| Last Update : 07-Sept.-2010, Tuesday |
|
|
|
|
|
|
| દવાના ભારે ડોઝને બદલે માત્ર એક ગોળી મેલેરિયા દૂર કરશે |
| નવી ગોળીનું પ્રારંભિક પરીક્ષણ સફળ થતાં વિશ્વમાં સૌથી વધુ મૃત્યુનું કારણ બનતા મેલેરિયા સામેની લડતને વેગ મળશે |
(પીટીઆઈ) લંડન, તા. ૪
મેલેરિયાના ઉપચાર માટે વૈજ્ઞાાનિકોએ એક નવી દવા શોધી હોવાના અહેવાલો પ્રકાશમાં આવ્યા છે. મેલેરિયાના દર્દીએ આ ગોળી એકજ વાર લેવાની રહેશે અને આ વાત તેમણે પ્રાયોગિક ધોરણે સાબિત પણ કરી બતાવી છે. જોકે આ દવાને બજારમાં આવતા હજુ સમય લાગશે તેવું વૈજ્ઞાાનિકોનું કહેવું છે.
સંશોધકોના કહેવા પ્રમાણે આ દવાનો માત્ર એક ડોઝ પણ ઘણો અસરકારક પૂરવાર થયો છે અને તેનો સૌથી પહેલો સફળ પ્રયોગ મેલેરિયાયુક્ત ઉંદર પર કરવામાં આવ્યો હતો. જોકે મેલેરિયા વિશ્વના મોટા રોગોમાં ગણાય છે અને તેનો ઉપચાર પણ શક્ય છે. આફ્રિકામાં મેરેલિયાના કારણે દર ૪૫ સેકન્ડે એક બાળક મૃત્યુ પામે છે અને આ રોગ મચ્છરો દ્વારા ફેલાય છે.
વૈજ્ઞાાનિકોએ જણાવ્યું હતું કે દર વર્ષે યુકેમાં ૧૫૦૦ જેટલા પ્રવાસીઓ મેલેરિયાના જીવાણુ સાથે પરત ફરે છે. વર્ષ ૨૦૦૮માં યુકેમાં મેલેરિયાના ૧૩૭૦ કેસ નોંધાયા હતા. જેમાંથી ૬ વ્યક્તિ મૃત્યુ પામી હતી. જુલાઈ મહિનામાં પોપસ્ટાર કેરીલ કોલ પણ આ રોગના કારણે ગંભીર બિમારીમાં પટકાઈ હતી અને તેમને મેલેરિયાનો ચેપ ટાન્ઝાનીયામાંથી લાગ્યો હતો. આ રોગની ગંભીરતાને જોતાં આતરરાષ્ટ્રીય વૈજ્ઞાાનિકોની એક ટુકડીએ 'એનઆઈટીડી ૬૦૯' નામની એક દવા શોધી છે જે મેલેરિયા માટે જવાબદાર બે જીવાણુ સામે ઘણી અસરકારક સાબિત થઈ છે. આ દવાનો માત્ર એક જ ડોઝ મેલેરિયાને દૂર કરવામાં સક્ષમ હોવાનો વૈજ્ઞાાનિકોનો દાવો છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા (હૂ)ના કહેવા પ્રમાણે દર વર્ષે મેલેરિયાના અંદાજે ૨૪.૩ કરોડ કેસ નોંધાય છે. જેના કારણે અંદાજે ૮,૬૩,૦૦૦ લોકો મૃત્યુ પામે છે. જેમાં મોટેભાગે આફ્રિકાના બાળકોનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મેલેરિયા માટે શ્રેષ્ઠ સારવાર આર્ટેમાઈસીનના મિશ્રણવાળી પધ્ધતિ (એસીટી) વડે તૈયાર કરેલી દવા દ્વારા મળે છે પણ તે ઘણી મોંઘી હોવાથી દરેકને પરવડતી નથી. જેના કારણે ક્લોરોક્વિન અને સલ્ફાડોક્સિન-પીરિમેથામાઈન જેવી મેલેરિયાની સસ્તી દવાઓ પ્રમાણમાં વધુ પ્રચલિત બની છે.
ઉલ્લેખનીય છે કે આ નવી દવાને બજારમાં આવતા હજુ ઘણો સમય લાગશે અને વર્ષના અંતમાં આ દવાના માણસો પર 'ક્લિનિકલ ટેસ્ટ' કરવાનું શરૃ કરવામાં આવનાર હોવાનું સંશોધકોનું કહેવું છે.
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
|
|
Gujarat Samachar © 2010, All Rights Reserved |
|
|
|