ગાંધીનગર -
વિધાનગૃહની મંગળવારની કાર્યવાહી શરુ થવાના કલાક પહેલા કોંગ્રેસ દ્વારા વિધાનસભાના કાર્યકારી સ્પીકરને નિયમ ૧૦૮ નીચે સોંપનારા પ્રસ્તાવમાં એમ જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્તિતિ સંપૂર્ણપણે પડી ભાંગી હોઈ વિધાનસભાની અન્ય કાર્યવાહી મોકૂફ રાખી રાજ્યની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે વિધાનસભા ગૃહ ચર્ચા કરે.
પૂર્વ વિપક્ષી નેતા અર્જુન મોઢવાડિયા, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ અને ડો. અનિલ જોષીયારા દ્વારા સ્પીકરને સોંપાનારી નોટિસમાં એમ જણાવાયું છે કે, 'ગુજરાતના ગૃહ, કાયદો અને જેલ વિભાગના રાજ્યપ્રધાન ખંડણીના પૈસા પડાવવામાં અને ત્રિપલ મર્ડર કેસના મુખ્ય કાવતરાખોર તરીકે જેલમાં ગયા છે. બીજી બાજુ કાયદો- વ્યવસ્થા સદંતર ભાંગી પડયા છે. ખૂન, લૂંટ, ધાડ, બળાત્કાર અને દલિતો ઉપર અત્યાચારના ગુનાઓ સતત વધી રહ્યા છે.
રાજ્યની સરહદો ઉપર પૂરતું સંરક્ષણ રાખવામાં આવતું નથી. પાકિસ્તાનના આતંકવાદીઓને મુંબઈ ઉપર હુમલા કરવા જતા પોરબંદરની બોટ ઉઠાવવાનું સૂઝેલું હતું તે ગુજરાત સરકારની સરહદી સુરક્ષાની નિષ્ફળતાનું જ પરિણામ હતું. દરિયાકાંઠે ચુસ્ત સુરક્ષા કરવાને બદલે કૌભાંડકારીઓને રડાર મૂકવાની મંજૂરી આપવામાં આવે છે. ગુજરાતમાં આતંકવાદને નામે નાના મોટા ગુનેગારોને આતંકવાદ ઠરાવી નકલી એન્કાઉન્ટરમાં મારી નાખવામાં આવે છે, જે દર્શાવે છે કે આતંકવાદને નામે વોટબેન્કની રાજનીતિ ચલાવવાનું ષડયંત્ર ગુજરાતમાં ચાલે છે. માત્ર મુખ્યપ્રધાન સલામતઅને આખું ગુજરાત અસલામત તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. પોલીસની નબળી કામગીરીની ટીકા તટસ્થ એજન્સી 'કેગ' દ્વારા પણ થઈ છે ત્યારે રાજ્યની આ સ્થિતિની ગૃહમાં ચર્ચા થવી જોઈએ.' આ પ્રસ્તાવ થકી રાજકીય હિસાબ ચૂક્તે કરવાની કોંગ્રેસની રણનીતિ સામે ભાજપ છેલ્લી ઘડીએ શું વ્યૂહ ઘડે છે તે જોવું રસપ્રદ બની રહેશે.
|