા માંડી હતી અને ચક્કર આવવા માંડયા હતા. આથી તરત જ બધાને રાજાવાડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર બાદ બધા જ વિદ્યાર્થીઓની સ્થિતિ સુધારા પર હોવાનું હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું.
ડેપ્યુટી પોલીસ કમિશનર સંજય શિંત્રેએ આપેલી માહિતી મુજબ આ કેક રાજારામ ચૌધરીની હરિઓમ સ્વીટમાર્ટમાંથી ખરીદવામાં આવી હતી. ખોરાકી ઝેર સંબંધે દુકાનના માલિક અને કેક પૂરી પાડનારા શમસૂલ અન્સારીની પોલીસે અટક કરી છે. રાત્રે હોસ્પિટલમાં પહોંચેલા ઘાટકોપરના વિધાનસભ્ય પ્રકાશ મહેતાએ જણાવ્યું હતું કે એક સાથે આટલા બધા બાળકોને ખોરાકી ઝેરની અસર થવાથી રમાબાઈ નગરમાં હાહાકાર મચી ગયો હતો. સદ્ભાગ્યે સમયસરની સારવારને લીધે ઘાત ટળી હતી. |