ભાવનગર -
ઘોઘા તાલુકાના બુધેલથી લાખણકા જવા માટે માલેશ્રી નદી પર બનાવામાં આવેલા પુલના કામમાં વ્યાપક ગેરરીતી આચરવામાં આવી હોવાનો ભાવનગર યુવા કોંગ્રેસે સણસણતો આક્ષેપ કર્યો હતો.
યુવા કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો હતો કે ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના બુધેલથી લાખણકા જવા માટે વચ્ચે આવતી માલેશ્રી નદીમાં પુલના અભાવે રાહદારીઓ તેમજ વાહનચાલકોને ચોમાસાની ઋતુમાં પારાવાર હાલાકીનો સામનો કરવો પડતો હતો જેના પગલે ગ્રામજનોએ સિંચાઇ વિભાગને રજૂઆત કરતા છેલ્લા છ મહિનાથી પુલ બનાવવાની કામગીરી ગોકળગતીએ ચાલતી હતી પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય તેનાઓ દ્વારા જશ ખાટવા અધુરા પુલના ઉદ્દઘાટન કરવાનું નાટક કરતા તેનો ગામલોકોએ સખત વિરોધ નોધાવ્યો હતો.
આ ઉપરાંત વધુમાં જણાવ્યા મુજબ પુલના બાંધકામમાં નિયમ અનુસાર લોખડ, સિમેન્ટ તથા અન્ય મટીરીયલ વાપરવામાં ન હોવાની ગ્રામ પંચાયતના સરપંચ સહિતના લોકોએ જિલ્લા કલેકટર, સિંચાઇ વિભાગના ઇજનેરને લેખિતમાં રજૂઆત કરવા છતા કોઇ યોગ્ય તપાસ આજદિન સુધી હાથ ધરવામાં આવી નથી.
જ્યારે ગ્રામજનોએ એવી માંગ ઉઠાવી છે કે, પુલના બાંધકામ અત્યંત નબળુ થયુ છે ત્યારે તેની વિજિલન્સ ટીમ દ્વારા ચકાસણી થયા પછી જ તેનું ઉદ્દઘાટન કરવા દેવામાં આવશે.