સુરત -
સુરત મહાનગરપાલિકાના ડ્રીમ પ્રોજેક્ટ એવા કેબલ સ્ટેઈડ બ્રિજની ખાત મુર્હુત વિધિની સાથે જ ચુંટણીની જાહેર સભાની પણ તૈયારી થઈ રહી છે. આગામી ગુરૃવારે સુરતના પાલ વિસ્તારમાં પાલિકાના કાર્યક્રમના થોડા જ કલાકો બાદ ચુંટણીની જાહેરાત થતાં આચાર સંહિતા લાગી જશે. જેના કારણે ખાત મુર્હુત બાદની આ જાહેર સભા પાલિકાની છેલ્લી અને ચુંટણી પ્રચારની પહેલી જાહેર સભા બની જશે.
સુરત સહિત રાજ્યની તમામ મહાનગરપાલિકાની ચુંટણીની જાહેરાત અંગે છેલ્લા દસ દિવસથી સસ્પેન્સ થઈ રહ્યું છે. પરંતુ શનિવારની સ્થાયી સમિતિમાં કેબલ સ્ટેઈડ બ્રિજની દરખાસ્ત મંજુર થયાં બાદ આગામી ગુરૃવારે ખાત મુર્હુત વિધિની જાહેરાત કરતાં ગુરૃવારે જ જાહેરનામું બહાર પડે અને આચાર સંહિતા લાગુ પડે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.આ દરખાસ્તને સ્થાયી સમિતિએ મંજુર કરતાં આગામી ગુરૃવારે શહેરી વિકાસ મંત્રી નિતિન પટેલના હસ્તે ખાત મુર્હુત વિધિ રાખવામાં આવી છે.
આ ખાત મુર્હુત વિધિ માટે પાલિકાને ખાસ સુચના આપવામાં આવી છે કે, ખાત મુર્હુત વિધિ તથા જાહેર સભાનો કાર્યક્રમ ૧૧ વાગ્યા પહેલાં પુર્ણ થઈ જવો જોઈએ. તેના કારણે પાલિકા દ્વારા સવારે ૯ વાગ્યે ખાત મુર્હુત અને ત્યાર બાદ જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કામગીરી તથા સુચના કારણે એવી અટકળ થઈ રહી છે કે, આ જાહેરસભાના કલાકો બાદ ચુંટણીની જાહેરાત થયાં બાદ આચાર સંહિતા લાગુ પડી જશે.
તેના કારણે ભાજપ શાસકો દ્વારા પાલિકાનો આ ટર્મનો છેલ્લો જાહેર કાર્યક્રમને ચુંટણી પ્રચારની પહેલી જાહેર સભા બનાવી દેવા માટે જોરદાર તૈયારી કરી દેવામાં આવી છે. પાલિકાની ગત ચુંટણીમાં ભાજપ દ્વારા કેબલ સ્ટેઈડ બ્રિજને ચુંટણી ઢંઢેરામાં સમાવી લેવામાં આવ્યો હતો. પરંતુ છેક ટર્મના આખરના દિવસોમાં આ બ્રિજ મંજુર કરાવી દેતાં ભાજપ શાસકોનો ઉત્સાહ બેવડાઈ ગયો છે.