જૂનાગઢ -
ભારત સ્વાભિમાન યાત્રા આજે સવારે ૫ વાગ્યે જૂનાગઢ આવી પહોંચી હતી. જ્યાં પત્રકારોના જવાબમાં બાબા રામદેવે આડકતરી રીતે ટુંક સમયમાં નવી પોલીટીકલ પાર્ટી ખોલવાનો નિર્દેશ આડકતરી રીતે આપ્યો હતો. યોગ શિબિર બાદ સ્વયંસેવકો દ્વારા બરાબર વ્યવસ્થા ન થતા અનેક લોકોને મુશ્કેલી પડી હતી. તેમજ દવાઓમાં પણ લોકો લુંટાયા હતા.
શહેરના બિલખા રોડ સ્થિત પોલીસ પરેડ મેદાન ખાતે બાબા રામદેવે હજારો લોકોને વિનામુલ્યે યોગ શિખવાડયા હતા અને સાથે સાથે ભ્રષ્ટાચાર, દેશદ્રોહ જેવી પ્રવૃત્તિઓનો સામનો કરવાનું જણાવી ''શું તમે રાજકીય પાર્ટી ખોલવાના છો?'' તેવા પત્રકારોના પ્રશ્નના જવાબમાં તેઓએ ભવિષ્યમાં ભારતમાં ઘણા ક્રાંતિકારી ફેરફારો થવાના છે તેમ કદાચ આ પણ એક ફેરફાર હોઈ શકે. આમ બાબાએ પાર્ટી ખોલવાનો આડકતરો નિર્દેશ આપ્યો હતો.
યોગ બાદ આયુર્વેદિક દવાઓનો જ નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં અગાઉ જાહેર કરેલ ૨૦ તબીબોની જગ્યાએ માત્ર ત્રણ જ તબીબ હોય અનેક લોકોને મુશ્કેલી પડી હતી. દવાઓના વિતરણમાં પણ આડેધડ ભાવો લેવાયા હોવાનું લોકોએ રોષપૂર્વક જણાવ્યું હતું. ખંભાળિયામાં માર્કેટીંગ યાર્ડ ખાતે વિશાળ જાહેરસભાને બાબા રામદેવજીએ સંબોધન કર્યું હતું.
રાજકોટમાં આવતીકાલ તા. ૭ના રોજ રામદેવજી મહારાજના વડપણ હેઠળ યોગ શિબિરનું આયોજન શાસ્ત્રીમેદાન ખાતે કરવામાં આવ્યું છે. સવારના ૫થી ૭-૩૦ દરમિયાન યોગ શિબિર બાદ તેઓ પત્રકારને સંબોધશે. ત્યાર બાદ તેઓ ટંકારા જવા રવાના થશે. રાજુલામાં તા. ૮ને બુધવારે માર્કેટીંગ યાર્ડ ખાતે બપોરના ૩ વાગ્યે તેમની જાહેરસભા યોજાશે.