| Last Update : 06-Sept.-2010, Monday |
|
|
|
|
|
|
માઓવાદ-મંત્રણા |
| |
માઓવાદીઓ સાથેની મંત્રણાની વાતો સેન્સેશન ઊભું કરી રહી છે. પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવશે એમ એમ કેન્દ્ર સરકાર માઓવાદ (નકસલવાદ)ને થોઇ-થાબડા કર્યા રાખશે. એકતરફ માઓવાદ સાથે સમાધાનની વાતો ચાલે છે તો બીજી તરફ અહીં ત્રાસ અને અપહરણની ઘટનાઓ રોજીંદી બનતી જાય છે. ૧૫ ઓગસ્ટે આ વિસ્તારોમાં ધ્વજવંદન પણ થયું નથી તે ઘટનાને સરકારે સમાધાનની વાતો વચ્ચે બહુ ગંભીર ગણી નથી. માઓવાદના પ્રશ્ને આગામી દિવસોમાં તૃણમુલ કોંગ્રેસ અને ડાબેરી પક્ષો આક્ષેપબાજીઓનો મારો જોવા મળશે. આ કોઇ ભવિષ્યવાણી નથી પણ રાજકીય ચાલની સમજ છે. ચૂંટણીઓ નજીક આવશે અને પ્રચાર જ્યારે ચરમસીમાએ હશે ત્યારે માઓવાદનો મુદ્દો જોરદાર ધૂણતો હશે. ચૂંટણી પછી આ માઓવાદ જૈસે-થેની સ્થિતિમાં આવશે અને રાજકીય પક્ષોએ તેનો ઉપયોગ કરીને યુઝ એન્ડ થ્રોની નીતિ અપનાવી હશે. જમ્મુ-કાશ્મીરના કટ્ટરપંથીઓ હાલમાં જે છંછેડાયેલા દેખાય છે તેની પાછળ આવું જ કારણ છે. ગઇ વિધાનસભાની ચૂંટણીઓમાં આ લોકો મોટાપાયે મતદાન માટે નીકળ્યા હતા તેની પાછળનું કારણ તેમને સ્વાયત્ત કાશ્મીરનું વચન અપાયું હતું. પરંતુ દર વખતે થાય છે એમ રાજકીય પક્ષો પોતાનું પ્રોમીસ ભૂલી ગયા હતા. ચૂંટણી ચૂકાદો એવો આવ્યો કે જોડાણવાળી સરકાર બનાવવી પડી. પ્રોમીસ પ્રમાણે ઓમારે લશ્કર તો ઓછું કર્યું પણ કાશ્મીરને સ્વાયત્ત બનાવવાની વાતને ટલ્લે ચઢાવે રાખી હતી. કશામીરમાં તાજેતરના તોફાનોની પાછળ ૮૦ ટકા તો આવું જ કારણ છે.
આ પ્રકારની સ્થિતિ માઓવાદના કિસ્સામાં થવાની છે. ચૂંટણી સુધીની તમામ ઘટનાઓ અને નકસલવાદીઓના એકે-એક મોતને હત્યા કે ખોટા એનકાઉન્ટર તરીકે ખપાવવામાં આવશે. સત્તાવાળાઓ આવું કરીને એક મોટી ભૂલ કરી રહ્યા છે. લોકોને ખોટાં વચનો આપવામાં આવે છે; તેમના નેતાઓ સાથે સમાધાનની મંત્રણા કરવામાં આવે છે અને ચૂંટણી પતતાં જ તે ફ્લોપ-શૉ બની જાય છે. ફરી પાછો માઓવાદનો હિંસાચાર જોવા મળે છે. ચૂંટણી સમયે શરૃ થતું સમાધાનનું વિષચક્ર ક્યારેય તૃપ્ત થતું નથી. અહીં મહત્વનું એ છે કે બંને પક્ષ આ હકીકત જાણે છે પરંતુ ગાંધી-વૈદ્યના સહિયારા જેવું છે. માઓવાદ માટે આ થોડો આરામ તેમજ તૈયારીનો સમય છે. રાજકારણીઓની સત્તાલોલુપતાના તેઓ માહિતગાર છે. ચૂંટણી સમયનો ગાળો તેમના માટે રાજકારણીઓ સાતે દોસ્તી વધારવાનો છે. તેમની વગવાળા વિસ્તારોમાં વધુ ને વધુ સવલતો મળે તે માટેના તેમના પ્રયાસો ચાલુ રહે છે. ચૂંટણી પતતાં જ તેમની સામે પગલાં લેવાશે એની તેમને ખબર હોય છે. પરંતુ ચૂંટણી ટાણે બંને પક્ષ એટલે કે રાજકારણીઓ અને નકસલવાદીઓ બંને તકવાદી બની જાય છે અને એક-બીજાને મૂરખ બનાવ્યા કરે છે. દરેક ચૂંટણીઓ વખતે આવો નજારો જોવા મળે છે. પશ્ચિમ બંગાળમાં ૩૫ વર્ષ જુનું શાસન ઉથલાવવા માટે કોંગ્રેસ અને તૃણમુલ કોંગ્રેસનું જોડાણ બાંયો ચઢાવી રહી છે. નકસલગ્રસ્ત ગામોમાં વૉટ ચોક્કસ ગૃપોના આદેશ અનુસાર પડતા હોય છે. નકસલગ્રસ્ત ગૃપો સાથેની મંત્રણા કે સમાધાનની વાતોની પાછળ ગામડાના વૉટની લાલચ છુપાયેલી છે તે ભૂલવું ના જોઇએ. તકવાદના આ વિષચક્રમાં રાજરાણીઓને સત્તા મળે છે; નકસલવાદ મજબૂત બને છે અને દેશનું નખ્ખોદ જાય છે કેમકે સમસ્યા ઠેરની ઠેર રહે છે.
ધર્મ પ્રિય દેશ
ગુજરાતમાં જન્માષ્ટમીની બોલબાલા છે તો મહારાષ્ટ્રમાં ગણપતિનો મહિમા છે, કલકત્તામાં મા-દુર્ગા છે તો દિલ્હીમાં રામલીલાનું વર્ચસ્વ છે. જન્માષ્ટમીના માહોલમાંથી ગુજરાત પસાર થયું છે તો હવે મુંબઇ ગણપતિમય બની જશે. હવે ગણપતિદાદાનું સ્થાપન માત્ર મહારાષ્ટ્રમાં થાય છે એવું નથી પણ આ વિઘ્નહર્તા દેવનું સ્થાપન ગુજરાતના ખૂણે-ખૂણે થઇ રહ્યું છે. મુંબઇમાં ગણપતિના પરંપરાગત રીતે ઊભા કરાતા મોટા મંડપો એક અનોખા આયોજનની સાક્ષી સમાન બની ગયા છે. દરેક શુભકામમાં 'પરથમ સમરું ગણપતિ દેવા'નું સ્મરણ થાય છે. આ વર્ષે ઈકો-ફ્રેન્ડલી ગણપતિને પ્રાધાન્ય મળ્યું છે અને મુંબઇમાં ઠેર-ઠેર તેના વિસર્જન માટેના કૃત્રિમ તળાવો ઊભા થશે. આશ્ચર્યની વાત તો એ છે કે પ્રજાએ પણ આ પર્યાવરણ તરફી પગલાંઓને આવકાર્યું છે.
પ્લાસ્ટર ઓફ પેરીસની પ્રતિમાઓ પર પ્રતિબંધ કાગળ ઉપરનો છે કેમકે પ્લાસ્ટરની બનાવેલી પ્રતિમાઓ હજુ ઠેર-ઠેર વેચાતી જોતા મળે છે. મુંબઇમાં ગણપતિના સ્થાપનથી માંડીને વિસર્જનને મહત્વ છે. ગુજરાતમાં ધર્મપ્રેમી જનતાના બે સ્પષ્ટ ભાગ જોવા મળે છે. સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના પર્વને ધામધૂમથી મનાવાય છે તો મધ્ય ગુજરાત, ખાસ કરીને વડોદરા આખું ગણપતિમય બની જાય છે. જોકે નવરાત્રિનો માહોલ તો સમગ્ર ગુજરાત અને મુંબઇમાં એકસમાન જોવા મળે છે. ભારતની જનતા ઉત્સવ ઘેલી છે. દરેક ઉત્સવને તેઓ ખભે ઊંચકીને ફરે છે. વિસ્તાર અનુસાર તેની ઉજવણીની માત્રા ઓછી-વત્તી હોય છે પરંતુ અહીં દરેક પરંપરા વંદનીય બની ચૂકી છે.
|
|
|
|
|
|
|
|
|
|
| |
|
|
|
|
|
|
Gujarat Samachar © 2010, All Rights Reserved |
|
|
|